લાલો, વિક્તોર એન્તૉની એદુઅર્દ

January, 2004

લાલો, વિક્તોર એન્તૉની એદુઅર્દ (જ. 27 જાન્યુઆરી 1823, લિલે ફ્રાન્સ; અ. 22 એપ્રિલ 1892, પૅરિસ, ફ્રાન્સ) : પ્રસિદ્ધ ફ્રેન્ચ સ્વરનિયોજક. પેઢીઓથી લશ્કરી કારકિર્દી ધરાવતા એક ફ્રેન્ચ કુટુંબમાં જન્મ. કુટુંબના વડવાઓ મૂળ સ્પૅનિશ હતા. 1839માં લિલે છોડીને લાલો પૅરિસ ગયા અને ફ્રાંસ્વા હેબેનેક પાસે પૅરિસ કૉન્ઝર્વેટરીમાં વાયોલિન-વાદન શીખવું શરૂ કર્યું. તેમણે જુલિયસ શુલ્હૉફ અને ક્રેવેકૂ હેઠળ સ્વરનિયોજન શીખવા માંડ્યું. 1848માં તેમણે પ્રથમ વાર પોતાનાં ગીતો પ્રસિદ્ધ કર્યાં. 1855માં ‘એર્મીન્ગાર્ડ ક્વૉર્ટેટ’માં વાયોલિનવાદક તરીકે તેઓ જોડાયા. વાયોલિન અને વાદ્યવૃંદ માટેની એમની પ્રથમ રચના ‘સિમ્ફની એસ્પાન્યોલે’ પ્રસિદ્ધ થઈ. એના પ્રથમ વાદન વખતે પાબ્લો સેરાસેતેએ તેમાં સોલો-વાયોલિન વગાડેલું. એ પછી એમના બૅલે ‘નમૂના’ના તથા ચેલો-કૉન્ચર્ટોમાં પણ અનુક્રમે વાયોલિન અને ચેલો સેરાસેતેએ વગાડ્યાં. બૅલે ‘નમૂના’માં પછીથી સર્જાનાર ડાયેધિલેવના બૅલેનું પૂર્વપ્રતિબિંબ જોવા મળે છે; કારણ કે ‘નમૂના’માં પણ કૉરિયૉગ્રાફી કરતાં સંગીતનું મહત્વ વધુ છે. એ પછી એમણે 1887માં ‘સિમ્ફની ઇન જી માઇનર’ અને 1888માં ઑપેરા ‘લ રોઇ દિસ’ લખ્યાં. એમના ચેમ્બર સંગીતમાં એક સ્ટ્રિન્ગ ક્વૉર્ટેટ, ત્રણ ટ્રાયો, થોડાં વાયોલિન સોનાટા અને થોડાં પિયાનો સોનાટાનો સમાવેશ થાય છે. વાયોલિન અને પિયાનો માટે એમણે ઑર્કેસ્ટ્રા સાથેનાં થોડા કૉન્ચર્ટો પણ લખ્યાં.

અત્યંત મૌલિક પ્રતિભા પ્રગટ કરવા માટે લાલો આજે પણ યુરોપિયન સંગીતમાં અનોખું સ્થાન ધરાવે છે.

અમિતાભ મડિયા