લાલા, ભોગીલાલ ધીરજલાલ (જ. 7 ડિસેમ્બર 1877, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1965, અમદાવાદ) : ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય-સૈનિક અને મુંબઈ વિધાનપરિષદના અધ્યક્ષ.

ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ 1920માં ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરીને વકીલોને વકીલાત છોડવાની હાકલ કરી ત્યારે, તેમણે ધીકતી કમાણીવાળી પોતાની વકીલાતનો ત્યાગ કરીને ભારતમાતાની મુક્તિ માટેની ચળવળમાં ઝંપલાવ્યું. 1927થી 1932 દરમિયાન તેમણે લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1920થી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવતાં જાહેર સેવાનાં સર્વ કાર્યોમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કામ કરતા હતા. પરદેશી કાપડ સામે અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ કરવું, ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવો; ગુજરાતમાં રેલસંકટ, દુષ્કાળ, બિહારનો ધરતીકંપ અને અતિવૃષ્ટિ દરમિયાન રાહતકાર્યો કરવાં; સ્વદેશીનો પ્રચાર કરવો વગેરે લોકસેવાનાં કાર્યો તેમણે કર્યાં હતાં.

1930માં સવિનય કાનૂનભંગની લડતમાં ભાગ લેવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમણે કારાવાસ ભોગવ્યો. 1931માં ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની છાવણી તેમણે સંભાળી અને બીજે વરસે (1932માં) ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે મહત્વની જવાબદારી સંભાળી. આ વર્ષે ફરીથી લડત શરૂ થવાથી તેમની ધરપકડ કરવામાં આવી અને સજા ભોગવવા તેમને વિસાપુરની જેલમાં રાખવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં 1935માં અને તે પછી, એમ બે વાર ચૂંટાયા અને તેના ઉપપ્રમુખ બન્યા. 1942ના ઑગસ્ટમાં ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં 9મી ઑગસ્ટની વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી અને અટકાયતી કેદી તરીકે નાસિકની જેલમાં રાખવામાં આવ્યા. મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય તરીકે તેઓ 1937 અને 1945ની ચૂંટણીઓમાં ચૂંટાયા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ 1951 અને 1956માં મુંબઈ રાજ્યની વિધાનપરિષદના સભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા. મુંબઈ રાજ્યની વિધાનપરિષદના અધ્યક્ષ તરીકે 1956માં તેઓ ચૂંટાયા અને 1960 પર્યંત અધ્યક્ષ તરીકે તે હોદ્દો ખૂબ ચીવટ તથા કાળજીથી શોભાવ્યો. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા ગ્રામવિકાસ મંડળના ઉપપ્રમુખ તથા અમદાવાદ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિના ઉપપ્રમુખ તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. મુંબઈ સરકારે ગણોતિયાઓ માટે પસાર કરેલ ગણોતધારો અને ઋણરાહત ધારો ઘડવામાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું. તેઓ અમદાવાદમાં બહેરા-મૂંગા અને અંધોની શિક્ષણસંસ્થાના સ્થાપક હતા અને 30 વર્ષ સુધી તેના મંત્રી તરીકે કામ કર્યું હતું. તેઓ આપત્તિગ્રસ્તો તથા નિર્વાસિતોના ભીડભંજક અને ખેડૂતોના સાચા હમદર્દ હતા. ગુજરાતના બુઝુર્ગ કૉંગ્રેસી આગેવાન તથા સરદાર પટેલના વિશ્વાસુ સાથીદાર તરીકે તેઓ લોકોમાં આદર પામ્યા હતા. તેઓ ‘લાલાકાકા’નું લોકલાડીલું બિરુદ ધરાવતા હતા. તેમના પુત્ર અર્જુનલાલના અવસાનનો આઘાત લાગવાથી 1960માં એમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી. એમની વિવિધલક્ષી સેવાઓની કદર કરીને 1962માં લોકો તરફથી તેમને બે લાખ રૂપિયાની થેલી, જાહેર સમારંભ યોજીને ભેટ આપવામાં આવી હતી. તેમણે લોક-કલ્યાણાર્થે એનું ટ્રસ્ટ કરી દીધું.

જયકુમાર ર. શુક્લ