લાલા અમરનાથ (જ. 11 સપ્ટેમ્બર 1911, કપૂરથલા; અ. 5 ઑગસ્ટ 2000, નવી દિલ્હી) : જાણીતા ક્રિકેટર. 1933માં ડિસેમ્બર માસ દરમિયાન મુંબઈ ખાતે બૉમ્બે જિમખાનાના મેદાન પર પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે ભારત તરફથી ટેસ્ટપ્રવેશે જ સદી ફટકારવાનું બહુમાન મેળવનારા 22 વર્ષના ઝંઝાવાતી ‘વન-ડાઉન’ બૅટ્સમૅન ‘લાલા’ અમરનાથનું મૂળ નામ અમરનાથ નાનિક ભારદ્વાજ હતું. ‘લાલા’ તો તેમનું હુલામણું નામ હતું, પરંતુ ક્રિકેટજગતમાં તેઓ ‘લાલા અમરનાથ’ના નામે મશહૂર બની ગયા હતા. તેઓ જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી બૉલર હતા.

થોડા તીખા સ્વભાવના, પરંતુ સ્પષ્ટવક્તા એવા લાલા પ્રથમ કક્ષાની અને રાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધાઓમાં દક્ષિણ પંજાબ, ગુજરાત, પતિયાળા, રેલવેઝ, યુનાઇટેડ પ્રૉવિન્સિઝ વગેરે તરફથી રમી ચૂક્યા હતા.

ભારતીય ટેસ્ટ ક્રિકેટજગતને તેમણે તેમના બે ટેસ્ટ-ક્રિકેટર પુત્રો ઑલરાઉન્ડર મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથની ભેટ આપી હતી. સુરિન્દરે તો પિતાના પગલે પગલે, 1976માં ન્યૂઝીલૅન્ડ પ્રવાસમાં ઑકલૅન્ડ ખાતે પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં જ શાનદાર સદી (124) ફટકારી હતી. આમ, ભારતીય ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ટેસ્ટપ્રવેશે જ સદી નોંધાવનારી આ પિતા-પુત્રની એકમેવ જોડી બની રહી.

લાલા અમરનાથ

લાલાએ 1933–34માં, ઘરઆંગણે મુંબઈ ખાતે 15મી ડિસેમ્બર, 1933ના રોજ પ્રવાસી ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવીને બીજા દાવમાં શાનદાર સદી ફટકારતાં 118 રન નોંધાવ્યા હતા. ભારતના ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસની આ સૌપ્રથમ સદી નોંધાઈ હતી, જેનું બહુમાન લાલાએ મેળવ્યું હતું; પરંતુ ત્યારબાદ, લાલા ભારત તરફથી 24 ટેસ્ટમૅચોના 40 દાવમાં રમ્યા; પરંતુ ક્યારેય બીજી સદી નોંધાવી શક્યા નહોતા. 4 વાર અણનમ રહી એક સદી (118), ચાર અર્ધ- સદી સાથે તેમણે 24.39ની સરેરાશથી કુલ 878 રન નોંધાવ્યા હતા અને 4,241 દડા નાખી (195 મેઇડન) 1,481 રન આપી 32.91ની સરેરાશથી 45 વિકેટો ઝડપી હતી. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવાસી એમસીસી સામે તેમણે 1933–34માં દક્ષિણ પંજાબ તરફથી રમતાં શાનદાર સદી ફટકારીને 109 રન નોંધાવ્યા હતા.

1936માં ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં પ્રથમ કક્ષાની મૅચોમાં તેમણે સૌથી વધુ 613 રન નોંધાવ્યા હતા અને 32 વિકેટો ઝડપી હોવા છતાં શિસ્તભંગના પગલારૂપે પ્રથમ ટેસ્ટ પૂર્વે જ તેમને સ્વદેશ પાછા મોકલી દેવાયા હતા; પરંતુ તેઓ નિર્દોષ સાબિત થતાં 1946ના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટે તેમનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો હતો. લૉર્ડ્ઝ ખાતે પ્રથમ ટેસ્ટમાં જ પ્રથમ દાવમાં તેમણે 118 રન આપીને પાંચ વિકેટો ઝડપી પોતાની સમર્થતા પુરવાર કરી હતી.

1947–48માં ઑસ્ટ્રેલિયા-પ્રવાસ માટે લાલા અમરનાથની ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે વરણી થઈ. ઑસ્ટ્રેલિયામાં પ્રથમ કક્ષાની મૅચોમાં 144, અણનમ 94, અણનમ 228, અણનમ 172, 171, 135 રનના જંગી જુમલા નોંધાવવા છતાં ટેસ્ટ-ક્રિકેટમાં તેમનો દેખાવ સામાન્ય રહ્યો હતો. 1948–49માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે પણ તેમણે ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1951–52માં ઘરઆંગણે પ્રવાસી પાકિસ્તાન સામે પાંચ ટેસ્ટમૅચોમાં તેમણે ફરીથી ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું.

ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, 1952થી 1960 સુધી તેઓ રાષ્ટ્રીય પસંદગી-સમિતિના સભ્ય હતા. એમાં બે વર્ષ અધ્યક્ષપદે પણ રહ્યા હતા.

1991માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ઇલકાબથી તથા 1994માં ‘સી. કે. નાયડુ ઍવૉર્ડ’થી લાલા સન્માનિત થયા હતા.

ટેસ્ટમૅચો દરમિયાન આકાશવાણી પરથી પ્રસારિત થતા આંખે દેખ્યા અહેવાલમાં તેઓ નિષ્ણાત તરીકેની સેવા પણ આપતા હતા.

જગદીશ બિનીવાલે