લાર્કિન, ફિલિપ (આર્થર) (જ. 9 ઑગસ્ટ 1922, કૉવેન્ટ્રી, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1985, શ્રૉપશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર અને નિબંધકાર. થોકબંધ પારિતોષિકો અને બહુમાન મેળવેલ, બ્રિટિશ સામ્રાજ્યના સી. બી. ઈ. (કમાન્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર, 1975). શિક્ષણ કિંગ હેન્રી એઇટ્થ ગ્રામર સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. 1943માં બી.એ. અને 1947માં એમ.એ.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. શ્રૉપશાયરની વૅલિંગ્ટન લાઇબ્રેરીના ગ્રંથપાલ. લેસ્ટર, બેલફાસ્ટ અને યૉર્કશાયરની યુનિવર્સિટી ઑવ્ હલમાં પણ ગ્રંથપાલ તરીકે સેવા. 1950ના દશકામાં રોમૅન્ટિક કવિઓથી તદ્દન વિરુદ્ધની સંવેદનશીલતાને વાચા આપનાર પ્રથમ હરોળના કવિ. ઑક્સફર્ડ યુનિવર્સિટીના અનુભવમાંથી ‘જિલ’ (1946) અને ‘અ ગર્લ ઇન વિંટર’ (1947) નવલકથાઓ પ્રસિદ્ધ કરી. ‘ધ નૉર્થશિપ’(1945)માં તેમનાં શરૂઆતનાં કાવ્યો છે. આ કાવ્યો પર ડબ્લ્યૂ. બી. યેટ્સની અસર સ્પષ્ટ વરતાય છે. તેમની ‘ટ્વેન્ટી પોએમ્સ’(1951)ની પુસ્તિકા માત્ર અંગત વર્તુળ માટે છપાવી હતી. ‘ધ લેસ ડિસીવ્ડ’ (1955) કાવ્યસંગ્રહથી તેઓ જાણીતા થયા. આગલા બે-ત્રણ દશકાઓના કવિઓના તત્કાલીન રાજકીય ઉત્સાહ સામે તેમણે આક્રોશ ઠાલવ્યો છે. ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’(1961–67)માં જાઝ પ્રકારના સંગીત વિશે તેમની આલોચનાત્મક કટાર ચાલતી. તેમણે ‘ઑલ વૉટ જાઝ, અ રેકર્ડ ડાયરી 1961–68’ (1970), ‘ધ વ્હિટ્સન વેડિંગ્ઝ’ (1964) અને ‘હાય વિન્ડોઝ’ (1974) તેમના કાવ્યસંગ્રહો છે. ‘ધ વ્હિટ્સન વેડિંગ્ઝ’ના શીર્ષકકાવ્યમાં કવિએ ટ્રેન દ્વારા હલથી લંડન સુધીની મુસાફરીનું વર્ણન કર્યું છે. ‘હાય વિન્ડોઝ’માં તેમની છેલ્લી કાવ્યરચનાઓ છે. તેમાંનાં માંદગી અને મૃત્યુ પરનાં કાવ્યો ધ્યાનાકર્ષક છે. ‘ધ બિલ્ડિંગ’ નામ પાડ્યા વગરની હૉસ્પિટલ છે અને તેમાં રોજબરોજ ‘મૃત્યુ’ આવે છે તેની રૂપકગ્રંથિ છે. ‘ઑક્સફર્ડ બુક ઑવ્ ટ્વેન્ટિયેથ સેન્ચરી ઇંગ્લિશ વર્સ’(1973)ના તેઓ સંપાદક હતા. ‘રિક્વાયર્ડ રાઇટિંગ’(1983)માં તેમનાં ત્રણ દાયકાનાં લખાણોમાંથી તેમની પસંદગીનાં લેખો અને સમાલોચનાઓ છે. તેમને 1965માં ‘આર્ટ્સ કાઉન્સિલ પ્રાઇઝ’ અને ‘ક્વીન્સ ગોલ્ડ મેડલ’થી નવાજવામાં આવેલા. આ ઉપરાંત ‘કૉલ્મોન્ડેલી ઍવૉર્ડ’ (1923), ‘લૉઇન્સ ઍવૉર્ડ’ (1974), ‘બેન્સન મેડલ’ (1975) અને ‘કમ્પેનિયન ઑવ્ લિટરેચર’ (1976) પણ તેમને એનાયત કરવામાં આવેલ. રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચર દ્વારા ‘શેક્સપિયર પ્રાઇઝ’ (1976), ‘કૉવેન્ટ્રી ઍવૉર્ડ ઑવ્ મેરિટ’ (1978) અને ‘ડબ્લ્યૂ. એચ. સ્મિથ ઍવૉર્ડ’ (1984) દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. 1954માં બેલફાસ્ટની ક્વીન્સ યુનિવર્સિટીએ તેમને ડી. લિટ્.ની પદવી આપેલી. આ પહેલાં યુનિવર્સિટી ઑવ્ લેસ્ટર, યુનિવર્સિટી ઑવ્ વૉર્વિક, યુનિવર્સિટી ઑવ્ સેંટ ઍન્ડ્રૂઝ, યુનિવર્સિટી ઑવ્ સસેક્સ દ્વારા તેમને ડી. લિટ્.ની માનાર્હ ઉપાધિઓ આપવામાં આવી હતી.

ઍન્થની થ્વેટ અને પીટર લેવીએ સ્વતંત્ર રીતે તેમનાં કાવ્યોનું સંપાદન કર્યું છે. ઍન્ડ્રૂ મોશને તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

અનિલા દલાલ

વિ. પ્ર. ત્રિવેદી