લાર્જ હેડ્રૉન કોલાઇડર : શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપની સન્નિકટ ઝડપે પ્રોટૉન કણોને પ્રવેગિત કરનાર અને તેમની કિરણાવલિઓનો સંમુખ સંઘાત કરાવનાર ભૂગર્ભ બુગદામાં બંધાયેલ મહાકાય કણપ્રવેગક. તેનો અર્થ વિરાટ હેડ્રૉન સંઘાતક થાય.

લાર્જ હેડ્રૉન કોલાઇડર એક અત્યંત શક્તિશાળી કણપ્રવેગક (વિશ્વકોશ ખંડ 4) છે. પરમાણુની અંદર એક ‘ભીતરી બ્રહ્માંડ’ રહેલું છે. પરમાણુ પોતે જ અતિસૂક્ષ્મ હોય છે. હાઇડ્રોજન-પરમાણુ એક સેન્ટિમિટરના દશ કરોડમા ભાગનો હોય છે. પરમાણુનું ન્યૂક્લિયસ તેના પણ એક લાખમા ભાગનું હોય છે. આ ન્યૂક્લિયસનાં ભીતરનાં રહસ્યો ઉકેલવા તેની તોડફોડ કરવી પડે. તે માટે કણપ્રવેગકો (particle accelerator) બાંધવાનું શરૂ થયું. ગઈ સદીના પૂર્વાર્ધમાં કોકરોફ્ટ અને વોલ્ટન નામના બે ભૌતિકવિજ્ઞાનીઓએ પ્રથમ કણપ્રવેગક બાંધ્યું અને તેનો સૌપ્રથમ પ્રયોગ 1932માં તેમણે કરેલો. તેમાં આગળ જતા ઘણા સુધારા થયેલા. ‘ફર્મિ નૅશનલ એક્સેલરેટર લૅબોરેટરી’માં આવેલ 750 કિલોવોલ્ટના કોકરોફ્ટ-વોલ્ટન એક્સેલરેટરમાં પ્રવેગિત પ્રોટૉનને અન્ય પ્રવેગકમાં દાખલ કરી તેની ઊર્જા 500 ગિગાઇલેક્ટ્રૉન વોલ્ટ સુધી લઈ જવામાં આવેલ આ પ્રવેગકમાં પ્રોટૉનને તીવ્ર ઝડપે પ્રવેગિત કરી તેનો ઘાત લિથિયમ પરમાણુના ન્યૂક્લિયસ પર થવા દીધો. પરિણામે લિથિયમનું ન્યૂક્લિયસ તૂટી ગયું અને માલૂમ પડ્યું કે તે બે પ્રોટૉન અને ત્રણ ન્યૂટ્રૉન નામના કણોનું બનેલું છે, તે પછી તો વધારે અને વધારે વેગીલા કણોની કિરણાવલિ ઉત્પન્ન કરે તેવા કણપ્રવેગકો દુનિયાભરના ઘણા દેશોમાં સ્થપાતા ગયા અને ભીતરી બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલાતાં ગયાં.

લાર્જ હેડ્રૉન કોલાઇડર અતિ આધુનિક કણપ્રવેગક છે. તેને વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી શક્તિશાળી સૂક્ષ્મદર્શક કહી શકાય. લાર્જ હેડ્રૉન કોલાઇડર નૅનો-નૅનોમીટર જેટલા અત્યંત નજીકના અંતરમાંના ભૌતિકવિજ્ઞાનને બારીકાઈથી જોનાર છે. એક દાયકા કરતાં પણ વધારે સમયથી કણભૌતિક વિજ્ઞાનીઓ આટલા અંતરની અંદર ખોજ કરવાની રાહ જોઈ રહ્યા હતા. વળી લાર્જ હેડ્રૉન કોલાઇડર અત્યાર સુધી તપાસેલ ઊર્જા કરતાં ઘણી વધારે ઊર્જાની તપાસ કરનાર છે. ઘણી વાર તેને ‘ટેરાસ્કેલ’ ઊર્જાનું પ્રભાવક્ષેત્ર કહે છે. તેમાં ઊર્જાની જે માત્રાનો વિસ્તાર સંકળાયેલ છે તે એક ટ્રિલ્યન ઇલેક્ટ્રૉન વોલ્ટ અથવા 1 TeV છે. આ ઊર્જાની માત્રાએ અર્થપૂર્ણ નવું ભૌતિકવિજ્ઞાન પ્રકાશમાં આવે તેવી અપેક્ષા છે. તેમાં ખાસ કરીને એક તો હજુ સુધી નહીં પારખી શકાયેલ ‘હિગ્ઝ’ના કણ છે, જે અન્ય કણોના દ્રવ્યમાનનું કારણ છે અને બીજો એ કણ છે જે ડાર્ક મેટર અર્થાત્ અદૃશ્ય દ્રવ્યનો છે. આ બ્રહ્માંડનું મોટા ભાગનું દ્રવ્ય ડાર્ક મેટરના કારણે છે.

આ મહાકાય મશીન યુરોપમાં ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદે ભૂગર્ભમાં બુગદામાં આવેલું છે. તે જિનીવાની નજીકના ‘લેક જિનીવા’ નામના સરોવર પાસે આવેલું છે. ત્યાં ભૂગર્ભમાં 27 કિલોમિટરના ઘેરાવાનો બુગદો બનાવવામાં આવ્યો છે. તે બુગદો સમક્ષિતિજ સાથે 1.4 % ત્રાંસો છે. તે લેક જિનીવા બાજુ 50 મીટર ઊંડે છે અને બીજી બાજુ 175 મીટર ઊંડે છે. તેનો આકાર મહાકાય વલય જેવો છે. વાસ્તવમાં તે અષ્ટકોણાકાર છે. તેનું એક છેડાથી બીજા છેડાનું મહત્તમ અંતર 8.6 કિલોમિટર છે. પૂનમના રોજ સૌથી મોટી ભરતી આવે છે ત્યારે જિનીવા નજીકની પાણીની સપાટી 25 સેન્ટિમિટર ઊંચકાય છે. તેથી મહાકાય મશીનનો પરિઘ એક મિલીમિટર વધતાં કિરણાવલિની ઊર્જા 0.02 % બદલાય છે. પ્રયોગ કરનારા વૈજ્ઞાનિકોએ આ બાબત લક્ષમાં લેવી પડે છે. ઉપર વર્ણવ્યા પ્રમાણે લાર્જ હેડ્રૉન કોલાઇડર વાસ્તવમાં અષ્ટકોણાકાર છે. તેના આઠ વિભાગોમાં ચાર પ્રયોગો ગોઠવેલા છે અને કિરણાવલિને નિયંત્રિત કરવાની સુવિધાઓ પણ ગોઠવેલી છે.

લાર્જ હેડ્રૉન કોલાઇડર અગાઉની ઊર્જાની સીમાઓ તોડી ટેરાક્રમની ઊર્જાની સીમામાં લઈ જાય છે. તેથી તેના પાયાના પ્રાચલો અગાઉના કોલાઇડરોને દરેક રીતે ઓળંગી જાય છે. તે આરંભથી જ જે પ્રોટૉન કિરણાવલિ ઉત્પન્ન કરે છે તે અગાઉના કરતાં ઘણી જ વધારે છે. તેના 7000 ચુંબકો પ્રવાહી હિલિયમથી ઠંડા પાડી તેનું તાપમાન બે કેલ્વિનથી ઓછું કરવામાં આવેલ છે, જેથી તેને સુપર કન્ડક્ટર એટલે અતિવાહક બનાવી શકાય. આ ચુંબકો પ્રકાશની ઝડપ કરતાં માત્ર સહેજ જ ઓછી (તેના 0.000001 % જેટલી ઓછી) ઝડપે ગતિમાન પ્રોટૉનની બે કિરણાવલિઓને નિર્ધારિત દિશામાં દોરે છે અને કેન્દ્રિત કરે છે. દરેક પ્રોટૉનની ઊર્જા 7 TeV (ટેરાઇલેક્ટ્રૉન વોલ્ટ) હોય છે. એક પ્રોટૉનના સ્થાયી દળની આઇન્સ્ટાઇનના સમીકરણ E = mc2 પ્રમાણે ગણતરી કરીએ તેના કરતાં અત્રે તે 7000ગણી વધારે ઊર્જા હોય છે. જ્યારે આ મહાકાય મશીન સંપૂર્ણ રીતે ભારિત હોય અને મહત્તમ ઊર્જાથી કાર્યરત હોય ત્યારે તેના દરેક કણની ગતિઊર્જા અંદાજે 900 મોટરકાર કલાકના 100 કિલોમિટર ગતિ કરતી હોય ત્યારે તેની જે ગતિઊર્જા હોય એટલી અથવા 2000 લિટર કૉફીના પાણીને ગરમ કરવા માટેની ઊર્જા જેટલી હોય છે.

પ્રોટૉન અંદાજે ત્રણ-ત્રણ હજાર પ્રોટૉનના ઝૂમખામાં લાર્જ હેડ્રૉન કોલાઇડરના 27 કિલોમિટરના પરિઘમાં વિતરિત થઈને ગતિ કરે છે. દરેક ઝૂમખામાં 100 અબજ જેટલા પ્રોટૉન હોય છે; પરંતુ ઝૂમખાનું માપ સંઘાતબિંદુએ સોય જેટલું હોય છે. તે થોડા સેન્ટિમિટર લાંબું હોય છે અને તેનો વ્યાસ 16 માઇક્રોન એટલે કે પાતળામાં પાતળા માણસના વાળ જેટલો હોય છે. આખા વલયમાં જુદા જુદા ચાર સ્થાને આ બધી સોય એકબીજીમાંથી પસાર થાય છે અને તે દરમિયાન દર સેકન્ડે 60 કરોડથી વધારે કણ-સંઘાત ઉત્પન્ન થાય છે. આ સંઘાત કે જેને ભૌતિકવિજ્ઞાનીઓ ઘટના (event) કહે છે તે પ્રોટૉન જે કણોના બનેલા છે તેમની વચ્ચે ખરેખર થાય છે. પ્રોટૉન જે કણોના બનેલ હોય છે તે ક્વાર્ક કણો અને ગ્લુઑન કણો છે. આ પ્રચંડ અથડામણોમાં સૌથી પ્રલયાત્મક ઘટના થશે ત્યારે 2 TeV ઊર્જા મુક્ત થશે. જનક પ્રોટૉનમાં જે ઊર્જા ઉપલબ્ધ હોય તેનો તો તે સાતમો ભાગ હશે.

સૌથી મોટા બે પરખકો પૈકી દરેકમાંથી વહેતી 10 કરોડ ચૅનલની ડેટાનો સંગ્રહ કરવા દર સેકંડે 1,00,000 સીડી (CD) જોઈએ. તેની થપ્પી કરવામાં આવે તો છ મહિનામાં તે ચંદ્ર સુધી પહોંચી જાય. આવી રીતે ડેટા સંગ્રહ કરવાને બદલે જે ડેટા સૌથી વધારે ઉપયોગી નીવડે તેવી દર સેકંડે 100 ઘટનાઓની ડેટા લાર્જ હેડ્રૉન કોલાઇડરની કેન્દ્રીય કમ્પ્યૂટિંગ પ્રણાલીમાં સર્ન (CERN) ખાતે મોકલવાની હોય છે. દર સેકંડે મળતી અસંખ્ય ડેટામાંથી માત્ર 100 ઘટનાની ડેટાને પસંદ કરવા વિશિષ્ટ ગાળણ-રચના કરવામાં આવેલી છે.

સર્ન ખાતે કેટલાક હજાર કમ્પ્યૂટરોનું ‘ફાર્મ’ ઊભું કરવામાં આવ્યું છે. તે ગાળણ પામેલી કાચી ડેટાનું વધારે સુસંઘટિત ડેટામાં રૂપાંતર કરશે, જેનો ભૌતિકવિજ્ઞાનીઓ અભ્યાસ કરશે. આખા જગતમાં પથરાયેલા સેંકડો હજારો કમ્પ્યૂટરોના ગ્રીડ નેટવર્કમાં આ પૃથક્કરણ થશે. આ બધાં કમ્પ્યૂટરોને પૃથ્વીના ત્રણ ભૂખંડમાં બાર જેટલાં મુખ્ય કેન્દ્રોના ‘હબ’ (નાભિ) સાથે જોડેલ છે. તે ‘સર્ન’ ખાતે તેના માટે અલગ ફાળવેલા ‘ઑપ્ટિકલ કેબલ્સ’ દ્વારા જોડેલ છે.

લાર્જ હેડ્રૉન કોલાઇડરના આઠેઆઠ વિભાગોની કસોટી, પ્રથમ અલગ અલગ અને પછી એકસાથે કર્યા બાદ તેના બેમાંથી એક કિરણાવલિ પાઇપમાં પ્રોટૉનની કિરણાવલિનું અંત:ક્ષેપણ કરવામાં આવેલ. કિરણાવલિ-પાઇપ તેને આ મહાકાય મશીનના 27 કિલોમિટર લાંબા વલયમાં પરિભ્રમણ કરાવવા લઈ ગયેલ.

લાર્જ હેડ્રૉન કોલાઇડરના મુખ્ય વલયને જે નાના કણપ્રવેગકોની શ્રેણી પ્રોટૉન-કિરણાવલિઓ પૂરી પાડે છે તેની ચકાસણી પહેલાં કરવામાં આવી હોય છે. લાર્જ હેડ્રૉન કોલાઇડરમાં આ પ્રોટૉન-કિરણાવલિનું અંત:ક્ષેપણ થાય છે ત્યાં પ્રોટૉનની ઊર્જા 0.45 TeV થઈ ગઈ હોય છે. આરંભમાં આ નિમ્ન તીવ્રતાવાળી પ્રોટૉન-કિરણાવલિથી વૈજ્ઞાનિકોએ કસોટી કરી. પછી પ્રોટૉન-કિરણાવલિની અભિકલ્પેલ 7 TeV ઊર્જા સાથેની ગતિ માટે પ્રોટૉનનું એક ઝૂમખું દરેક દિશામાં પરિવહન કરે છે. છેવટે લગભગ 3000 ઝૂમખાં પરિવહન કરવાનાં છે.

આ મહાકાય મશીન પૂરેપૂરું કાર્યરત થતાં પહેલાં એક એક ડગલું આગળ વધશે. તેમાં સમસ્યાઓ આવવાની છે. આ સમસ્યા ઉકેલવા કોઈ વિભાગને બે કેલ્વિન તાપમાનથી છેક ઓરડાના તાપમાને સમારકામ માટે લાવવા પડે. તેમાં મહિનાઓ વીતી જાય.

10 ઑગસ્ટ, 2008ના રોજ લાર્જ હેડ્રૉન કોલાઇડરના 27 કિલોમિટરના વલયમાં પ્રોટૉનના એક ઝૂમખાની કિરણાવલિ સફળતાપૂર્વક તીવ્ર ગતિ કરવા લાગેલી. આ આરંભિક સફળતા પછી તેમાં સમસ્યા ઊભી થતાં આ મહાકાય મશીનને બંધ કરી દેવામાં આવેલ. તેની સમસ્યાનો ઉકેલ આવતા મહિનાઓમાં થશે.

લાર્જ હેડ્રૉન કોલાઇડરના આઠ વિભાગોમાં ચાર પ્રયોગો ગોઠવેલા છે. આ ચાર પ્રયોગોનાં નામ છે : એટલાસ (ATLAS), એલિસ (ALICE), સી.એમ.એસ. (CMS) અને એલએચસીબી (LHCb).

આ પ્રયોગોનો હેતુ શું શોધવાનો છે તે પ્રથમ જાણી લેવું જરૂરી છે. લાર્જ હેડ્રૉન કોલાઇડર પાસે પાંચ અપેક્ષાઓ છે.

આ બ્રહ્માંડના અસંખ્ય પદાર્થો ગમે તેટલું વૈવિધ્ય ધરાવતા હોય તોપણ તેમના અંતિમ ઘટકો તો સમાન જ છે. આ અંતિમ ઘટકોને સ્ટાન્ડર્ડ મૉડલમાં નિરૂપવામાં આવ્યા છે. તેમાં છ ક્વાર્ક કણો છે. તેમનાં નામ છે : (1) ‘અપ’, (2) ‘ડાઉન’, (3) ‘ચાર્મ’, (4) ‘સ્ટ્રૅન્જ’, (5) ‘ટૉપ’ અને (6) ‘બૉટમ’. આ ઉપરાંત છ લૅપ્ટૉન છે. તેમનાં નામ છે : (1) ઇલેક્ટ્રૉન ન્યૂટ્રિનો, (2) ઇલેક્ટ્રૉન, (3) મ્યુઑન ન્યૂટ્રિનો, (4) મ્યુઑન, (5) ટાઉ ન્યૂટ્રિનો, (6) ટાઉ. તદુપરાંત તેમની વચ્ચે થતી આંતરક્રિયાના બાર બળ-કણો છે. તેમનાં નામ છે : ફોટૉન, Z-બોઝૉન, w+/w બોઝૉન અને આઠ પ્રકારના ગ્લુઑન કણો છે. આ બાર બળ-કણો બોઝ–આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સને અનુસરે છે; તેથી તેને ‘બોઝૉન’ અથવા ‘બૉઝ કણો’ કહે છે. તેનું ‘બૉઝ’ નામ આ આંકડાશાસ્ત્રના રચયિતા આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સહયોગી સત્યેન્દ્રનાથ બોઝ પરથી આપ્યું છે. બાકીના બાર કણો ‘ક્વાર્ક’ અને લેપ્ટોનને ‘ફર્મિઑન’ કહે છે અથવા ‘ફર્મિકણો’ કહે છે; કારણ કે તે ફર્મિ-ડિરાક આંકડાશાસ્ત્રને અનુસરે છે. લાર્જ હેડ્રૉન કોલાઇડરનો એક હેતુ આ સ્ટાન્ડર્ડ મૉડલને પુન: પુષ્ટિ આપવાનો છે.

આ ઉપરાંત લાર્જ હેડ્રૉલ કોલાઇડરનો હેતુ વિદ્યુત-મંદ સમમિતિ(electro-weak symmetry)શા કારણે તૂટે છે તે જાણવાનો છે. તે માટે લાર્જ હેડ્રૉન કોલાઇડર ‘હિગ્ઝ બોઝૉન’ની ખોજ કરશે અને તેના ગુણો નિશ્ચિત કરશે. ઇંગ્લૅન્ડના પીટર હિગ્ઝ નામના ભૌતિકવિજ્ઞાનીએ ઈ. સ. 1964માં સૈદ્ધાંતિક રીતે તેની શોધ કરી હતી. તે ઈશ્વરી કણ (God particle) તરીકે પણ ઓળખાય છે. તે સર્વત્ર અને સર્વવ્યાપી છે. W અને Z બોઝૉનનું દ્રવ્યમાન હિગ્ઝ બોઝૉનને આભારી છે. સવાલ એ છે કે ક્વાર્ક અને લૅપ્ટૉન કણોનું દ્રવ્યમાન પણ હિગ્ઝ બોઝૉનને આભારી છે ? આ પ્રયોગમાં હિગ્ઝ બોઝૉન અને તેના ગુણો શોધવાની અપેક્ષા છે.

આ ઉપરાંત નવા મૂળભૂત બળની તલાશ છે. નવા બળ-કણો ક્ષય પામીને ઇલેક્ટ્રૉન અને તેના પ્રતિકણ પોઝિટ્રોનમાં પરિણમે છે. આવાં બળો કુદરતની નવી સમમિતિ દર્શાવી શકે અને ભૌતિકવિજ્ઞાનીઓને તમામ આંતરક્રિયાઓના એકત્વની સમજ પ્રતિ દોરી જાય.

તે સિવાય આ બ્રહ્માંડમાં જે દ્રવ્ય છે તે આ સ્ટાન્ડર્ડ મૉડલના પ્રાથમિક કણોની સંરચનાઓ છે. આ કણોનું દ્રવ્યમાન હિગ્ઝ બોઝૉનને આભારી છે; પરંતુ તે દ્રવ્યમાનનો બ્રહ્માંડના કુલ દ્રવ્યમાનના 4 % જ છે. બાકીનું 23 % ડાર્ક મૅટર અને 73 % ડાર્ક ઍનર્જી છે. આ ડાર્ક મૅટર શાના કારણે છે ? તે તટસ્થ અને સ્થાયી કણોની ઉચ્ચ ઊર્જાએ અથડામણમાં જાણી શકાય તેમ છે. જો તેમ થાય તો આપણા ખગોળવિજ્ઞાનનો મોટો કોયડો ઉકેલી શકાશે.

આ ઉપરાંત આજના ભૌતિકવિજ્ઞાન પ્રમાણે આપણું જગત અવકાશનું ત્રિપરિમાણી જગત છે; પરંતુ કેટલાક ભૌતિક વિજ્ઞાનીઓના મતે આ જગત અવકાશના ત્રણ કરતાં વિશેષ પરિમાણોમાં મઢેલું છે. આપણને વિશેષ પરિમાણોના ખ્યાલ નથી, કારણ કે આ જગતનું તમામ દ્રવ્ય અને ગુરુત્વ સિવાયનાં મૂળભૂત બળો ત્રિપરિમાણી વિસ્તારમાં જ આવેલાં છે. લાર્જ હેડ્રૉન કોલાઇડર આ વિશેષ પરિમાણની તપાસ કરનાર છે. આ ઉપરાંત લાર્જ હેડ્રૉન કોલાઇડર નવાં પ્રબળ આંતરક્રિયા બળોની શોધ અને અતિ સમમિતિ(super symmetry)ના પુરાવા પણ આપે તેવી અપેક્ષા છે.

લાર્જ હેડ્રૉન કોલાઇડરના 27 કિલોમિટર લંબાઈના પરિઘમાં જે આઠ ભાગો છે તેમાં ચાર પ્રયોગો ગોઠવેલા છે.

તેમાં એક ‘સીએમએસ’ એટલે કે ‘કૉમ્પેક્ટ મ્યૂઑન સોલેનૉઇડ’ નામનો પ્રયોગ છે. તેમાં બે અત્યંત મોટા પરખકો (detector) છે. તે હિગ્ઝ બોઝૉનની તલાશ કરનાર છે. આ ઉપરાંત અન્ય નવી ઘટનાની તપાસ પણ કરવાની છે.

બીજો પ્રયોગ ‘એલએસસી-બી’ ‘બ્યૂટી’ (અથવા બૉટમ) નામથી ઓળખાતાં ક્વાર્ક અને તેના પ્રતિક્વાર્કની ખોજ કરશે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય સરખા પ્રમાણમાં હતાં. તે પૈકી પ્રતિદ્રવ્ય રહસ્યમય રીતે ગુમ થઈ જવાનું કારણ શું ? તે સમજવાની કોશિશ થશે. આ રહસ્ય ઉકેલાય તો આ બ્રહ્માંડની રચના જેવી કે તારાવિશ્વો, નિહારિકાઓ, તારાઓ, ગ્રહો વગેરેની રચનાના પાયામાં શું કારણ છે તે સમજી શકાય.

ત્રીજો પ્રયોગ ‘એટલાસ’નો પ્રયોગ કહેવાય છે. તેમાં ટોરોઇડ આકારનું ‘એલએચસી’ સાધન હોય છે. તે એક પરખક છે. ‘મ્યૂઑન’ નામના ચાવીરૂપ કણની તલાશ કરનાર છે.

ચોથા પ્રયોગને ‘એલિસ’ કહે છે. તેનું પૂરું નામ ‘એ લાર્જ આયન કોલાઇડર એક્સપેરિમેન્ટ’ છે. આ પ્રયોગમાં સીસાનાં આયનોની અથડામણથી આદિ પરમાણુનો અગનગોળો રચાશે, જેને ‘ક્વાર્ક ગ્લુઑન પ્લાઝ્મા’ કહે છે. તે એક સંદર્ભબિંદુએ પ્રોટૉન-પ્રોટૉન સંઘાતનો પણ અભ્યાસ કરશે.

આમ લાર્જ હેડ્રૉન કોલાઇડર બાહરી બ્રહ્માંડ અને ભીતરી બ્રહ્માંડનાં અનેક રહસ્યોની તલાશ કરનાર છે. આ પ્રયોગની સફળતાને માનવીના ચંદ્રની સપાટી પર પ્રથમ સફળ ઉતરાણની સમકક્ષ ગણવામાં આવે છે.

વિહારી છાયા