લાયલ, ચાર્લ્સ (સર) (Sir Charles Lyell) (જ. 14 નવેમ્બર 1797, સ્કૉટલૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1875, લંડન) : વિક્ટૉરિયન યુગના ઇંગ્લૅન્ડના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. પ્રખર પ્રકૃતિશાસ્ત્રી. બુદ્ધિવાદી પિતાના પુત્ર હોવાને નાતે લાયલને જીવવિજ્ઞાન અને ભૂવિજ્ઞાનનાં રહસ્યો જાણવાની લગની લાગેલી. એમની એ લગનીથી રસ કેળવાતો ગયો અને વધતો ચાલ્યો. અભ્યાસ કર્યો વકીલાતનો. 1825માં વકીલ બન્યાયે ખરા, પણ કાયદા કરતાં રસવૃત્તિ વધુ ભૂસ્તરશાસ્ત્રમાં રહી. તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન યુરોપ, ઇંગ્લૅન્ડ કે ઉત્તર અમેરિકા, જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં ત્યાં ભૂસ્તર-રચનાઓનો તેમજ તે સાથે સંકળાયેલા જીવાવશેષોનો બારીક અવલોકનો દ્વારા અભ્યાસ કર્યે રાખ્યો. ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળમાં જ્યારે પૃથ્વીનું વય (460 કરોડ વર્ષ) નિર્ધારિત થઈ શક્યું ન હતું ત્યારે તેમણે જણાવેલું કે પૃથ્વીની રચના થયે કરોડો વર્ષો વીતી ગયેલાં છે.

સર ચાર્લ્સ લાયલ

1832થી 1833 દરમિયાન તેમણે લંડનની કિંગ્ઝ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ પણ આપેલી. 1830–1833ના એ જ ગાળામાં તેમણે લખેલા ‘Principles of Geology’ પુસ્તક માટે પુષ્કળ ખ્યાતિ મળેલી. તેમના જીવનકાળ દરમિયાન જ આ પુસ્તકની અગિયાર આવૃત્તિઓ બહાર પડેલી. આ પુસ્તકમાં તેમણે કરેલાં વિશદ વર્ણનોને કારણે વિચારશીલ જગતને નવી દૃષ્ટિ મળી તથા વિજ્ઞાનના ભાવિ વિકાસ પર નિર્ણાયક અસરો થઈ. જેમ્સ હટન (1726–1797) દ્વારા પ્રતિપ્રાદિત એકરૂપતાવાદ(uniformitarianism)ની સંકલ્પનાનો સ્વીકાર કરવા બદલ તેમને જવાબદાર ઠેરવવામાં આવેલા. જેમ્સ હટનના અભ્યાસકાર્ય પર આધારિત તેમનો મહાનિબંધ ભૂતકાળ અને વર્તમાનમાં કાર્યરત ધીમાં અને ખાસ ફેરફારો વિનાનાં કુદરતી પરિબળોના એકધારાપણા પર લખાયેલો. તેમના આ અભ્યાસકાર્યથી અબ્રાહમ ગૉટલૉબ વર્નર અને કુવિયરના તત્કાલીન સમર્થકોમાં લાયલ વિરોધી વિચારસરણી ધરાવતા ગણાયેલા; તેમ છતાં તેમણે હટનના એકરૂપતાવાદના સિદ્ધાંત(1788)ને પુષ્ટિ આપીને તથા વળગી રહીને ભૂસ્તરશાસ્ત્રના વિષયને દૃઢ કરવાનું ચાલુ રાખેલું. એમના આ પુસ્તકથી એમને વિશ્વવ્યાપી ખ્યાતિ મળી. તેમનું ‘Elements of Geology’ (1838) પુસ્તક પણ જાણીતું છે. 1848માં તેમને તેમનાં કાર્યો માટે ‘Knight’ના ખિતાબથી નવાજવામાં આવેલા.

ડાર્વિન(1731–1802)ના ઉત્ક્રાંતિના સિદ્ધાંતોનો અભ્યાસ કરી તે તારવી આપતાં તેમનાં ભૂસ્તરશાસ્ત્રનાં પુસ્તકોએ એક વિશિષ્ટ અસર ઊભી કરેલી. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની જ્યાં સુધી તેમના પર અસર થઈ ન હતી ત્યાં સુધી પ્રાણીઓની ઉત્ક્રાંતિ ધીમા દરથી થયા કરે છે એ હકીકત સ્વીકારવા તેઓ તૈયાર ન હતા; પરંતુ તેમના ‘The Geological Evidence of the Antiquity of Man’ (1863) પુસ્તકમાં તેમણે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને સ્વીકાર્યો હોવાનો ઉલ્લેખ મળે છે. બ્રિટનમાં ખૂબ જ લોકપ્રિય થયેલા ખંડીય પ્રવહનના સિદ્ધાંતના સમર્થનમાં અગાસીઝની હિમયુગની સંકલ્પનાને તેમણે નકારી કાઢેલી. આ બે બાબતો તેમની નિષ્ફળતા ગણાય છે.

કેમ્બ્રિયન અને સાઇલ્યુરિયનના સ્તરોનો અભ્યાસ કરી બંને કાળની સ્તરવિદ્યાત્મક સરહદો આંકી આપેલી (જેમાં તે પછીથી વચ્ચેના ઑર્ડોવિસિયન કાળગાળાનો ઉમેરો થયેલો છે). તૃતીય જીવયુગના જૂનાથી નવા સ્તરોમાં મળતાં, આજનાં જીવંત પ્રાણીઓનાં પૂર્વજોના જીવાવશેષોનો અભ્યાસ કરીને તેમની ક્રમશ: વધતી જતી ટકાવારી મુજબ ટર્શિયરી કાળને તેમણે 1833માં ઇયોસીન, માયોસીન, પ્લાયોસીન અને પ્લાયસ્ટોસીન કાલખંડોમાં વહેંચી આપેલો. (આ વિભાગીકરણમાં પણ પછીથી ફેરફારો થયેલા છે.)

1873માં તેમણે ગંગા-બ્રહ્મપુત્ર નદીઓ દ્વારા વહન પામતા કાંપજથ્થાનો અભ્યાસ કરી જણાવ્યું કે આ નદીઓ અત્યંત વિપુલ પ્રમાણમાં કાંપનો જથ્થો બંગાળના ઉપસાગરમાં ઠાલવે છે.

સર ચાર્લ્સ લાયલનાં કેટલાંક વિધાનો સાથે પરિસ્થિતિ-વિદ્યાના તજ્જ્ઞો સંમત થતા નથી. અમેરિકી પર્યાવરણશાસ્ત્રી જ્યૉર્જ પાર્કિન્સ માર્શના ‘નેચર ઍન્ડ મૅન’(1864)માં લાયલનું એક વિધાન – ‘‘મનુષ્યની ભૂમિશ્ય (landscape) ઉપર ઓછામાં ઓછી અસર પડી છે’’ – ટાંકેલું છે. આ વિધાન સાથે માર્શ સહમત થતા નથી. લાયલનું આ વિધાન કદાચ ભૂસ્તરીય કાળક્રમ(geological time scale)ને લગતું હોય કે જ્યારે ભૂસ્તરો પર માનવોની અસર ન હતી.

ગિરીશભાઈ પંડ્યા

રા. ય. ગુપ્તે