લાયસેન્કો, ટ્રોફીમ ડેનિસોવિશ (જ. 29 સપ્ટેમ્બર 1898, કાર્લોવા, રશિયન યૂક્રેન; અ. 20 નવેમ્બર 1976, કીએવ, યૂક્રેનિયન એસ.એસ.આર.) : જાણીતા રશિયન દેહધર્મવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે 1921માં ઉમાન સ્કૂલ ઑવ્ હૉર્ટિકલ્ચરમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને બેલાયા ત્સેર્કોવ સિલેક્શન સ્ટેશનમાં જોડાયા. ત્યારપછી તેમણે ‘કીએવ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ’માંથી કૃષિ-વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને 192529 સુધી કિરોવાબાદના એક્સપેરિમેન્ટલ સ્ટેશનમાં સંશોધનો કર્યાં. 1929–1934 સુધી યૂક્રેનિયન ઑલ યુનિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિલેક્શન ઍન્ડ જેનેટિક્સ, ઓડેસ્સામાં દેહધર્મવિજ્ઞાન વિભાગના શ્રેયાન નિષ્ણાત તરીકે સેવા આપી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જેનેટિક્સ, યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝના તેઓ અધ્યક્ષ (1940–45) તરીકે પણ રહ્યા.

લાયસેન્કો(1934)એ વાસંતીકરણ(vernalization)ની પરિકલ્પના આપી અને જણાવ્યું કે વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ પ્રક્રિયાઓ છે. વિકાસ કેટલીક પૂર્વયોજિત શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓના આનુક્રમિક વિવિધ સોપાનોનું પરિણામ છે. હેમંત ઘઉંની જાતના બીજને નીચા તાપમાનની ચિકિત્સા આપી વસંતઋતુમાં વાવતાં ઝડપી પુષ્પનિર્માણ શક્ય બને છે. આ વાસંતીકરણની ક્રિયા સાથે સંકળાયેલા અંત:સ્રાવને વર્નેલિન કહે છે. તેમણે પ્રતિપાદિત કર્યું કે આનુવંશિક લક્ષણો પર્યાવરણની અસરથી મુક્ત નથી. પર્યાવરણ જનીનોમાં પરિવર્તન કરી આનુવંશિકતામાં રૂપાંતર કરી શકે છે.

તેમણે જનીનવિદ્યામાં નવા જ ક્ષેત્રનો પ્રારંભ કર્યો. તેમના ગુરુના નામ પરથી મિશુરિયાન જનીનવિજ્ઞાન એવું નામ આપ્યું અને તેમણે મૉર્ગનવાદ અને મેંડલવાદને અયોગ્ય ઠરાવ્યો. મિશુરિયાન જનીનવિજ્ઞાનના તેઓ અણનમ સ્તંભ બની રહ્યા. તેમણે ‘અકોષીય જીવંત દ્રવ્ય’(non-cellular living substance)ના સિદ્ધાંત અને વિષાણુઓ જીવાણુઓમાં રૂપાંતર પામે છે, તે વિચારધારાને અનુમોદન આપ્યું. લાયસેન્કોના આ વિચારોનો યુરોપ અને અમેરિકાના સમકાલીન વિજ્ઞાનીઓએ આમૂલ વિરોધ કર્યો. તેમના વિચારો ફક્ત સોવિયેત યુનિયનમાં જ સ્વીકૃત બન્યા. તેમના જ દેશના નિકોલાઈ વેવિલોવે (1887થી 1942) સુધી તેમના વિચારોનો ખૂબ વિરોધ કર્યો, જેને માટે તેમણે ધરપકડ વહોરવી પડી. લાયસેન્કોવાદ સરમુખત્યારશાહીથી સ્વીકારાયો અને તેમના અવસાન સાથે જ દફનાઈ ગયો.

લાયસેન્કોએ 350 જેટલાં સંશોધનપત્રો અને 18 ગ્રંથો પ્રકાશિત કર્યાં છે. ‘ઍગ્રોબાયૉલૉજી’, ‘એસેઝ ઑન પ્રૉબ્લેમ્સ ઑવ્ જેનેટિક્સ’, ‘પ્લાન્ટ બ્રીડિંગ ઍન્ડ સીડ સોઇંગ’ અને ‘હેરેડિટી ઍન્ડ ઇટ્સ વેરિયેબિલિટી’ 1954માં રશિયન ભાષામાં પ્રકાશિત થયાં, જેમનો અંગ્રેજી અનુવાદ તત્કાળ થયો.

તેમણે સમાજવાદી શ્રમિકોના વીરપુરુષ રૂપે (‘Hero of Socialist Labour’) સેવાઓ આપી અને આઠ વખત ‘ઑર્ડર ઑવ્ લેનિન’ અને ત્રણ વખત સ્ટૅલિન શાંતિ પારિતોષિક પ્રાપ્ત કર્યાં. તેઓ જૉસેફ સ્ટૅલિન અને નિકિતા ખુશ્ચોવના ગાઢ મિત્ર હતા. ગુજરાતના જાણીતા દેહધર્મવિજ્ઞાની પ્રા. જે. જે. ચિનૉય લાયસેન્કોવાદના સમર્થક હતા.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ