લાયકોફાઇટા : ત્રિઅંગી વનસ્પતિઓનો એક વિભાગ. આ વિભાગમાં જીવંત અને અશ્મીભૂત પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્વિકાસીય ઇતિહાસ પુરાજીવી (paleozoic) કલ્પથી શરૂ થઈ આજ સુધી લંબાયેલો છે. તે 4 જીવંત પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે. આ જાતિઓ પૃથ્વી પર વૈવિધ્યપૂર્ણ આબોહવાકીય પરિસ્થિતિઓમાં થાય છે. આ ચાર પ્રજાતિઓ – (1) લાયકોપોડિયમ, (2) ફાઇલોગ્લોસમ, (3) સેલાજિનેલા અને (4) આઇસોઇટિસ છે. આ વિભાગનાં મહત્વનાં લક્ષણો આ પ્રમાણે છે :

(1) બીજાણુજનક(sporophyte)નું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોય છે.

(2) પ્રકાંડ અને મૂળ યુગ્મશાખી (dichotomus) હોય છે. સેલાજિનેલામાં મૂળ રાઇઝોફોર (rhizophore) પરથી ઉદભવે છે.

(3) પર્ણો કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે અને તેઓ લઘુપર્ણી (microphyllous) હોય છે. એટલે કે, તેઓ એક જ મુખ્ય અશાખી શિરા ધરાવે છે. પર્ણગત અંશ (leaf trace) પર્ણાવકાશ (leaf gap) છોડતા નથી. સેલાજિનેલા અને આઇસોઇટિસમાં પર્ણો જિહવિકા (ligule) ધરાવે છે.

(4) મધ્યરંભ (stele) આદ્ય મધ્યરંભી (protostelic) કે નળાકાર મધ્યરંભી (siphonostelic) હોઈ શકે. જલવાહિનિકીઓ (tracheids) સોપાનવત્ (scalariform) હોય છે.

(5) તેઓ શાખાવકાશ (branch gap) ધરાવે છે. તેથી લાયકોફાઇટા શાખાન્તરાલ-નાલીય (cladosiphonic) છે.

(6) પ્રકાંડ કે શાખાઓની ટોચ ઉપર બીજાણુપર્ણો (sporophylls) સમૂહમાં એકત્રિત થઈ શિથિલ કે સઘન શંકુ (cone) રચે છે.

(7) બીજાણુપર્ણની પૃષ્ઠ સપાટીએ કક્ષમાં બીજાણુધાની (sporangium) ઉત્પન્ન થાય છે.

(8) બીજાણુધાનીઓમાં ઉદભવતા બીજાણુઓ એક જ પ્રકારના હોય તો આવી વનસ્પતિઓને સમબીજાણુક (homosporous) કહે છે; દા. ત., લાયકોપોડિયમ. કેટલીક વનસ્પતિઓ લઘુબીજાણુ (microspore) અને મહાબીજાણુ (megaspore) ઉત્પન્ન કરે છે; આવી વનસ્પતિઓને વિષમબીજાણુક (heterosporous) કહે છે. દા. ત., સેલાજિનેલા. લઘુબીજાણુઓ લઘુબીજાણુધાની (microsporangium)માં અને મહાબીજાણુઓ મહાબીજાણુધાની- (megasporangium)માં ઉદભવે છે.

(9) આઇસોઇટિસને બાદ કરતાં કોઈ પણ જીવંત પ્રજાતિમાં દ્વિતીય વૃદ્ધિ (secondary growth) થતી નથી.

(10) વિષમબીજાણુક પ્રજાતિઓ અંત:બીજાણુક (endosporic) જન્યુજનકો (gametophytes) ઉત્પન્ન કરે છે, જ્યારે સમબીજાણુક પ્રજાતિઓ બહિર્બીજાણુક (exosporic) જન્યુજનકો ઉત્પન્ન કરે છે.

આ વિભાગ બે વર્ગો (1) ઇલિગ્યુલોપ્સિડા અને (2) લિગ્યુલો- પ્સિડામાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

ઇલિગ્યુલોપ્સિડા વર્ગની પ્રજાતિઓમાં જિહવિકાની ગેરહાજરી હોય છે અને તેઓ સમબીજાણુક હોય છે. આ વર્ગમાં એક જ ગોત્ર લાયકોપોડિયેલિસનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બે કુળનું બનેલું છે : (1) લાયકોપૉડિયેસી (દા. ત., લાયકોપૉડિયમ, ફાઇલોગ્લૉસમ અને અશ્મીભૂત લાયકોપૉડાઇટિસ) અને (2) પ્રોટોલેપિડોડેન્ડ્રેસી, જેમાં અશ્મીભૂત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે (દા.ત., પ્રોટોલેપિડોડેન્ડ્રોન).

લિગ્યુલોપ્સિડા વર્ગની પ્રજાતિઓ જિહવિકાયુક્ત હોય છે અને તેઓ વિષમબીજાણુક હોય છે. આ વર્ગ ચાર ગોત્રોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે :

(1) ગોત્ર સેલાજિનેલેલિસ : આ ગોત્રમાં એક જ કુળ સેલાજિનેલેસીનો સમાવેશ કરવામાં આવ્યો છે; દા. ત., સેલાજિનેલા (જીવંત), સેલાજિનેલાઇટિસ (અશ્મીભૂત).

(2) ગોત્ર લેપિડોન્ડ્રેલિસ : વૃક્ષસ્વરૂપ અશ્મીભૂત પ્રજાતિઓ જેવી કે લેપિડોડેન્ડ્રોન, સ્ટિગમારિયા, સિજલારિયા, લેપિડોકાર્પોનનો લેપિડોડેન્ડ્રેસી કુળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(3) ગોત્ર આઇસોટેલિસ : આ ગોત્રમાં જીવંત અને અશ્મીભૂત પ્રજાતિઓ જોવા મળે છે. તેમને આઇસોઇટેસી કુળમાં મૂકવામાં આવે છે; દા. ત., આઇસોઇટિસ (જીવંત), સ્ટાઇલાટિસ (જીવંત) અને આઇસોઇટાઇટિસ (અશ્મીભૂત).

(4) ગોત્ર પ્લુરોમિએલિસ : આ વિષમબીજાણુક અશ્મીભૂત ગોત્ર છે, જેમાં આવેલા પ્લુરોમિયેસી કુળમાં પ્લુરોમિયા પ્રજાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બળદેવભાઈ પટેલ