લાયકોપર્ડેલ્સ : વનસ્પતિઓની ફૂગસૃષ્ટિના વર્ગ-બેસિડિયોમાય-સેટિસનું એક ગોત્ર. આ ગોત્રમાં પફબૉલ અને કેટલાક જમીન પરના તારાઓ (earth stars) તરીકે ઓળખાવાતી ફૂગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થસ્ટાર રાત્રે અંધારામાં તારાઓની જેમ ચળકે છે. પરિપક્વતાએ ગ્લીબા (gleba) આછા રંગના બીજાણુઓ અને સુવિકસિત તંતુગુચ્છ (capillitum) ધરાવે છે. તેની ફરતે બેથી ચાર સ્તરોનું બનેલું રક્ષકસ્તર (peridium) આવેલું હોય છે. આ ગોત્ર ચાર કે પાંચ કુળોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. લાયકોપર્ડેસી અને જિયેસ્ટ્રેસી કુળ સહેલાઈથી ઓળખી શકાય છે.

અ                                         આ

ઈ આકૃતિ 1 : લાયકોપર્ડેલ્સ : (અ) Lycoperdon, (આ) Lycoperdonના છેદમાં ગ્લીબા દેખાય છે, (ઇ) Geastrum, (ઈ) Calvatia cyathiformis.

લાયકોપર્ડેસી પફબૉલની જાતિઓનો સમૂહ બનાવતું કુળ છે. ચોમાસાની ઋતુ દરમિયાન તે સડતા કાષ્ઠ પર, ઉકરડા પર, સડતા સેંદ્રિય પદાર્થો, ઘાસનાં બીડ, શહેરની લૉન અને ગૉલ્ફના મેદાન પર અને જંગલોમાં નૈસર્ગિક રીતે ઊગે છે. મોટાભાગની જાતિઓ ખાદ્ય છે. પરંતુ કેટલીક જાતિઓ આંતરડામાં મુશ્કેલીઓ ઊભી કરે છે. પફબૉલ અંદરની બાજુએ સફેદ રંગનો હોય ત્યાં સુધી ખાવા માટે શ્રેષ્ઠ ગણાય છે. પફબૉલનો મધ્યભાગ પીળો પડતાં તેની સુગંધી બગડવા લાગે છે; છતાં આ સમયે મોટાભાગના પફબૉલ સામાન્ય રીતે ઝેરી હોતા નથી.

લાયકોપર્ડેસી કુળના ફળકાયો બાહ્યરક્ષક સ્તર (exospordium) અને અંત:રક્ષક સ્તર વડે આવરિત હોય છે. Calvatia પ્રજાતિમાં બંને સ્તરો પાતળાં અને બરડ હોય છે અને બીજાણુવિકિરણ માટે કોઈ વિશિષ્ટ વ્યવસ્થા ધરાવતાં નથી. બાહ્યરક્ષક સ્તર પોપડાની જેમ તૂટી જાય છે; જેથી અંત:રક્ષક સ્તર ખુલ્લું થાય છે. અંત:રક્ષક સ્તર ક્રમશ: તૂટી જતાં બીજાણુઓ ખુલ્લા થાય છે. યુરોપ અને અમેરિકાનાં જંગલોમાં થતી C. giganteaને મહાકાય પફબૉલ કહે છે. તે લગભગ ગોળાકાર અને સફેદ રંગનો હોય છે અને 70 સેમી.–80 સેમી. કરતાં પણ કેટલીક વાર વધારે વ્યાસ ધરાવે છે. આ પ્રકારનાં પ્રકણીફળ (basidiocarp) દ્વારા 700 અબજ જેટલા પ્રકણીબીજાણુઓ (basidiospores) ઉત્પન્ન થાય છે. C. cyathiformisનાં પ્રકણીફળ નાસપતી આકારનાં હોય છે. જોકે તેઓ C. giganteaનાં પ્રકણીફળ જેટલાં મોટાં હોતાં નથી. પ્રકણીફળનો તલસ્થ ભાગ વંધ્ય હોય છે અને બીજાણુવિકિરણ પછી પણ અખંડિત રહે છે. રક્ષકસ્તર ટોચ પર શિલ્પયુક્ત હોય છે અને સમય જતાં બદામી રંગનું બને છે. પરિપક્વતાએ ગ્લીબા (gleba) પર સામાન્યત: જાંબલી રંગની છાંટ જોવા મળે છે. ખાસ કરીને ભારે વરસાદ પછી અમેરિકાના મધ્ય-પશ્ચિમી પ્રદેશનાં ઘાસનાં મેદાનોમાં આ જાતિ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

Lycoperdonની ભારતમાં થતી મુખ્ય જાતિઓમાં Lycoperdon aveolatum, L. elongatum અને L. microspermumનો સમાવેશ થાય છે. Lycoperdonમાં બાહ્યરક્ષક સ્તર અને અંત:રક્ષક સ્તર અત્યંત સ્પષ્ટ હોય છે. બાહ્યરક્ષક સ્તર ગાંઠોવાળું, કંટકમય કે કણિકામય હોય છે. તે ખરી પડતાં અખંડિત, પાતળું અને ત્વચામય અંત:રક્ષક સ્તર ખુલ્લું થાય છે. અંત:રક્ષક સ્તરના મધ્ય ભાગમાં એક નાનું છિદ્ર આવેલું હોય છે. પ્રકણીફળની સપાટીએ કોઈ પણ પદાર્થ અથડાતાં પ્રકણીબીજાણુઓ છિદ્ર દ્વારા ધૂમ્રસેરની જેમ બહાર નીકળે છે.

Lycoperdonનું પ્રકણીફળ પરિપક્વ બનતાં ખૂબ નાજુક તંતુજટા(rhizomorphs)ની ટોચ ઉપર કવકજાલની સૂક્ષ્મ ગાંઠો ઉત્પન્ન થાય છે. વિકાસના અત્યંત પ્રારંભિક તબક્કામાં ફળકાયના મધ્યભાગમાં અસંખ્ય અનિયમિત ગહનરૂપી (labyrinthine) કોટરો ઉદભવે છે. આવાં કોટરોનું નિર્માણ ક્રમશ: પરિઘ તરફના વિસ્તાર તરફ આગળ ધપે છે. આ કોટરોની ફરતે કવકજાલની અસંખ્ય શાખાઓ વીંટળાઈને દીવાલ બનાવે છે. અંદરની બાજુએ આવેલી કવકજાલની ટોચ દ્વારા પ્રકણીધર (basidium) ઉત્પન્ન થાય છે. પ્રત્યેક કોટરમાં પ્રકણીધરો એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. આ સ્તરને ફળાઉ સ્તર (hymenium) કહે છે. પ્રત્યેક પ્રકણીધરમાં આવેલાં બંને કોષકેન્દ્રોનો સંયોગ થાય છે અને યુગ્મકોષકેન્દ્ર અર્ધસૂત્રીભાજન દ્વારા વિભાજાઈ ચાર એકગુણિત કોષકેન્દ્રો ઉત્પન્ન કરે છે. પ્રકણીધર ઉપર લાંબાં કણીવૃંતો ઉત્પન્ન થાય છે. કણીવૃંતોની ટોચ ઉપર પ્રકણીબીજાણુઓ ઉદભવે છે. પ્રત્યેક પ્રકણીધર પરથી ચાર પ્રકણીબીજાણુઓનું નિર્માણ થાય છે. આ પ્રકણીબીજાણુઓથી કોટર ભરાઈ જાય છે. ગ્લીબા (gleba) બનાવતી કવકજાલનો કેટલોક ભાગ ગર્તયુક્ત બને છે અને જાડી દીવાલ ધરાવે છે. તેને તંતુગુચ્છ કહે છે. આ તંતુગુચ્છોની વચ્ચે વચ્ચે પ્રકણીબીજાણુઓ આવેલા હોય છે. બાકીની કવકજાલ વિઘટન પામે છે.

જિયેસ્ટ્રેસી કુળમાં જમીનના તારાઓ તરીકે ઓળખાવાતી ફૂગની જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ નાના પફબૉલ છે અને રક્ષકસ્તરનાં ત્રણ સ્તરો ધરાવે છે. બાહ્યરક્ષક સ્તર અને મધ્યરક્ષક સ્તર એકબીજાથી અલગ ન થઈ શકે તે રીતે ચોંટેલાં હોય છે. આ બંને સ્તરો અરીય ફાટોએથી તૂટે છે અને ભેજવાળા વાતાવરણમાં 4–12 કિરણો પ્રસરાવી એક તારા-સ્વરૂપે ખીલે છે. Radiigera પ્રજાતિમાં અંત:રક્ષક સ્તર ખરી પડે છે. Geastrumનું પ્રકણીફળ છિદ્ર ધરાવે છે, જેમાંથી પ્રકણીબીજાણુઓનું વિકિરણ થાય છે. કેટલીક જાતિઓમાં છિદ્રની આસપાસના વિસ્તારને પરિમુખ (peristome) કહે છે, જે સુસ્પષ્ટ કે નાજુક ખાંચ ધરાવે છે.

Geastrum પ્રજાતિના દબાઈ ગયેલા ચપટા પ્રકણીફળના જીવાશ્મનો સારી રીતે પરિરક્ષિત થયેલો નમૂનો પ્યુએબ્લા, મેક્સિકોના ઉત્તર સીનોઝોઇક ભૂસ્તરીય યુગમાંથી મેગાલોન ટ્યુએબ્લા અને સેવાલોસ-ફેરિઝે (1993) શોધી કાઢ્યો છે. તેની અગત્ય એટલા માટે છે કે ઉચ્ચ કક્ષાની ફૂગનું વિઘટન ઝડપથી થાય છે.

નાજુક પફબૉલ શ્રેષ્ઠ વાનગીની બનાવટમાં વપરાય છે. તે આંતરડાના ચાંદાની સારવારમાં ઉપયોગી છે. Calvatiaમાંથી પ્રતિકૅન્સર રસાયણની શોધ થઈ છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ