લામા : આધ્યાત્મિક ઉપદેશ આપનાર તિબેટન ગુરુ. સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દ વપરાય છે, તે જ રીતે તિબેટન ભાષામાં ‘લામા’ શબ્દ વપરાય છે. ‘લામા’ એટલે ‘ઉચ્ચતર ગુરુ’. આથી બધા બૌદ્ધ ભિખ્ખુઓ લામા નથી હોતા, તેમજ બધા લામાઓ ભિખ્ખુઓ પણ નથી હોતા. તિબેટી ભાષામાં ભિખ્ખુ માટેનો શબ્દ ‘ત્રાપા’ છે, ‘લામા’ નથી. બૌદ્ધ ધર્મનો તિબેટમાં સર્વપ્રથમ સંચાર થયો. ઈ. સ. 640માં – સર્વપ્રથમ તિબેટના રાજાએ નાલંદા વિદ્યાપીઠ(બિહાર–ભારત)ના આચાર્ય શાન્તરક્ષિતને તિબેટમાં આમંત્ર્યા. ત્યારબાદ શાંતરક્ષિતે પોતાના તાંત્રિક યોગાચાર્ય પદ્મસંભવને તિબેટ આવવાનું આમંત્રણ આપ્યું. એમના પ્રભાવ તળે તિબેટમાં લામા પંથની સ્થાપના થઈ એમ મનાય છે. પ્રથમ લામા તરીકે આચાર્ય શાંતરક્ષિતને ગણવામાં આવે છે; ત્યારબાદ યોગાચાર્ય પદ્મસંભવે તિબેટી તાંત્રિક ક્રિયાઓ દ્વારા દૈત્યોને પરાજિત કરી ત્યાંની પ્રજાને સુરક્ષા બક્ષી. તે માટે તેમણે બૌદ્ધ મઠ-વિહાર બાંધ્યા. તિબેટમાં તેઓ બુદ્ધના અવતાર તરીકે પૂજાતા હતા. તિબેટી પ્રથામાં ઘણા મહાલામાઓ – જેવા કે, પદ્મસંભવ, મિલા રેપા, કુન્ગા, નિયન્ગ્યો વગેરેએ ભિખ્ખુજીવન નહોતું અપનાવ્યું, પણ સાધારણ માણસ અને યોગી તરીકે તેઓ જીવ્યા હતા. બૌદ્ધ ધર્મ-દર્શનમાં લામાનું સ્થાન ખૂબ અગત્યનું છે. એ જ સાચા માર્ગદર્શક મનાય છે, ભિખ્ખુ વિદ્યાર્થીને ઉપર્યુક્ત દેવતાના શક્તિચક્રનો તેઓ પરિચય કરાવે છે અને ધ્યાનના ઉત્તરોત્તર સ્તર પ્રતિ દોરે છે. મહાલામા હમેશાં પુનર્જન્મથી પ્રસ્થાપિત થતા હોય છે અને એમની બે પારંપરિક પંક્તિઓ છે : ‘રિન્પોચે’ તથા ‘તુલ્કુ’. વૃદ્ધ અથવા મધ્ય વયના રિન્પોચે લામાઓ આજે દેશ-વિદેશમાં વસી ગયા છે અને તિબેટી ધર્મકેન્દ્રો દ્વારા બૌદ્ધ ધર્મ-દર્શનનો પ્રચાર કરી રહ્યા છે; પરંતુ ‘તુલ્કુ’ની કક્ષામાં કેવળ બેની જ ઉપસ્થિતિ આપણે જાણીએ છીએ : 1. પાન્ચેન લામા અને 2. દલાઈ લામા. સૌથી પ્રથમ પાન્ચેન અને દલાઈ લામા ગેલુક ધર્મશાખાના પ્રણેતાના શિષ્ય હતા. તિબેટન ભાષામાં ‘દલાઈ’નો અર્થ થાય છે. ‘સાગર’ અને આ ‘સાગર’ એટલે લાક્ષણિક અર્થમાં જ્ઞાનનો સાગર. દલાઈ લામાનો જે અવતારી શિશુ ગણાય છે તેના કાન વિશિષ્ટ સુદીર્ઘ હોય છે, અને તેનો સ્કંધપ્રદેશ દેવપુરુષના બાહુની ઝાંખી કરાવે છે. તેનામાં પૂર્વજન્મની જાણકારીના અણસાર પ્રાપ્ત થતા હોય છે. આ લામા-સંપ્રદાયીઓ એમ માને છે કે પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરવા દરેકને અનેક જન્મોમાંથી પસાર થવું પડે છે.

દલાઈ લામા (તત્કાલીન)

11મી સદીમાં વિક્રમશીલ વિદ્યાપીઠના આચાર્ય દીપંકર શ્રીજ્ઞાને તિબેટમાં જઈ લાંબો વસવાટ કર્યો. તેમની સહાયથી સેંકડો બૌદ્ધ ગ્રંથોના અનુવાદો તિબેટી ભાષામાં થયા. તેઓ સુધારક લામાપંથના અગ્રેસર બન્યા. પાછળથી દૈવી બોધિસત્વ મંજુશ્રીના અવતાર રૂપે પૂજાયા. ઈ. સ. 1206માં ચંગીઝખાનના વારસ કુબ્લાઈખાને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લામા ધર્મપરંપરાને દૃઢીભૂત કરી. તેણે ચીન અને મૉંગોલિયામાં મઠ-વિહારો બંધાવ્યા. કાશ્મીરી વિદ્વાનોનો પણ તેમાં મહત્વનો ફાળો હતો. 15મી સદીમાં ‘લામા-પંથ’ ભવ્ય લામા (Grand Lama) તરીકે અને ત્યારબાદ 17મી સદીમાં દલાઈ લામા મહાન ગુરુ તરીકે પ્રતિષ્ઠિત થયા. પ્રથમ દલાઈ લામાએ પોતાની જાતને બોધિસત્વ અવલોકિતેશ્વરના અવતાર તરીકે જાહેર કરી.

કરમાપા લામા (તત્કાલીન)

આ પછી દલાઈ લામાઓનું વર્ચસ્ ધર્મ અને રાજકીય ક્ષેત્રે ઘણું વધી ગયું. તિબેટ ઉપરાંત નેપાળ, ભૂતાન, મંચુરિયા, લડાખ, સિક્કિમ વગેરે પ્રદેશોમાં પણ તેમનું પ્રભુત્વ સ્થપાયું; પરંતુ એકંદરે તિબેટી પ્રજામાં અને મોટાભાગના લામાઓમાં બૌદ્ધ ધર્મની જે વ્યાપક અસર વરતાતી હતી તે રૂપાંતરિત બૌદ્ધ ધર્મની સ્થૂળ તંત્રમાર્ગની હતી; દા. ત., બુદ્ધનાં અલૌકિક દૈવી સ્વરૂપો, તેમની પૂજાઓના અનેક પ્રકારના ક્રિયાકાંડો, તાંત્રિક નારીપૂજા અને ગૂઢ સિદ્ધિઓ માટેની ગુપ્ત પ્રક્રિયાઓ તથા સ્વર્ગ-નરક, ભૂત-દૈત્ય-યક્ષ આદિની માન્યતાઓ લામા પંથનું મુખ્ય આકર્ષણ બની ગઈ.

આજના દલાઈ લામા એમની પારંપરિક પંક્તિમાં ચૌદમા અવતાર છે. ઈ. સ. 1959માં ચીનના જુલમથી બચવા દલાઈ લામા તિબેટથી  ભારત આવી વસ્યા. (પાન્ચેન લામા એ વખતે ચીનમાં હતા, તે નીકળી જઈ ન શક્યા). સ્વ. પં. નહેરુએ ભારતમાં હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળા નામના સ્થળે દલાઈ લામાને તથા અન્ય સેંકડો નિર્વાસિત બૌદ્ધ ભિખ્ખુઓને વસવા માટે હર પ્રકારે મદદ કરી. આ દલાઈ લામા પણ દેવતુલ્ય રાજવી તરીકે પૂજાય છે, જોકે ચીન આથી નારાજ થયું તે સુવિદિત છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ