લામા, જી. એસ. (જ. 15 જૂન 1939, ગંગટોક, સિક્કિમ) : નેપાળી લેખક. તેઓ ‘સાનુ લામા’ તરીકે પણ ઓળખાતા રહ્યા છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરની પદવી મેળવી. મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા.

તેઓ સિક્કિમ અકાદમીના પ્રમુખ, હિમાલયન રાઇટર્સ ફૉરમ, સિક્કિમના પ્રમુખ અને 1993–97 સુધી નેપાળી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા.

તેમણે 4 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કથાસંપદ’ (1971), ‘ગોજિકા’ (1981), ‘મૃગતૃષ્ણા’ (1990) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘હિમાલ્ચુલી મંતિરા’ (1998) ચરિત્રગ્રંથ છે.

તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને 1991માં ભાનુ પુરસ્કાર અને 1993માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા