લાક્ષાગૃહ : પાંડવોને જીવતા બાળી મૂકવા માટે દુર્યોધને પુરોચન દ્વારા વારણાવતમાં કરાવેલ લાખનો આવાસ.
મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે એક વાર પાંડવો અને એમની માતા કુંતી વારણાવતમાં ભરાતો મહાદેવનો મેળો જોવા ગયાં. દુર્યોધનને આની પહેલેથી ખબર પડી આથી એણે પોતાના પુરોચન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું. યોજના અનુસાર પાંડવો લાક્ષાગૃહમાં રહેવા લાગ્યા. ઘરનું નિરીક્ષણ કરતાં તેમજ વિદુરે કરેલા કેટલાક સંકેતોને લઈને પાંડવોને ઘરનું રહસ્ય સમજાઈ ગયું. વિદુરની એક વ્યક્તિએ ઘરમાંથી નીકળવા માટે ગુપ્ત સુરંગ બનાવી જેના દ્વારા આગ લાગવાની સ્થિતિમાં તેમાંથી નીકળી શકાય. પુરોચને જે દિવસે આગ લગાડવાની યોજના વિચારેલી તે દિવસે પાંડવોએ નગરના બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રિત કર્યા હતા. તેમની સાથે કેટલાક ગરીબ લોકો પણ ભોજન કરવા આવેલા. બધા લોકો ભોજન કરીને ચાલ્યા ગયા પરંતુ એક ભીલ-સ્ત્રી પોતાના પાંચ પુત્રો સાથે ત્યાં રોકાઈ રહી. રાત્રે પુરોચનના સૂઈ ગયા પછી ભીમે તેના ઓરડાને આગ લગાડી. ધીરે ધીરે આગ પ્રસરી. ભીમ માતા અને ભાઈઓ સાથે સુરંગને રસ્તે બહાર નીકળી ગયા. સવારે ભીલણી અને એના પાંચ પુત્રોને બળી મર્યાનું જોઈ લોકોને પાંડવો અને કુંતી બળી મર્યાનો ભ્રમ થયો. આ ઘટના જાણીને દુર્યોધનને ખૂબ પ્રસન્નતા થઈ પરંતુ પાછળથી યથાર્થતાની જાણ થતાં તે બહુ દુઃખી થયો. લાક્ષાગૃહ અલાહાબાદ(પ્રયાગરાજ)ની પૂર્વમાં ગંગાઘા 1922 સુધી અવશેષ રૂપે વિદ્યમાન હતું, પરંતુ પછી ગંગાના વહેણમાં એ આવાસના અવશેષો તણાઈ ગયા છે. એ વિસ્તારની માટી લાખના જેવી વરતાય છે.
પ્રવીણચંદ્ર પરીખ