લા કાલ્પ્રનેદ ગોત્યે દ કૉસ્ત સેનૉર દ (લૉર્ડ ઑવ્)

January, 2004

લા કાલ્પ્રનેદ, ગોત્યે દ કૉસ્ત, સેનૉર દ (લૉર્ડ ઑવ્) (જ. 1610, શૅતો ઑવ્ તુલ્ગૉં સાર્લા, ફ્રાન્સ; અ. 1663, ગ્રાન્દ ઍન્દલી) : ફ્રેન્ચ નવલકથાકાર. 17મી સદીના લાગણીપ્રધાન, સાહસિક, કાલ્પનિક, ઐતિહાસિક રોમાન્સકથાઓના અત્યંત લોકપ્રિય લેખક.

શિક્ષણ તૂલૂઝમાં. પછીથી લશ્કરી તાલીમ રેજિમેન્ટ ઑવ્ ધ ગાર્ડ્ઝમાં લીધી. લશ્કરી અને સાહિત્યિક કારકિર્દીનો તેમનામાં સંગમ થયો હતો. 1635થી 1641 દરમિયાન તેમણે કરુણાંત અને રંગદર્શી પ્રકારનાં નાટકો લખ્યાં. તેમાં ઇંગ્લૅન્ડના ઇતિહાસમાંથી વસ્તુ લઈને લખાયેલાં ‘ઝેન રેન દ’ ઑંગ્લતેર’ (1636) અને ‘લ કૉંતે’ (1638) નોંધપાત્ર છે. 1642માં એમણે નવલકથાઓની એક શ્રેણી પ્રેમ અને યુદ્ધનો વિષય લઈને લખી. ઈરાની સામ્રાજ્યની પડતીનો ઇતિહાસ ‘કાસાન્દ્રે’(10 ભાગ, 1642–45)માં આલેખાયો છે. સર ચાર્લ્સ કોટરિલે 1667માં તેનો અંગ્રેજી અનુવાદ કરેલો. તે દરાયસની પુત્રી કાસાન્દ્રે – મહાન સિકંદરની પત્ની – પર, લખાઈ છે. ‘ક્લિયોપાત્રા’(12 ભાગ, 1647–58)માં ઍન્ટની અને ક્લિયોપૅટ્રાની પુત્રીની કથા નિરૂપાઈ છે. ‘ફેરામૉં’ (12 ગ્રંથો, 1661–70) મેરોવિંજિયન ઇતિહાસ પર રચાઈ છે. તેનો અંગ્રેજીમાં અનુવાદ જૉન ડેવિસે કર્યો હતો. તેના છેલ્લા પાંચ ભાગ લેખકના મૃત્યુ બાદ પિયર દ’ ઑર્નિગ દ વૉમોરિયેરે પૂરા કરેલા. લવડે અને અન્ય લેખકોએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ રોમાન્સકથાઓનું વસ્તુ અઢારમી સદી સુધી લોકપ્રિય રહ્યું હતું.

વિ. પ્ર. ત્રિવેદી