લાઇસિયમ્સ : સાહિત્ય અને વિજ્ઞાનના શિક્ષણ માટે સ્થપાયેલાં, અમેરિકાની કૉલેજોમાં સ્વતંત્ર રીતે ચલાવાતાં અભ્યાસવર્તુળો. મૅસેચૂસેટ્સની મિલબેરી સંસ્થામાં પ્રથમ અમેરિકન લાઇસિયમ્સની સ્થાપના 1826માં કરવામાં આવેલી. આ વિચાર જોસાયા હૉલબ્રુકનો હતો. તેમની રાહબરી હેઠળ આ સંસ્થાની 100 જેટલી શાખાઓ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ઊભી કરવામાં આવી હતી. ખાસ કરીને પરિપક્વ ઉંમરની વ્યક્તિઓને આ પ્રકારનાં મંડળો દ્વારા ઉચ્ચશિક્ષણનો આડકતરો લાભ તો મળતો જ, પણ સાથે સાથે શાળાઓના શિક્ષકોને પણ શિક્ષણના આદાન-પ્રદાન માટે ઉમંગ અને ઉત્સાહ પૂરો પડાતો. મ્યુઝિયમ અને ગ્રંથાલયો સ્થાપવા માટે પણ આ મંડળો માર્ગદર્શન પૂરું પાડતાં. હૉલબ્રુકે આ કામમાં પૂરું મન પરોવ્યું અને અમેરિકામાં આઠ વર્ષમાં અનેક ઉપનગરો અને શહેરોમાં લાઇસિયમ્સની સંખ્યાનો આંકડો 3,000ને વટાવી ગયો. આ સૌમાં આગવું તરી આવતું બૉસ્ટન લાઇસિયમ્સ હતું. તેના પ્રમુખ તરીકે ડૅનિયલ વેબ્સ્ટર સેવા આપતા હતા. સંબોધન માટે બોલાવવામાં આવતી સુપ્રસિદ્ધ વ્યક્તિઓને સારું એવું વેતન આપવામાં આવતું. આ મંડળોમાં વક્તાઓ તરીકે વેબ્સ્ટર, થૉરો, હોમ્સ, એચ. ડબ્લ્યૂ. બીચર, ઍગાસી, લોવેલ, ક્લેમેન્સ અને બાર્નમ જેવા બૌદ્ધિકો આવતા. અમેરિકામાં સમાજસુધારણાની ચળવળ ચાલી તેના મૂળમાં ગૅરિસન, ગ્રીલી, લ્યૂસી સ્ટોન અને એલિઝાબેથ સ્ટૅન્ટન જેવાંનાં લાઇસિયમ્સ સમક્ષનાં વક્તવ્યો કંઈક અંશે કારણભૂત હતાં. પછીથી લાઇસિયમ્સનું સ્થાન શટૉક્વા મંડળોએ લીધું. હવે તો લોકરંજનની સંગીત અને નાટકોની પ્રવૃત્તિમાં તે બધાં હાલ સવિશેષ વ્યસ્ત છે.
વિ. પ્ર. ત્રિવેદી