લાઇસોજેની : બૅક્ટેરિયોફાજ નામે ઓળખાતા વિષાણુઓ (virus) યજમાન બૅક્ટેરિયાના શરીરમાં પ્રવેશીને ત્યાં ગુણન પામવાને બદલે તેમના જનીનો યજમાન બૅક્ટેરિયાનાં રંગસૂત્ર સાથે સંયોજન પામી સંયુક્ત જનીન સંકુલ નિર્માણ કરવા સાથે સંકળાયેલી એક વૈશિષ્ટ્યપૂર્ણ પ્રક્રિયા. હંમેશાં વિષાણુઓનો યજમાનના શરીરમાં પ્રવેશ માત્ર જનીનો પૂરતો મર્યાદિત હોય છે. ઉપર્યુક્ત જનીન સંકુલને પ્ર-વિષાણુ (provirus) કહે છે અને પ્ર-વિષાણુયુક્ત બૅક્ટેરિયા-યજમાન, લાઇસોજન નામે ઓળખાય છે. લાઇસોજનોના કોષવિભાજનથી જન્મેલાં સંતાનો પણ લાઇસોજનો જ હોય છે. આ પ્રવિધિ વિષાણુ નામે ઓળખાતા બૅક્ટેરિયોફાજ જેવાના ચેપને લીધે ઉદભવતી હોય છે. વિષાણુમાં આવેલાં કેટલાંક પ્રોટીનો ગુણન સાથે સંકળાયેલી જરૂરી કાર્યવહી કરવા પોતાના જનીનોને અવરોધતાં હોય છે. તેથી માત્ર લાઇસોજેની પ્રવિધિનું સર્જન થતું હોય છે.

લાઇસોજન અવસ્થાના બૅક્ટેરિયા પોતાના યજમાન(host)માં જીવંત રહેવાની ક્ષમતા ધરાવે છે અને આ માટે તેઓ પોતાના સ્વરૂપમાં કેટલાક ફેરફારો પણ કરે છે. પરિણામે તેઓ લાંબા સમય સુધી પોતાના યજમાનના શરીરમાં પ્રસ્થાપિત થઈ વૃદ્ધિ અને ગુણન પામતા હોય છે.

આકૃતિ : બૅક્ટેરિયાનું લાઇસોજન-જન્ય જીવનચક્ર

સામાન્યપણે લાઇસોજન બૅક્ટેરિયાના ગુણન માટે કારણભૂત એવા પ્રોટીનના અણુઓ l-વિષાણુ (lambda-virus) જેવા બૅક્ટેરિયોફાજમાં આવેલા છે. તેથી પ્ર-વિષાણુ સળંગ રહે છે. જોકે આવાં પ્રોટીનો અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવાં પ્રતિકૂળ પરિબળોને લીધે નિષ્ક્રિય બને છે. તેઓ નિષ્ક્રિય બનતા બૅક્ટેરિયાનાં રંગસૂત્રો અને વિષાણુના જનીનો એકબીજાથી અલગ થઈ જાય છે. હવે વિષાણુના જનીનો અલગ થતાં તેઓ સક્રિય બની યજમાન બૅક્ટેરિયાના શરીરમાં ગુણન પામતા હોય છે અને તેઓ બૅક્ટેરિયાની દીવાલ તોડીને બહાર નીકળે છે. વિષાણુના આ જીવનચક્રને લયનકારી ચક્ર (lytic cycle) કહે છે.

મ. શિ. દૂબળે