લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન

January, 2004

લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન : સૂરતમાં 1878માં લાઇસન્સ-ટૅક્સના વિરોધમાં થયેલ આંદોલન. બ્રિટિશ સરકારે 1878માં લાઇસન્સ-ટૅક્સ નામનો નવો કર નાખ્યો. દેશના જુદા જુદા પ્રદેશોમાં દુકાળ પડ્યો હતો. તેમાં સરકારે કરેલા ખર્ચને પહોંચી વળવા આ કર નાખ્યો હતો. તેનો પ્રતિકાર કરવાની શરૂઆત મુંબઈના લોકોએ કરી હતી. સૂરતમાં આ નવા કરનો પ્રતિકાર કરવા આંદોલનની શરૂઆત 27મી માર્ચથી થઈ હતી. સૂરતનાં વિવિધ બજારોના વેપારીઓ ભેગા થયા અને તેમણે સોમવાર 1લી એપ્રિલથી શુક્રવાર ને 5મી એપ્રિલ પર્યંત પાંચ દિવસ પોતાની દુકાનો બંધ રાખીને શાંત હડતાળ પાડી. 3જી એપ્રિલની સાંજે કેટલાક લોકો સૂરતમાં કિલ્લા પાસે ભેગા થયા. ત્યાં ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ મિ. ઑલિવન્ટે તેમની નવા કરની જોગવાઈઓ અને જરૂરિયાત સમજાવી. તે સાંભળ્યા બાદ લોકો વિખેરાઈ ગયા. તે પછી પણ હડતાળ ચાલુ રહી. 4થી એપ્રિલની સાંજે બીજા લોકોનું ટોળું કિલ્લા નજીક ભેગું થયું. મિ. ઑલિવન્ટ તેમની વચ્ચે ફર્યા અને વ્યક્તિગત વાતચીતો કરી. તેમના ગયા પછી લોકોએ બૂમો પાડી અને તેમની પાછળ પડીને તોફાને ચડ્યા. તેથી પોલીસે લોકોને અટકાવી, તેમને પુલ ઓળંગીને યુરોપિયનોનાં ક્વાર્ટર્સ તરફ જતાં તથા તોફાન કરતાં રોક્યા. 5મી એપ્રિલ શુક્રવારે લોકોનું ટોળું રેલવે-સ્ટેશને ગયું અને હડતાળને વધુ અસરકારક બનાવવા માટે રેલવે-કર્મચારીઓને હડતાળમાં જોડાઈને, ટ્રેનો ચાલતી અટકાવી દેવા આગ્રહ કર્યો. તે દિવસે પરિસ્થિતિ તંગ બની અને સરકારે સખતાઈ કરી. લોકોને વિખેરાઈ જવા જણાવવા છતાં તેનો ઇનકાર કરીને તોફાનો ચાલુ રાખ્યાં. સરકારે લોકો ઉપર દમનનીતિ આચરી. પોલીસે ગોળીબારો કર્યા. તેમાં ત્રણ જણા માર્યા ગયા અને બે જણા ઘવાયા. થોડી વારમાં ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ત્યાં આવ્યા. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી અને બાકીના વિખેરાઈ ગયા. બીજે દિવસે તેમણે કડક પગલાં ભર્યાં અને દરેક બજારની દુકાનો ખોલાવી દેવામાં તેમને સફળતા મળી. ધરપકડ કરેલા લોકોની ઉપર અદાલતમાં કેસ ચલાવી કેટલાકને લાંબા સમયની કેદ તથા કેટલાકને દેશનિકાલની સજા કરવામાં આવી.

લાઇસન્સ-વેરાનો વિરોધ માત્ર સૂરતે કર્યો ન હતો; મુંબઈ, પુણે તથા અમદાવાદમાં પણ વેપારીઓ અને નાગરિકોએ જાહેર સભાઓ યોજીને તેનો વિરોધ કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ