લવણપ્રસાદ (ઈ. સ. બારમી અને તેરમી સદી) : ગુજરાતના રાજા ભીમદેવ બીજા(ઈ. સ. 1178–1242)નો સામંત. તે વ્યાઘ્રપલ્લી(વાઘેલ ગામ)ના પ્રથમ મુખ્ય પુરુષ અર્ણોરાજ(આનાક)નો પુત્ર હતો. તેની માતાનું નામ સલક્ષણા હતું. પ્રાચીન ગ્રંથો તથા લેખોમાં તેનું રૂઢ નામ ‘લુણપસાક’, ‘લુણપસા’, ‘લુણપસાજ’, ‘લુણસા’, ‘લુણપસાઉ’, ‘લુણપ્રસાદ’ હોવાનું મળી આવે છે. સંસ્કૃત લખાણોમાં એ નામોનાં ‘લાવણ્યપ્રસાદ’ તથા ‘લવણપ્રસાદ’ જેવાં સ્વરૂપ મળે છે. તેના જન્મ સમયે કુમારપાલે તે એક પરાક્રમી પુરુષ થશે એવી ભવિષ્યવાણી ભાખી હતી. તેની પત્નીનું નામ મદનરાજ્ઞી તથા પુત્રનું નામ વીરધવલ હતું.
લવણપ્રસાદે તેનું સમસ્ત જીવન ભીમદેવના મહામંડલેશ્વર તરીકે રહીને બધાં મહત્વનાં રાજકીય કાર્યો કર્યાં હતાં. તે ચૌલુક્ય રાજવી ભીમદેવ બીજાનો વફાદાર સામંત હતો અને તેના રાજ્યને ટકાવી રાખવામાં તેણે પોતાનું સમગ્ર જીવન સમર્પી દીધું હતું. તેણે ધોળકામાં રહી પોતાની સત્તા વિસ્તારી હતી અને તે ધોળકાના રાણા તરીકે ઓળખાતો હતો. લવણપ્રસાદ તેના દીકરા વીરધવલ સાથે ધોળકામાં રહીને બધો વહીવટ સંભાળતો હતો. જયંતસિંહે ભીમદેવ બીજાને પદભ્રષ્ટ કરીને પાટણની ગાદી લઈ લીધી, ત્યારે ગાદી પાછી મેળવવામાં લવણપ્રસાદે નોંધપાત્ર સહાય કરી હતી. તે સમયે તે પાટણનો રાજા બની શક્યો હોત, પરંતુ પોતે માત્ર મંડલેશ્વર રહ્યો હતો.
લવણપ્રસાદ બ્રાહ્મણ ધર્મ પાળતો હતો. તેણે વઢવાણ પાસે કાર્તિકેયનું મંદિર બંધાવ્યું હતું. તેણે તેની માતા સલખણદેવી (સલક્ષણા)ની સ્મૃતિમાં સલખણપુર વસાવ્યું અને તેમાં તેના પિતાના નામે આનલેશ્વરનું તથા માતાના નામે સલખણેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આજના ચાણસ્મા તાલુકાના નૈર્ઋત્ય ખૂણે આવેલું શંખલપુર તે સલખણપુર હોવાનું મનાય છે.
લવણપ્રસાદે પોતાના પુત્ર વીરધવલને યુદ્ધભૂમિમાં સાથે રાખી ગુજરાતનો શત્રુઓ દ્વારા વિનાશ થતો રોક્યો હતો. એણે નડૂલના નાયક તથા ધારાનગરીના રાજાને હરાવ્યા હતા. દક્ષિણના દેવગિરિના યાદવ રાજા સિંધણે ગુર્જર દેશ પર ચડાઈ કરી ત્યારે બીજા રાજાઓ સહિત લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવલને પણ લડાઈમાં જોડાયેલા જોઈ મારવાડના ચાર રાજાઓ ચડી આવ્યા. આ સમાચાર જાણીને લવણપ્રસાદે દીર્ઘદૃષ્ટિ વાપરી તે રાજાઓ સાથે સંધિ કરી, એવો ‘કીર્તિકૌમુદી’માં ઉલ્લેખ છે. સિંધણે ઈ. સ. 1231માં લવણપ્રસાદ સાથે સંધિ કરી અને પરસ્પર આક્રમણ ન કરવાના કરાર કર્યા. તેણે વીરધવલની મદદથી સૌરાષ્ટ્રના રાજવીઓને હરાવ્યા. તેણે પોતાના મંત્રી વસ્તુપાલની મદદ વડે લાટના શંખને હરાવ્યો તથા મંત્રી તેજપાલની સહાય વડે ગોધરાના ધૂધુલને હણ્યો. લવણપ્રસાદ યુદ્ધમાં જ અવસાન પામ્યો હોવાનું કહેવાય છે.
વાઘેલા રાણા લવણપ્રસાદની પત્ની મદનરાજ્ઞીએ તેના ઘરભંગ થયેલા બનેવી દેવરાજનું ઘર માંડ્યું હતું અને પોતાના પુત્ર વીરધવલની સાથે ત્યાં રહેતી હતી. દેવરાજની હત્યા કરવા લવણપ્રસાદ ગયો હતો, પરંતુ વીરધવલ પ્રત્યે તેનો પ્રેમ જોઈ, વૈરભાવ ત્યાગી પાછો ફર્યો હતો, વીરધવલ ભવિષ્યમાં માતાના કૃત્યથી શરમાઈ, પિતા પાસે જઈને રહ્યો હતો.
જયકુમાર ર. શુક્લ