લવણભાસ્કર ચૂર્ણ : પેટનાં દર્દો માટેની અકસીર ઔષધિ. સૂર્ય ભગવાને લોકોના હિતાર્થે  પેટનાં અનેક દર્દો માટે અકસીર કહેલું અને ‘શાઙ્ર્ગધર સંહિતા’માં આપેલું આ ચૂર્ણ આયુર્વેદની ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત ઔષધિ છે. તેનો પાઠ નીચે મુજબ છે : ઔષધ-સંયોજન : સમુદ્ર-લવણ 8૦ ગ્રામ, સંચળ 5૦ ગ્રામ અને બિડલવણ, સિંધાલૂણ, ધાણા, લીંડીપીપર, પીપરીમૂળ, કાળીજીરી, તમાલપત્ર, તાલીસપત્ર, નાગકેસર તથા અમ્લવેતસ  આ દશ ઔષધિઓ દરેક 2૦–2૦ ગ્રામ; કાળાં મરી, જીરું અને સૂંઠ  એ ત્રણ 1૦–1૦ ગ્રામ, દાડમના (સૂકા) દાણા 4૦ ગ્રામ તથા તજ અને એલચી 5–5 ગ્રામ – આ બધું લઈ તેને ખાંડીને ચૂર્ણ બનાવવામાં આવે છે. તે પછી તેને બિજોરા લીંબુના રસની સાત ભાવના દીધા પછી સુકાયેથી ભરી લેવામાં આવે છે.

મોટી વ્યક્તિને 3થી 5 ગ્રામ માત્રામાં આ ચૂર્ણ પાણી, છાશ, આસવ કે સુરા સાથે દર્દીનાં દોષ અને પ્રકૃતિ જોઈને અપાય છે.

ઉપયોગ–લાભ : પેટનાં દર્દો માટે વૈદ્યો અને દર્દીઓમાં ખૂબ પ્રસિદ્ધ અને લાભપ્રદ આ સિદ્ધ ઔષધ ખાસ કરી વાયુ અને કફદોષથી ઉત્પન્ન પેટનાં દર્દો જેવાં કે ગોળો (ગુલ્મ), બરોળ, અરુચિ, અજીર્ણ, મંદાગ્નિ, હરસ, સંગ્રહણી, કબજિયાત, ઉદરશૂળ (ચૂંક), સોજા અને આમવાત જેવાં દર્દો મટાડીને ભૂખ વધારે છે અને ખાધેલ ખોરાક હજમ કરે છે. (આ ઔષધની તાસીર ગરમ હોઈ, ગરમીની તાસીર તથા ગરમીના દોષ-દર્દવાળાએ ખાસ ન વાપરવું.) ‘આર્યભિષક્’ ગ્રંથમાં આ ચૂર્ણ પૂર્વોક્ત રોગો ઉપરાંત ક્ષય, આમદોષ અને હૃદય-રોગમાં પણ લાભપ્રદ હોવાનું જણાવેલ છે.

ઉપયોગો : (1) મંદાગ્નિ અને અશક્તિમાં આ ચૂર્ણમાં 1–1 રતી શુદ્ધ વિષતિંદુક ચૂર્ણ અને 1 ગ્રામ સોડાબાયકાર્બ મેળવીને લેવાથી વધુ ઝડપથી લાભ થાય છે. (2) કબજિયાતમાં આ ચૂર્ણમાં સમભાગે પંચસકાર ચૂર્ણ મેળવીને જરા ગરમ જળ સાથે આપવું વધુ લાભપ્રદ છે. (3) અપચો અને પેટના ગૅસ-વાયુમાં આ ચૂર્ણમાં શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ, સોડાબાયકાર્બ તથા લશુનાદિવટી ભેળવી આપવાથી તે વિકારો ઝડપથી મટે છે. (4) કબજિયાત, ઊર્ધ્વવાયુ–અવળો ગૅસ, આફરો અને હૃદય-છાતીના શૂળમાં આ ચૂર્ણ નવશેકા પાણી સાથે દિનમાં 3 વાર લેવાય છે. રાતે આ ચૂર્ણ ઘી સાથે આપીને ઉપર કોકરવરણું પાણી પાવાથી લાભ થાય છે. (5) હોજરી (પેટ) ખાધા પછી ભારે થાય, ખોરાકનું બરાબર પાચન ન થાય ને ઓડકાર ખૂબ આવ્યા કરતા હોય ત્યારે આ ચૂર્ણ જમતા પહેલાં અર્ધા કલાક અગાઉ નવશેકા પાણી સાથે અને જમ્યા બાદ તે છાશ કે મઠા સાથે આપવું વધુ લાભપ્રદ થાય છે. (6) અજીર્ણને કારણે થયેલા બાદી કે વાયુ અથવા કફના હરસ(મસા)ના દર્દમાં મંદાગ્નિ સાથે કબજિયાત રહેતી હોય ત્યારે તેમાં આ ચૂર્ણ ઘી કે કોકરવરણા પાણી સાથે કે છાશ સાથે સવાર-સાંજ જમ્યા પછી લેવાય છે. આ ચૂર્ણ અત્યંત રુચિકર ને ભૂખવર્ધક છે. (7) સંગ્રહણી રોગમાં આ ચૂર્ણમાં પંચામૃતપર્પટી 1–2 રતી ઉમેરીને છાશ સાથે લઈ શકાય છે.

 જયેશ અગ્નિહોત્રી

 બળદેવપ્રસાદ પનારા