લવ, અશોક (જ. 13 એપ્રિલ 1947, લ્યાલપુર (હાલ પાકિસ્તાનમાં)) : હિંદી લેખક. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એડ.ની પદવી અને 1994માં નૅશનલ મ્યુઝિયમ તરફથી આર્ટ એપ્રીશિયેશન સર્ટિફિકેટ મેળવ્યાં. પછી તેમણે હિંદી માસિક ‘મોહયાલ’ના સંપાદનથી કારકિર્દી શરૂ કરી. સમકાલીન ‘ચૌથી દુનિયા’ માસિકના તેઓ સાહિત્યિક સંપાદક બન્યા. રાષ્ટ્રીય ‘સહારા’ દૈનિકના કલાવિવેચક તરીકે પણ તેમણે કામગીરી કરી.

તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 8થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તૂટતે ચક્રવ્યૂહ’ (1986), ‘અનુભૂષણ કી આહતેં’ (1997) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘બંધ દરવાજોં પર દસ્તકેં’ (1988), ‘સલામ દિલ્લી’ (1991), ‘પત્થરોં સે બાંધ પંખ’ (1996) તેમના અતિ લોકપ્રિય વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘શિકારોં સે આગે’ (1995) તેમની નવલકથા અને ‘હિંદી કે પ્રતિનિધિ સાહિત્યકારોં સે સાક્ષાત્કાર’ (1989) મુલાકાતો છે.

હિંદી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને 1995માં ડૉ. રાધાકૃષ્ણન સ્મૃતિ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર, 1996માં પ્રેમચંદ સ્મૃતિ પુરસ્કાર તથા માનાર્હ પીએચ.ડી. અને ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા