લય : વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિ (species) કે ઉપજાતિ(subspecies)નું વિલોપન કે અંત. જાતિ કે ઉપજાતિ પ્રજનન કરી શકે નહિ ત્યારે તેનો લય થાય છે. મોટેભાગે પર્યાવરણમાં થતા ફેરફારોને લઈને આ પ્રક્રિયા થાય છે. વિનાશને આરે પહોંચેલી જાતિ બદલાતા પર્યાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી અને વંશજો સિવાય તે અંત પામે છે. અથવા તે અનુકૂલન સાધી તદ્દન નવી જ જાતિમાં રૂપાંતર પામે છે. શિકાર, વનસ્પતિ અને પ્રાણીઓનો સંગ્રહ અને આવાસના નાશ જેવી માનવપ્રવૃત્તિઓને કારણે પણ વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓનો લય થયો છે.
જોકે પૃથ્વી ઉપર વનસ્પતિસમૂહ અને પ્રાણીસમૂહની વિવિધ જાતિઓના લયની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોવા છતાં, અશ્મીઓ(fossils)નો અભ્યાસ દર્શાવે છે કે પૃથ્વી ઉપર સામૂહિક લય અનેક વાર થયો છે, જેથી દરેક લય દરમિયાન અસંખ્ય જાતિઓનો નાશ થયો છે. આવો એક લય ક્રિટેશિયસ ભૂસ્તરીય યુગ દરમિયાન 6.5 કરોડ વર્ષ પૂર્વે થયો હતો જે દરમિયાનમાં ડાઇનોસૉર અને તે સમયનું ઘણુંખરું દરિયાઈ જીવન લુપ્ત પામ્યું છે. પુરાવો દર્શાવે છે કે પૃથ્વી સાથે કોઈ લઘુગ્રહ (asteroid) અથડાવાને પરિણામે ક્રિટેશિયસ લય થયો છે. લઘુગ્રહની ટક્કર જેવી પ્રલયકારી ઘટનાઓને લીધે અન્ય સજીવોના સામૂહિક લયની પ્રક્રિયાનો પ્રારંભ થયો હશે.
ખરેખર આવો સામૂહિક લય લગભગ 2.6 કરોડ વર્ષ પૂર્વે થયો હતો. કેટલાક અશ્મીવિજ્ઞાનીઓ ચક્રીય (cyclic) અંતરિક્ષી (cosmic) ઘટનાઓ આ સામયિક (periodic) લય માટે જવાબદાર હોવાનું માને છે.
બળદેવભાઈ પટેલ