લયલા–મજનૂ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ઈરાની દાસ્તાન. લોકકથાના બે પ્રેમી પાત્રો : સ્ત્રીનું નામ લયલા, પુરુષનું મજનૂ. આ પાત્રોની લોકપ્રિય દાસ્તાન ઉપર આધારિત ગદ્ય-પદ્ય સાહિત્ય અરબી, ફારસી, તુર્કી તથા ઉર્દૂ ભાષામાં વિકાસ પામ્યું છે. લયલા અને મજનૂ અરબસ્તાનના નજદ વિસ્તારના બન્ આમિર કબીલાનાં છે. લયલા શ્યામ વર્ણની હતી. અરબી ભાષામાં કાળી રાતને ‘લયલા’ કહેવામાં આવે છે. તેથી તેનું એવું નામ પડ્યું હતું. મજનૂનું મૂળ નામ કૈસ હતું, પણ તે લયલાના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો તેથી મજનૂ કહેવાયો. જે માણસ ઉપર જિન્નાત-ભૂતપ્રેતની અસર હોય અથવા જે કોઈના પ્રેમમાં ગરકાવ થઈ ગયો હોય તે ‘મજનૂ’ કહેવાય છે. યુવાન કૈસ એક મેળાવડામાં પહેલી વખત લયલાને જોઈને તેના પ્રેમમાં પડે છે અને લયલા તરફથી પણ તેને યોગ્ય પ્રતિસાદ પ્રાપ્ત થાય છે; પરંતુ લયલાના પિતાને આ સંબંધ ગમતો નથી તેથી તે પોતાની દીકરીનાં લગ્ન બીજી જગ્યાએ કરી દે છે. અહીંથી મજનૂના જીવનમાં વળાંક આવે છે અને હવે જે ઘટનાઓ બને છે તેણે આ દાસ્તાનને એક વિશિષ્ટ અર્થઘટન પૂરું પાડ્યું છે. મજનૂ પોતાના ઘર તથા ગામનો ત્યાગ કરી, જંગલો તથા પર્વતોમાં એકલવાયું વિયોગી જીવન ગુજારે છે અને લયલાના વિરહમાં કાવ્યો લલકારતો રહે છે. અરબ રણપ્રદેશની આ વાર્તાને ફારસી ભાષાના સૂફીવાદી સાહિત્યમાં અનેરો રંગ આપવામાં આવ્યો છે. લયલાનું પાત્ર પરમાત્માનું રૂપ ધારણ કરે છે. તે મજનૂની નજરોથી અલોપ રહે છે; જ્યારે મજનૂનું પાત્ર ઈશ્વર-ભક્તનું રૂપ ધારણ કરે છે. આ ઈશ્વર-ભક્ત પોતાના પ્રિય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સંસારનો ત્યાગ કરી છેવટે પોતાના જીવનને પણ કુરબાન કરી દે છે. આ દાસ્તાન ઉન્નત આધ્યાત્મિક પ્રેમનું રૂપક છે. ફારસીમાં નિઝામી ગંજઈ, અમીર ખુસ્રૂ તથા જામી જેવા પ્રથમ પંક્તિના કવિઓએ લયલા–મજનૂની દાસ્તાનને મસ્નવી પ્રકારનાં લાંબાં વર્ણનાત્મક કાવ્યોમાં ગૂંથીને તેને અમર બનાવી દીધી છે. તેનાથી પ્રભાવિત થઈને ફારસી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ લયલા–મજનૂની દાસ્તાન ઉપર આધારિત સાહિત્ય વિકાસ પામ્યું છે. ગુજરાતીમાં પણ આ વિષયને અનુલક્ષીને કેટલાંક કાવ્યો-કથાઓ વગેરે રચાયાં છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી