લમેત્ર, જૂલ (જ. 27 એપ્રિલ 1853, ઑર્લિયન્સ નજીક; અ. 5 ઑગસ્ટ 1914, તેવર્સ, લૉઇરેન, ફ્રાન્સ) : ફ્રેન્ચ વિવેચક, નાટ્યકાર, કવિ અને ટૂંકી વાર્તાના લેખક. શિક્ષણ ઑર્લિયન્સ અને પૅરિસમાં. એકૉલ નૉર્માલ સુપીરિયરમાંથી સ્નાતક થયા. લ હાવ્ર અને અલ્જિયર્સમાં શિક્ષક હતા. નોકરી છોડ્યા પછી પત્રકારત્વ અને સાહિત્યને ખોળે માથું મૂક્યું. ‘લે મેદેલાં’ (188૦) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. ‘મીર’ (1894) અને ‘એન માર્જ દે વિયે લિવ્ર’ (19૦5–19૦7) કટાક્ષયુક્ત ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. આ વાર્તાઓ આનાતૉલ ફ્રાન્સની વાર્તાઓ જેવી છે. સાંપ્રત જીવન સાથે તેમને સ્નાનસૂતકનોયે સંબંધ નથી. તેમનાં નાટકો વસ્તુની દૃષ્ટિએ આધુનિક છે. તેમાં નીતિવિષયક બોધ ભારોભાર છે. ‘લ મૅરેજ બ્લાંક’ (1891) અને ‘લ પાદા’ (1895) નાટકો છે.

લમેત્રનું સવિશેષ પ્રદાન વિવેચનક્ષેત્રે છે. 1884થી 19૦૦ સુધી તેમણે નાટકો અને અન્ય પુસ્તકોની સમાલોચના કરી છે. ‘લે કાતાં પૉરેં’ (7 ગ્રંથો, 1885થી 1899) તેમની વિવેચન ગ્રંથોની શ્રેણી છે. નાટકોનાં સિંહાવલોકનો ‘એમ્પ્રેસ્યા દ તિયૅત્ર’ (1૦ ગ્રંથો 1888–1898) નામે પ્રકાશિત થયેલ છે. તે સમયનાં નાટકો અને પ્રકાશનો વિશેના લમેત્રના વિવેચને નવા વિચારો અને નવા કૌશલ્યને નવાજ્યાં નથી.

જૂલ લમેત્ર

લમેત્ર પરંપરાના ચાહક અને આગ્રહી છે. તેમને લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય માન્ય નથી. તેઓ રાજાશાહીના હિમાયતી હતા. ‘જે. જે. રૂસો’ (19૦7), ‘ઝાં રેસિન’ (19૦8), ‘ફૅનલા’ (191૦) અને ‘શૅતોબ્રિયાં’ (1912) તેમણે આપેલાં વ્યાખ્યાનોનાં પ્રકાશનો છે. 1895માં લમેત્રને ફ્રેન્ચ અકાદમીના સભ્ય તરીકે ચૂંટી કાઢવામાં આવેલા.

વિ. પ્ર. ત્રિવેદી