લમબમ, વીરમણિસિંહ (જ. 1925) : મણિપુરી વાર્તાકાર. તેમના વાર્તાસંગ્રહ ‘ચેખલા પૈખરવાડા’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી તેઓ ઇમ્ફાલ ખાતેની બેઝિક ટ્રેનિંગ કૉલેજમાં અધ્યાપક બન્યા. ત્યારબાદ તેઓ થૌબાલ જિલ્લામાં વિજ્ઞાન-સુપરવાઇઝર બન્યા.

મણિપુર ખાતેના કલ્ચરલ ફોરમ તથા નહારોલ સાહિત્યપ્રેમી સમિતિ-(ઇમ્ફાલ)ના તેઓ સ્થાપક-સભ્ય રહ્યા. આ ઉપરાંત મણિપુર ખાતેના  સાયન્સ ટીચર્સ ફોરમના તેઓ સ્થાપક-પ્રમુખ રહ્યા. તેમણે 2 વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તેઓ અનેક સાહિત્યિક સામયિકો માટે તથા ઇમ્ફાલ ખાતેના આકાશવાણી કેન્દ્ર માટે નિયમિત વાર્તાઓ લખતા રહ્યા છે. તેઓ ‘વિજ્ઞાની વા’ નામક વૈજ્ઞાનિક સામયિકના સ્થાપક-સંપાદક અને ‘ઋતુ’ના સંપાદક-મંડળના સભ્ય પણ રહેલા.

પુરસ્કૃત પુસ્તક સામાજિક પરિસ્થિતિઓને લગતો વાર્તાસંગ્રહ છે. પાત્રો તેમજ પ્રસંગોનું તાદૃશ ચિત્રણ, ભાષાની સરળતા તથા પ્રવાહિતા જેવી વિશેષતાને કારણે આ મણિપુરી વાર્તાસંગ્રહ ઉલ્લેખનીય છે.

મહેશ ચોકસી