લજામણી (રિસામણી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોઝોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa pudica Linn. (સં. લજ્જાલુ, રક્તમાદી; હિં. લાજવંતી, છુઈમુઈ; બં. લજ્જાવતી; મ. લાજરી, લાજાળુ; તે. મુનુગુડામારમુ; ત. તોટ્ટલશરંગિ; ક. લજ્જા; મલ. તોટ્ટનવાતિ; અં. સેન્સિટિવ પ્લાન્ટ, ટચ મી નૉટ) છે. તે ભૂપ્રસારી, ઉપક્ષુપ (under-shrub) અને 5૦ સેમી.થી 9૦ સેમી. ઊંચી વનસ્પતિ છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારતના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં લગભગ બધે જ તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયું છે. પ્રકાંડ અને પર્ણદંડ છાલશૂળો (prickles) વડે આવરિત હોય છે. પર્ણો દ્વિપિચ્છાકાર (bipinnate), સંયુક્ત હોય છે અને સ્પષ્ટ પર્ણતલગ્રંથિ (pulvinus) ધરાવે છે. દ્વિતીય પત્રાક્ષ 2 અથવા 4 હોય છે, જે પંજાકારે ગોઠવાયેલા હોય છે અને 1૦થી 2૦ જોડ નાની પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પો ગુલાબી રંગનાં, ગોળાકાર કક્ષીય મુંડક(head)-સ્વરૂપે ગોઠવાયેલાં; નિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous) અને ચતુરવયવી હોય છે. ફળ મણકામય શિંબી (lomentum) પ્રકારનું, નાનું, પીળા રંગનું અને દૃઢ-લોમી (bristly) હોય છે. બીજ 3થી 5 અને અભ્રૂણપોષી હોય છે.
આ છોડને સ્પર્શ કરતાં તેની પર્ણિકાઓ તત્કાળ બિડાઈ જાય છે અને પર્ણ નમી પડે છે. સ્પર્શનો આઘાત તીવ્ર હોય તો સમગ્ર ડાળી ઢળી પડે છે. તેથી તેને રિસામણી કે લજામણી કહે છે. થોડાક સમય પછી પર્ણો અને ડાળી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે.
આ જાતિ બહુરૂપી (polymorphic) છે અને ત્રણ જાતો ધરાવે છે : (1) var. hispida, (2) var. tetrandra અને (3) var. unijuga. આબોહવા હૂંફાળી અને ભેજયુક્ત હોય તેવી પડતર જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. ઘણી જગાએ તે મુશ્કેલરૂપ અપતૃણ (weed) બની જાય છે. પ્રતિ હેક્ટરે લગભગ 4.5 કિગ્રા.થી 6.5 કિગ્રા. MCPA આપવાથી તેનું અસરકારક નિયંત્રણ થાય છે.
ઢોરો નાજુક છોડ ખાય છે. ફીજીમાં તે ચરાણ માટે ઉપયોગમાં લેવાય છે. તે ભારે ચરાણ સામે ટકી શકે છે અને ઢોરને આપતાં તે માંસ અને દૂધ વધારે આપે છે. પુષ્પવાળા ઉપરના કોમળ ભાગોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 74.9 %, પ્રોટીન 5.5 %, કાર્બોદિતો 9.૦ %, લિપિડ ૦.8 %, રેસો 8.2 %, અને ભસ્મ 1.6 %. છોડ પાકટ બનતાં કંટમય બને છે. શિંગો ખાવાથી ઢોરોને આંત્રીય શોથ થાય છે. વધારે માત્રામાં આપવામાં આવતાં ઘોડાઓમાં વિષાક્ત (toxic) અસરો જોવા મળે છે અને તેઓ વાળ ગુમાવે છે. મરઘીનાં બચ્ચાંને તેનાં પર્ણો આપતાં તેમની વૃદ્ધિ કુંઠિત થાય છે. તેઓ માંદાં પડી થોડાંક જ અઠવાડિયાંમાં મૃત્યુ પામે છે. લજામણીનો લીલા ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
લજામણી માઇમોસિન (C8H1૦O4N2) નામનું ઝેરી આલ્કેલૉઇડ ધરાવે છે. તે લાસો બાવળ(Leucaena glauca)માંથી મળી આવતા લ્યુકેનિનને સમરૂપ આલ્કેલૉઇડ છે અને મૂળ, પ્રકાંડ અને પર્ણમાં અલ્પ જથ્થામાં હોય છે. પર્ણોના નિષ્કર્ષમાંથી એડ્રિનાલિન જેવો પદાર્થ મળી આવ્યો છે. રિંગરના દ્રાવણમાં લજામણીનાં દળેલાં પર્ણોનો છંટકાવ કરતાં દેડકાનું અલગ કરેલું હૃદય એડ્રિનાલિનની અસરો દર્શાવે છે. પર્ણતલ ગ્રંથિઓમાં ક્રોસેટિન ડાઇમિથાઇલ ઍસ્ટર હોય છે. મૂળમાં આશરે 1૦ % જેટલું ટૅનિન હોય છે.
બીજમાં શ્લેષ્મ હોય છે, જે ડી-ઝાયલોઝ અને ડી-ગ્લુક્યુરૉનિક ઍસિડનો બનેલો હોય છે. બીજમાંથી 17 % જેટલું લીલાશ પડતું પીળું મેદીય તેલ મળી આવે છે. તેનું તેલ સૉયાબીનના તેલ જેવું હોય છે અને તેથી તેનો સૉયાબીનની જેમ ઉપયોગ કરી શકાય છે. આ તેલમાં લિનોલેઇક ઍસિડનું વધારે પ્રમાણ અને લિનોલેનિક ઍસિડનું ઓછું પ્રમાણ હોવાથી દ્વિલકીકરણ (dimerization) અને નૉરેલેક જેવાં વિલેપન (coating) દ્રવ્યો બનાવવામાં ઉપયોગી છે.
મૂળનો કાઢો પથરી અને મૂત્રમાર્ગના રોગોમાં આપવામાં આવે છે. તેનાં પાનનો મલમ ગાંઠો પર અને રસ નાડીવ્રણ (sinus), વ્રણ અને મસા પર લગાડવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર, લજામણી તીખી, શીતળ, કડવી, તૂરી, સ્વાદુ અને રુક્ષ છે અને વાયુ, પિત્ત, કફ, રક્તદોષ, રક્તપિત્ત, યોનિદોષ, અતિસાર, સોજો, શ્રમ, વ્રણ તથા કોઢનો નાશ કરે છે.
તેનો ઉપયોગ ગંડમાળા, ગલગંડ અને કમળા ઉપર, અંડ ઊતર્યું હોય કે સ્ત્રીઓનું યોનિદ્વારે અંગ બહાર પડે કે આંખની કાળી કીકી ઉપર પડળ આવે તે ઉપર, ઉટાંટિયા ઉપર અને મૂળ વ્યાધિ ઉપર કરવામાં આવે છે.
Mimosa invisa Mart. આરોહી ક્ષુપ જાતિ છે. તેનો પ્રકાંડ ગાઢ-રોમિલ (pubescent) અને વક્ર છાલશૂળો ધરાવે છે. તેનો લીલા ખાતરના પાક તરીકે ભારતમાં પ્રવેશ કરાવાયો છે અને કૉફીના બગીચાઓમાં ઉગાડવામાં આવે છે. ઇંડોનેશિયા અને ઇંડોચાઇનામાં તે લીલા ખાતરના પાક અને આવરણ(cover)-વનસ્પતિ તરીકે વાવવામાં આવે છે. શ્રીલંકામાં તે ગંભીર અપતૃણ તરીકે થાય છે. આ જાતિની કંટરહિત જાત જાવામાં વિકસાવવામાં આવી છે. તે Imperata cylindricaની વૃદ્ધિને અવરોધે છે. M. sepiaria Benth. નાનો કાંટાળો ક્ષુપ છે અને ભારતમાં તેનો વાડ અને બળતણ તરીકે ઉપયોગ થાય છે. M. hamata Willd અને M. himalayana Gamble ભારતમાં થતી લજામણીની જાતિઓ છે.
મ. ઝ. શાહ
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ