લટ્યન્ઝ એડવિન (સર) (જ. 1869; અ. 1944) : વીસમી સદીનો જાણીતો બ્રિટિશ સ્થપતિ. તેણે થોડો સમય જ્યૉર્જ ઍન્ડ પેટો સાથે કામ કર્યું. તે પછી 1889માં તેણે સ્વતંત્ર રીતે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી. 1896માં તેણે ગેટ્રુડ જેકિલ માટે મુન્સેડ વુડની ડિઝાઇન કરી હતી. ગેટ્રુડ ગાર્ડન ડિઝાઇનર હતો અને તેણે લટ્યન્ઝના ઘડતરમાં ઘણી મદદ કરી હતી. તેના પ્રૉજેક્ટો (ડિનરી ગાર્ડન, સોન્નિંગ 1899; ઑર્ચાર્ડ્સ, ગોડાલ્મિંગ 1899; તિગ્બૉર્ને કોર્ટ 1899; ફોલિ ફાર્મ, સુલ્હામ્પસ્ટેડ 19૦5 અને 1912) પછી કલાકૌશલથી પૂર્ણ અનેક કન્ટ્રી-હાઉસ તેની શૈલી પ્રમાણે બંધાયા. આનાથી લટ્યન્ઝ એક મૌલિક અને આકારોના સંયોજનમાં કુશળ સ્થપતિ તરીકે પ્રસ્થાપિત થયો. આમ છતાં તેને શાસ્ત્રીયવાદ, નિયો-પલાડિયન, સેમી ઇંગ્લિશ બરોક અને રેનેસાંસની પરંપરામાં વધુ રસ હતો. લિબરલ ક્લબ, ફરહામ (1894); ક્રુકસ બરી, ઈસ્ટ ફ્રન્ટ (1899); હેસ્ટર કૉમ્બે ઑરેન્જરી (19૦5); હીથકોટ (19૦6) વગેરે ઇમારતોમાં તેણે આ બધા સિદ્ધાન્તો અપનાવ્યા હતા.

એડ્વર્ડનો શાસનકાળ લટ્યન્ઝ માટે ભવ્યતાનો કાળ હતો. તે એક આદર્શ સ્થપતિ તરીકે સ્થાપિત થયો. તેણે બનાવેલી છેલ્લી ઇમારતો ઇંગ્લિશ કન્ટ્રીહાઉસ (લિન્ડિસફર્ને કેસલ 19૦3, કેસલ ડ્રોગો 191૦–3૦) દર્શનીય છે. અલબત્ત, આ બધામાં તેનું અસરકારક બાંધકામ નવી દિલ્હીમાં છે. વાઇસરૉયનું મકાન (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન) તથા ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની નવી રાજધાની  નવી દિલ્હીના આયોજનનો માસ્ટર પ્લાન તથા તે યોજના માટેનો તેનો ઉત્સાહ ઉલ્લેખનીય છે. 1913 પછીનાં તેનાં બાંધકામ વાસ્તવિક રીતે સ્મારકીય પ્રયોજનવાળાં અને પ્રભાવક છે – વિશેષ કરીને નવી દિલ્હીનાં બાંધકામ. હર્બર્ટ બેકર(લટ્યન્ઝના સમકાલીન અને જેણે રાષ્ટ્રપતિ-ભવનની નજીકના સચિવાલયનો નકશો તૈયાર કર્યો હતો)ને દિલ્હીનાં તેનાં બાંધકામમાં ક્યારેય આવી સિદ્ધિ મળી ન હતી.

આમ છતાં શાસ્ત્રીયવાદ પ્રત્યેનો લટ્યન્ઝનો લગાવ આંધળો સાબિત થયો અને સિદ્ધિઓને વરેલા લટ્યન્ઝનું પતન થયું. સામાન્ય વિચારણામાં પરિવર્તન, આધુનિક અલંકરણનો અભાવ અને ક્લાસિકલ ઑર્ડર આનાં માટે કારણભૂત હતાં. પાછળના સમયની તેની વ્યાપારી ઇમારતો  બ્રિટાન્નિક હાઉસ (192૦) અને મીડ-લૅન્ડ બૅન્ક (1924) યુરોપના સ્થાપત્યના વિકાસના મુખ્ય પ્રવાહમાં આગળ પડતી છે. હેમ્પસ્ટેડ ગાર્ડન સબર્બ ખાતે પ્રારંભમાં લટ્યન્ઝ દ્વારા નિર્મિત સેંટ જુડની ચર્ચ (19૦9) વાસ્તવમાં મૌલિકતાપૂર્ણ છે. આવી મૌલિકતા તેના સમયના યુરોપના ધાર્મિક સ્થાપત્યમાં ભાગ્યે જ જોવા મળે. તેની બધી ઇમારતોમાં વાઇસરૉયનું મકાન (રાષ્ટ્રપતિ ભવન) ઉલ્લેખનીય છે. તેનો ઘુમ્મટ સાંચીના સ્તૂપના અંડના અનુકરણમાં બનાવાયો છે. તેના બાંધકામમાં આગ્રાના સ્થાપત્યમાં જોવા મળતા લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તેણે ભારતના પરંપરાગત સ્થાપત્યમાંથી પ્રેરણા લીધી છે. સંસ્થાનિક (colonial) સ્થાપત્યમાં ભારતીય સ્થાપત્યને સ્થાન અને સન્માન આપવાના તેના આ વલણે, આઝાદી પૂર્વે અને પછી દેશમાં કામ કરતા બ્રિટિશ સ્થપતિઓ માટે નોંધપાત્ર પરંપરાની કેડી કંડારી આપી. ભારત દેશમાં બ્રિટિશ સાંસ્થાનિક સ્થાપત્યનું કદાચ એ સૌથી મોટું પ્રદાન છે. આ પ્રકારનાં સ્થાપત્યો બૅંગાલુરુ, સિમલા, પુણે અને અમદાવાદ જેવાં મહાનગરોમાં પણ જોવા મળે છે.

લિવરપુલમાં રોમન કૅથલિક દેવળ(1929–44)ની રચના તેનું સૌથી મોટું કામ હતું. પરંતુ આ ઇમારત સાકાર થઈ શકી નહિ, માત્ર દેવળની નીચે શબ દાટવાનું ભોંયરું (crupt) (1933–41) જ નિર્માણ પામ્યું હતું. 1918માં તેને ‘નાઇટ’ના ખિતાબથી સન્માનવામાં આવ્યો હતો.

સ્નેહલ શાહ

અનુ. થોમસ પરમાર