લચ્છુ મહારાજ (જ. 19૦1, લખનૌ; અ. 19 જુલાઈ 1972, લખનૌ) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના શ્રેષ્ઠ જ્ઞાતા તથા સમર્થ ગુરુ. મૂળ નામ વૈજનાથ. પિતાનું નામ કાલિકાપ્રસાદ, જેઓ પોતે જાણીતા તબલાનવાઝ હતા. લચ્છુ મહારાજનું બાળપણ વતન લખનૌમાં વીત્યું. કથક નૃત્યશૈલીની પ્રાથમિક તાલીમ તેમણે તેમના કાકા અને લખનૌ ઘરાનાના પ્રતિષ્ઠાપક તથા જનક બિંદાદીન મહારાજ પાસેથી પ્રાપ્ત કરી હતી, જેના માટે જન્મજાત પ્રતિભા અને સંસ્કાર ઉપરાંત તેમની પોતાની ધગશ અને પરિશ્રમ કરવાની ઉત્કટતા જવાબદાર હતી. ઉસ્તાદ ફૈયાઝખાન પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. તેમણે તેમનો કથક નૃત્યનો પહેલો જાહેર કાર્યક્રમ વતન લખનૌમાં રજૂ કર્યો હતો. બિંદાદીન મહારાજને કોઈ સંતાન ન હોવાથી તેમના અવસાન પછી તેમની સઘળી સંપત્તિ લચ્છુ મહારાજને યુવાવસ્થામાં મળી, જેના અચાનક માલિક બનવાથી લચ્છુ મહારાજના ઐહિક જીવન પર તેની માઠી અસર પડી. લચ્છુ મહારાજે ખૂબ જ અલ્પ સમયમાં તે સંપત્તિ વેડફી નાંખી હતી. આર્થિક મુશ્કેલીઓને કારણે તેમને લખનૌ છોડવું પડ્યું અને રામપુર રિયાસતના તેઓ આશ્રિત બન્યા; પરંતુ ત્યાં પણ તેઓ લાંબા સમય સુધી સ્થિર રહી શક્યા નહિ. ત્યાર પછી તેઓ હૈદરાબાદ, બીકાનેર અને અન્ય કેટલીક રિયાસતોમાં ભટકતા રહ્યા. છેવટે સ્થિરતાની શોધમાં તેઓ મુંબઈ ગયા, જ્યાં ચલચિત્રવ્યવસાયમાં તેમણે નૃત્ય-નિર્દેશક તરીકેની કારકિર્દી શરૂ કરી. આ નવા ક્ષેત્રમાં લચ્છુ મહારાજને સારી એવી સફળતા મળી અને 1949–74ના ગાળામાં તેમણે ઘણાં ચલચિત્રોનું નૃત્ય-દિગ્દર્શન કર્યું. તેમાં ‘મહલ’ (1949), ‘કાલે બાદલ’ (1951), ‘તમાશા’ (1952), ‘એક હી રાસ્તા’ (1956), ‘ઘર કી લાજ’ (196૦), ‘મુઘલે આઝમ’ (196૦), ‘મુઝે જીને દો’ (1963), ‘તીસરી કસમ’ (1966), ‘પાકીઝા’ (1971) અને ‘શિકવા’ (1974) જેવાં સફળ ચલચિત્રોનો સમાવેશ થાય છે.

લચ્છુ મહારાજના નૃત્ય-નિર્દેશન હેઠળ જે કેટલીક નૃત્યનાટિકાઓએ સફળતા મેળવી હતી તેમાં ‘માલતીમાધવ’, ‘ભારતીય કિસાન’, ‘ગૌતમ બુદ્ધ’, ‘ગાંધી કી અમર કહાની’, ‘મદ્ય-નિષેધ’, ‘આમ્રપાલી’, ‘રામકૃષ્ણલીલા’ તથા ‘ગોકુલ કી ગલી’ વિશેષ નોંધપાત્ર છે.

લચ્છુ મહારાજ ખયાલ ગાયકી, ઠૂમરી અને દાદરા જેવા શાસ્ત્રીય સંગીતપ્રકારોમાં નિપુણ હતા. તેમને શાસ્ત્રીય સંગીતની સેંકડો ચીજો કંઠસ્થ હતી. કાવ્યરચનાના ભાવોને સંગીતમય બનાવીને તેની નૃત્યના માધ્મયથી રજૂઆત કરવામાં તેઓ માહેર હતા. માત્ર તાલઠેકાના ગણિતમાં લાંબા સમય સુધી બંધાઈ રહેલી કથક નૃત્યશૈલીને તેમાંથી મુક્ત કરીને તેમણે તેમાં ભાવસંચેતનાની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું ઘણું મોટું કામ કર્યું, જે તેમનું શાસ્ત્રીય નૃત્યક્ષેત્રને મહત્વનું પ્રદાન ગણાય છે.

1957માં લચ્છુ મહારાજને સંગીતનાટક અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 1974માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

તેમના પરિવારમાં અન્ય કેટલાક ખ્યાતિપ્રાપ્ત નૃત્યકારો થયા છે, જેમાં તેમના કાકા બંદાદીન ઉપરાંત લચ્છુ મહારાજના ભાઈઓ અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ અને તેમના ભત્રીજા બિરજુ મહારાજનો સમાવેશ થાય છે.

જીવનનાં અંતિમ વર્ષોમાં તેઓ ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી સાથે સંકળાયેલા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે