લખનૌ કરાર : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે ડિસેમ્બર 1916માં લખનૌ મુકામે કરેલ સમજૂતી. આ કરાર દ્વારા રાષ્ટ્રહિત માટે કૉંગ્રેસે લીગને મનાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે કૉંગ્રેસ અલગ અને કોમી પ્રતિનિધિત્વના સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છતાં, તેણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો, એટલું જ નહિ પરંતુ 1909ના મૉર્લે-મિન્ટો સુધારામાં મુસલમાનોને જેટલી બેઠકો આપવામાં આવી હતી, તેના કરતાં પણ વધારે બેઠકો પંજાબ તથા બંગાળામાં તેમને આપવાનું સ્વીકાર્યું. વળી જે જે સ્થળોએ તેઓ લઘુમતીમાં હોય, ત્યાં તેમના હિતના રક્ષણ માટે વસ્તીના પ્રમાણમાં, તેમને વધુ બેઠકો ફાળવવાનું પણ સ્વીકાર્યું.
કૉંગ્રેસને વિશ્વાસ હતો કે આનાથી મુસ્લિમોને ખાતરી થશે કે કૉંગ્રેસ તેમના હિતની વિરુદ્ધ નથી તથા તેના ફલસ્વરૂપે તેઓ દેશની સ્વતંત્રતાની ચળવળમાં ઉત્સાહપૂર્વક સહકાર આપશે, તથા તેને લીધે બ્રિટિશ સરકાર ઉપર પણ જવાબદાર રાજ્યતંત્ર આપવા વાસ્તે દબાણ લાવી શકાશે; પરંતુ તેની આ શ્રદ્ધા ફળીભૂત થઈ નહિ અને અંગ્રેજ સરકારે આ કરારને લક્ષમાં રાખીને, ભવિષ્યમાં કોમવાદને ઉઘાડે છોગે ઉત્તેજન આપ્યું. આને લીધે જ સરકારે 1919ના બંધારણીય સુધારામાં કોમી બેઠકો વધારે ફાળવી.
લખનૌ કરારમાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે બ્રિટિશ સરકાર સમક્ષ કરેલ માગણીઓમાં જવાબદાર રાજ્યતંત્ર ઉપરાંત પ્રાંતિક સ્વરાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્ય સહિત શાહી યુદ્ધોનું ખર્ચ ભારતની તિજોરીને બદલે બ્રિટિશ તિજોરીમાંથી લેવું, સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં સમાનતા એટલે કે રંગભેદ અને જાતિભેદનો વિરોધ અને લશ્કરમાં ભારતીયોને કમિશન આપવાનો સમાવેશ થતો હતો. તેથી સરકારે પણ ભારતના રાજ્યવહીવટ વિશેના પોતાના ધ્યેયની જાહેરાત કરવી પડી હતી. આ કરારના ફલસ્વરૂપે કૉંગ્રેસે ખિલાફત ચળવળને તથા મુસ્લિમ લીગે કૉંગ્રેસની અસહકારની ચળવળ(1920–22)ને સમર્થન આપ્યું હતું.
જયકુમાર ર. શુક્લ