લખનૌ (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 10´ ઉ. અ. અને 80° 34´ થી 81° 12´ પૂ. રે. વચ્ચેનો 2,528 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની ઉત્તર તરફ સીતાપુર, પૂર્વ તરફ બારાબંકી, દક્ષિણ તરફ રાયબરેલી, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ઉન્નાવ તથા વાયવ્ય તરફ હરદોઈ જિલ્લા આવેલા છે. જિલ્લામથક લખનૌ જિલ્લાની મધ્યમાં આવેલું છે તથા તે રાજ્યનું પાટનગર પણ છે.

ભૂપૃષ્ઠ–વનસ્પતિ–જળપરિવાહ : આ જિલ્લો સિંધુ-ગંગાના મેદાનનો એક ભાગ છે અને તેનું ભૂપૃષ્ઠ ગંગા અને ઘાઘરા નદીઓ વચ્ચેના સમતળ ભાગને આવરી લે છે. જિલ્લાના ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. નદીકાંઠાના ભાગો ઊંડાં કોતરો રચાવાથી ખંડિત બનેલા છે.

મલીહાબાદ અને મોહનલાલગંજ તાલુકાઓની ઊસવાળી ભૂમિમાં ખાખરાનાં જંગલો તેમજ ગોમતી નદીકાંઠે ગાઢાં જંગલો આવેલાં છે. લખનૌ રાજ્યનું પાટનગર હોવાથી શહેરીકરણ થવાની સાથે જંગલોનો ઠીક ઠીક વિસ્તાર સાફ થઈ ગયો છે. હવે કુલ વિસ્તારનો માત્ર 3.78 % ભાગ જંગલ-આચ્છાદિત રહ્યો છે અને તેમાં પણ મોટો ભાગ ખાખરાનાં જંગલોવાળો છે. આંબા, જામફળી, ઔનલા (aonla), જાંબુડી, લીંબુડી, ખજૂરી, બાવળ, અશોક, વાંસ, વડ, ગૂલર (ઉમરડો), પલાશ, ખાખરો, સીસમ, મહુડા, લીમડા અને પીપળાનાં વૃક્ષો વિશેષ જોવા મળે છે. લખનૌનો વિસ્તાર વાડીઓ અને ઝાડનાં ઝુંડ માટે વર્ષોથી જાણીતો છે. વિશેષે કરીને અહીંની દશેરી કેરીઓ માત્ર દેશમાં જ નહિ, દુનિયાભરમાં પણ મશહૂર છે.

ગોમતી અહીંની મુખ્ય નદી છે. તે ઉત્તર તરફથી પ્રવેશીને લખનૌ નજીકથી પસાર થાય છે અને જિલ્લાના અગ્નિભાગ તરફ વહે છે. અકરાદી, ઝિલિંગી, બેહતા અને લોણી તેની જમણા કાંઠાની જ્યારે કુકરેલ અને રથ તેની ડાબા કાંઠાની સહાયક નદીઓ છે. જિલ્લાની નૈર્ઋત્ય બાજુએથી સાઈ નદી પ્રવેશે છે, પરંતુ ગોમતી કરતાં તેનો પટ છીછરા પાણીવાળો છે.

ખેતી–પશુપાલન : જિલ્લાની કુલ ભૂમિનો 62.5 % ભાગ ખેડાણ હેઠળ હોવા છતાં શહેરીકરણમાં વૃદ્ધિ થતી રહેતી હોવાથી ખેતીની જમીનો ઘટતી જાય છે. રાજ્યમાં લખનૌ જ એકમાત્ર એવો જિલ્લો છે, જેની 50 % વસ્તી શહેરી છે. આ સંજોગો હોવા છતાં સુધારેલાં બિયારણ, ખાતરો અને ઓજારો તેમજ તક્નીકોનું આધુનિકીકરણ થયું હોવાથી કૃષિપાકોનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ખાદ્યાન્નનું ઉત્પાદન ઘટ્યું છે.

લખનૌ જિલ્લો

જિલ્લામાં ખરીફ અને રવી બંને પાકો લેવાય છે. ડાંગર અને ઘઉં જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. લખનૌ વર્ષોથી તેનાં ફૂલો અને ફળો માટે ખ્યાતનામ છે. આ કારણથી જ લખનૌ શહેરને ‘બાગોનું શહેર’ કહેવાય છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ આંબાની વાડીઓ તરફનો ઝોક વધતો ગયેલો છે. મલીહાબાદથી લખનૌ સુધીનો 20 કિમી. લાંબો પટ્ટો દશેરી કેરીના ઉત્પાદન માટે જમીન અને આબોહવાની દૃષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે. આ ઉપરાંત અહીં બટાટા, મગફળી, ચણા, તુવેર અને અન્ય કઠોળ પણ થાય છે. ગાય, ભેંસ અને બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગ–વેપાર : ભારત સ્વતંત્ર થયા અગાઉ આ જિલ્લો ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત હતો. ત્યારે અહીં માત્ર એક સુતરાઉ કાપડની મિલ, કાગળની મિલ અને કેટલાક નાના પાયા પરના કુટિર-ઉદ્યોગો અસ્તિત્વ ધરાવતા હતા. અવધના નવાબના દાન-પ્રોત્સાહનથી ગૃહઉદ્યોગો ચાલતા હતા. ગૂંથેલી દોરીઓ, સોના-ચાંદીના તારનું ભરતકામ, ચિકનકામ, સુગંધી દ્રવ્યો, પગરખાં, રંગદ્રવ્યો અને વિરંજકો, હાથીદાંત અને ગોટાકામ જેવા કુટિર-ઉદ્યોગોનું ત્યારે અસ્તિત્વ હતું. ઉદ્યોગોનો વિકાસ સ્વતંત્રતા બાદ થતો ગયો છે. અહીં સ્કૂટર ઇન્ડિયા લિ., કાગળની મિલ, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિ., મદ્ય (દારૂ) ઉદ્યોગ, યુ.પી. ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિ., અમૌસી ટેક્સટાઇલ્સ લિ. જેવા મહત્વના ઉદ્યોગો ચાલે છે. આ ઉપરાંત જિલ્લામાં અંદાજે 1,000 જેટલા કુટિર-ઉદ્યોગો પણ વિકસ્યા છે, તેમાં ચિકન ભરતકામ, કલાત્મક માટીકામ, રમકડાંનો સમાવેશ થાય છે. બૅંકો ઉપરાંત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બૉર્ડ પણ નાના પાયાના ઉદ્યોગોને વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. લખનૌનાં અત્તરો (ગુલાબ, હિના, જસ્મીન, બેલા) બનાવવાના એકમો ખૂબ જાણીતા છે. લખનૌ રાજ્યનું પાટનગર હોવાથી તેમજ વાહનવ્યવહારની અને નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી જિલ્લા માટે ઔદ્યોગિક તકો ઊભી છે.

જિલ્લાની નિકાસી ચીજવસ્તુઓમાં સ્કૂટર, ચિકન, અફીણ, ચોખા, બટાટા અને કેરી તથા આયાતી ચીજોમાં ખાંડ, ખાદ્યાન્ન, દવાઓ અને ભારે ઇજનેરી સાધનોનો સમાવેશ થાય છે.

પરિવહન : લખનૌ રાજ્યનું પાટનગર હોવાથી તે રાજ્યના જિલ્લાઓ તેમજ દેશનાં ઘણાં શહેરો સાથે રેલ અને સડકમાર્ગોથી સંકળાયેલું છે. જિલ્લામાં 115 કિમી.ના બ્રૉડગેજ તથા 71 કિમી.ના મીટરગેજ રેલમાર્ગો આવેલા છે. સડકમાર્ગોની કુલ લંબાઈ 557 કિમી. છે, તે પૈકી 80 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 119 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો, 242 કિમી.ના જિલ્લા માર્ગો તથા 61 કિમી.ના ગ્રામમાર્ગો આવેલા છે. પ્રત્યેક એક હજાર ચોકિમી.દીઠ અહીં સરેરાશ 264 કિમી.ના માર્ગોની સુવિધા છે. લખનૌનાં ચારબાગ અને કૈસરબાગ બસમથકો પરથી રાજ્ય-પરિવહનની બસો રાજ્યમાં તથા દેશમાં અવરજવર કરતી રહે છે. આ ઉપરાંત ખાનગી વાહનોની સેવાઓ પણ ઉપલબ્ધ છે. જિલ્લામાં બક્ષી કા તાલાબ અને અમૌસી ખાતે બે હવાઈ મથકો આવેલાં છે. તે પૈકી હમણાં માત્ર અમૌસી ખાતેનું હવાઈ મથક જ કાર્યરત છે.

પ્રવાસન : આ જિલ્લામાં પ્રવાસ-યોગ્ય ઐતિહાસિક, ધાર્મિક અને નૈસર્ગિક સૌંદર્ય દર્શાવતાં ઘણાં સ્થળો આવેલાં છે. લખનૌ શહેર ખાતે નજીકના ભૂતકાળની ઐતિહાસિક, પુરાતત્વીય, સ્થાપત્યની ભવ્યતાની યાદ અપાવતી ઇમારતો અને મકબરાઓ આવેલાં છે. તે પૈકીનાં મહત્વનાં સ્થળો આ પ્રમાણે છે :

(1) હુસૈનાબાદ ઇમામવાડો : છોટા ઇમામવાડા તરીકે ઓળખાતું આ સ્થાનક મોહમ્મદ અલીશાહે 1829માં બંધાવેલું. તેનું સુંદર સ્થાપત્ય અને મોટો ઘુમ્મટ વિશેષ ઉલ્લેખનીય છે.

(2) અસફી ઇમામવાડો : મોટા ઇમામવાડા તરીકે ઓળખાતું આ સ્થાનક નવાબ અસફુદ્દૌલાએ 1784માં બંધાવેલું. આ ઇમારતમાંની કબર કદાચ આખી દુનિયામાં મોટામાં મોટી છે. આ ઇમારતને ત્રણ મજલા છે, તેમાં પહેલા અને ત્રીજા મજલા વચ્ચે છૂપો માર્ગ છે, જે પ્રવાસીઓને આકર્ષવા માટે ‘ભૂલભુલૈયા’ (ભુલભુલામણી) નામથી જાણીતો બનેલો છે. આ ઉપરાંત તેનો મધ્યસ્થ ખંડ મોટો છે. તેની લંબાઈ આશરે 49 મીટર, પહોળાઈ 16 મીટર અને ઊંચાઈ 15 મીટર છે. આ ખંડનાં બે વિશિષ્ટ સ્થાપત્ય-લક્ષણો પણ છે : (i) તેની છતમાં લોખંડ કે લાકડું વપરાયેલું નથી તેમજ (ii) આટલા વિશાળ ખંડને આધાર માટે જરૂરી થાંભલા પણ નથી.

(3) ચિત્રકલા દીર્ઘા : નાના-મોટા ઇમામવાડાઓની વચ્ચેના ભાગમાં તેમજ આશરે 70 મીટર ઊંચા ઘંટાઘર નજીક બે મજલાવાળી લાલરંગી ઇમારત છે. આ દીર્ઘાનું મુખ્ય આકર્ષણ તો છે તેમાંનાં અવધના નવાબોનાં પૂર્ણ કદનાં રંગીન ચિત્રો.

(4) રૂમી દરવાજા : આસિફી ઇમામવાડાની પશ્ચિમ બાજુએ નવાબ અસફુદ્દૌલાએ બંધાવેલો આ 18 મીટર ઊંચો દરવાજો આવેલો છે.

(5) બ્રિટિશ નિવાસી સ્થળ : આ ઇમારત બ્રિટિશ રેસિડન્ટે 1800ની સાલમાં નિવાસી સ્થળ તરીકે બંધાવેલી. 1857ના બળવા દરમિયાન આ ઇમારત ભયંકર લડાઈનું સ્થળ બનેલી. આજે જોવા મળતાં તેનાં ખંડિયેર પરનાં બંદૂકોની ગોળીઓનાં નિશાનો ત્યારના બળવાની યાદ અપાવે છે. આજે અહીં સુંદર બાગ વિકસાવાયો છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે.

(6) શહીદ સ્મારક : ગોમતી નદીના જમણા કાંઠા પર આવેલો શ્વેત આરસનો બનાવેલો શહીદસ્તંભ. દેશની સ્વતંત્રતા માટે ખપી જનાર શહીદોની યાદમાં લખનૌના નાગરિકોએ આ સ્તંભનું નિર્માણ કરેલું છે. સ્તંભની એક બાજુએ ગોમતી નદી વહે છે, જ્યારે બાકીના ભાગમાં સુંદર બગીચો વીંટળાયેલો છે.

(7) બનારસી બાગ (પ્રાણીસંગ્રહાલય) : 1922માં પ્રિન્સ ઑવ્ વેલ્સે ભારતની મુલાકાત લીધેલી ત્યારે આ પ્રાણીસંગ્રહાલય સ્થપાયેલું. આ સંગ્રહાલયમાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ છે. વળી તે બગીચાઓથી ઘેરાયેલું છે.

(8) બક્ષી કા તાલાબ : લખનૌથી સીતાપુર જવાના માર્ગ પર 13 કિમી. અંતરે તે આવેલું છે. બક્ષી તિપુરચાંદે તે બંધાવેલું. તળાવને ફરતે બધી બાજુએ પગથિયાં છે તથા ચાર ખૂણે ચાર ટાવર ઊભા કરેલા છે. આ તળાવના ભગ્નાવશેષોને સરકારે જાળવી રાખેલા છે.

(9) ચીનહાટ : લખનૌથી આશરે 10 કિમી. અંતરે ફૈઝાબાદ જતા માર્ગ પર આ સ્થાન આવેલું છે. 1857ના બળવાની લડાઈ અહીં થયેલી. અહીંથી બ્રિટિશ દળોને પીછેહઠ કરવી પડેલી. આજે અહીં માટીકામના, ચિકન-ભરતકામના તથા માટીનાં રમકડાં બનાવવાના ઘણા કુટિરઉદ્યોગો કાર્યરત છે.

(10) કુકટેલ ઉજાણીગૃહ : લખનૌથી આશરે 15 કિમી.ને અંતરે આ ઉજાણીગૃહ વિકસાવાયું છે. અહીં સુંદર બગીચા, વિશ્રામગૃહ, કૉફીઘર, મૃગવિહાર તથા મગરો માટે વિશાળ બંધિયાર વિભાગ આવેલાં છે.

બડા ઇમામવાડા, લખનૌ

આ ઉપરાંત અહીં જિલ્લામાં છત્ત, મંજિલ, રવીન્દ્રાલય, કાઉન્સિલ-હાઉસ, બેગમ હજરત મહેલ પાર્ક, કૈસરબાગ, સફેદ બારાદરી અને લાલ બારાદરી તથા સંગ્રહાલય જેવાં જોવાલાયક સ્થળો પણ છે. વળી જિલ્લામાં હજરતગંજ અને અમીનાબાદ જેવાં બજાર તેમજ ઐશબાગનું ઔદ્યોગિક સંકુલ પણ છે.

જિલ્લાનાં જુદાં જુદાં મથકોએ વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 36,81,416 છે. તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે તથા ગ્રામીણ વસ્તી 40 % અને શહેરી વસ્તી 60 % છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ, ખ્રિસ્તીઓ-શીખોની વસ્તી મધ્યમ અને જૈનો-બૌદ્ધોની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી, બંગાળી, પંજાબી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. જિલ્લામાં લખનૌ યુનિવર્સિટી, ત્રણ તબીબી કૉલેજો, રાજ્ય આયુર્વેદિક કૉલેજ, ભાતખંડે સંગીત વિદ્યાલય જેવી કંઠ્ય અને વાદ્ય સંગીતની સંસ્થાઓ આવેલી છે. અહીં લખનૌ ખાતે આવેલી ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીને મધ્યસ્થ યુનિવર્સિટીમાં ફેરવવાની યોજના છે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લામાં 32 ઍલૉપથીનાં દવાખાનાં, એક આયુર્વેદિક હૉસ્પિટલ, 77 ચિકિત્સાલયો, 109 પ્રસૂતિગૃહો અને બાળકલ્યાણ-કેન્દ્રો આવેલાં છે. જિલ્લામાંથી આઠ જેટલાં દૈનિક પત્રો નીકળે છે. એક આકાશવાણી કેન્દ્ર તથા દૂરદર્શન કેન્દ્ર અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર ચાલે છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને ત્રણ તાલુકાઓમાં, 8 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. આ જિલ્લામાં 9 નગરો અને 834 (10 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આજનું ઉત્તરપ્રદેશનું પાટનગર લખનૌ અગાઉના વખતમાં કોશલ સામ્રાજ્યનો ભાગ હતું. તે ઘણા જૂના વખતથી કલા, સાહિત્ય અને વિદ્યાનું ધામ રહ્યું છે. લોકવાયકા મુજબ, લખનૌનું નામ લક્ષ્મણ પરથી પડેલું છે. લખનૌની વાયવ્યમાં આવેલો લક્ષ્મણ ટીલા નામનો ટેકરો આ લોકવાયકાની સાક્ષી પૂરે છે.

લખનૌનો પોતાનો એક ભવ્ય ઇતિહાસ છે. આજે પણ તે હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય ધરાવે છે. અયોધ્યાના સૂર્યવંશી શાસકોના પતન બાદ, અવધનો આખો પ્રદેશ અંધાધૂંધીમાં હતો. અહીંના મોટાભાગના લોકો ધાર્મિક હતા અને સેવાપૂજાનાં કાર્યોમાં રોકાયેલા રહેતા હતા. આ ગાળામાં કોઈ વ્યવસ્થિત નેતાગીરી ન હતી; તેથી અવધપ્રદેશને માગધીઓ, કુશાણો, ગુર્જરો, પ્રતીહારો, ભાર અને પાસીઓની પ્રજા તરીકે રહેવું પડતું હતું. વાસ્તવમાં તે વખતે આખોય પ્રદેશ નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયો હતો અને રજપૂતોના જુદા જુદા વંશો દ્વારા અહીં શાસન થતું હતું.

અગિયારમી સદી પહેલાં મુઘલોએ અવધના પ્રદેશોમાં પ્રવેશ કરવા પ્રયાસ કરેલો. તેરમી સદીમાં મુઘલોએ અહીં પ્રભુત્વ સ્થાપ્યું હતું. જ્યાં આજે લખનૌ આવેલું છે ત્યાં આ ગાળામાં મુસલમાનોએ એક કિલ્લો બાંધેલો. પંદરમી સદીમાં શેખ અબ્દુલ હુસેને આ વિસ્તાર પર પોતાની સત્તા સ્થાપી. 1526માં બાબરે લખનૌ પર વિજય મેળવ્યો. અકબરના વખત(1590)માં આ શહેર અવધ પ્રાંતનું મુખ્ય શહેર બન્યું. 1775માં તે અસફુદ્દૌલાને હસ્તક આવ્યું. તે સમયે ફૈઝાબાદ અવધનું પાટનગર હતું, પરંતુ તે પછી લખનૌ પાટનગર તરીકે જાહેર થયું. 1784માં આ શહેરમાં વિશાળ ઇમામવાડો બાંધવામાં આવ્યો. વળી રૂમી દરવાજાનું નિર્માણ પણ તે સમયગાળામાં જ થયું. આ શાસકોએ મુઘલ અને યુરોપીય મિશ્ર સ્થાપત્યશૈલીવાળા ભવ્ય મહેલો અને મસ્જિદોનું નિર્માણ કર્યું. 1856માં લખનૌ વિસ્તાર બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ બની રહ્યો. 1857માં જ્યાં બળવો થયેલો તે સ્થળે તેની યાદગીરી રૂપે સ્મારક રચવામાં આવ્યું છે. 1857માં જ્યારે બળવો ફાટી નીકળ્યો ત્યારે તેનું પતન થયું અને બ્રિટિશ કમિશનર હેન્રી લૉરેન્સને તેનો હવાલો અપાયો. બ્રિટિશરોએ ત્યાંના જમીનદારો અને મુસ્લિમ લીગનો સાથ મેળવીને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સામે પોતાની લડત માટે લખનૌ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1947માં ભારત સ્વતંત્ર થયા પછી લખનૌ ઝડપથી વિકસતું ગયું છે. ભારત સ્વતંત્ર થયા પછી થયેલી રાજ્યપુનર્રચના સમયે તેમજ આજે પણ લખનૌનો પાટનગર તરીકેનો દરજ્જો જળવાઈ રહ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી