લખપત : કચ્છ જિલ્લાનો તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 23° 20´થી 23° 45´ ઉ. અ. અને 68° 20´થી 69° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1945 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. લખપત કોરી ખાડીના છેક ઉત્તર છેડે આવેલું છે. સિંધુ નદીનો એક ફાંટો ત્યાં ખાડી રૂપે હતો. અગાઉના વખતમાં તે એક સમૃદ્ધ બંદર હોવાને કારણે તેની આવક સારી હતી, લાખ કોરીની તેની પત (પ્રતિષ્ઠા) હતી, તેથી ‘લખપત’ નામ પડ્યું હોવાનું મનાય છે. બીજું મંતવ્ય એવું પણ છે કે કચ્છના રાવ લાખાજીએ (1741–1760) તે વસાવ્યું હતું. તેમનું નામ આ ગામ સાથે જોડાયું હોવાનું પણ મનાય છે. દયાપર તેનું તાલુકામથક છે.

લખપત તાલુકાની જમીન રેતાળ અને ઓછી ફળદ્રૂપ છે. માતાના મઢની આજુબાજુનો ભાગ નાની ટેકરીઓવાળો છે. બાકીનો વિસ્તાર લગભગ સમતળ છે. અહીંનું તાપમાન વિષમ રહે છે. મે માસ દરમિયાન અહીંનું દિવસનું મહત્તમ તાપમાન 40°થી 42° સે. જેટલું  (ક્યારેક 44° સે. પણ) રહે છે, જ્યારે રાત્રિનું સરેરાશ તાપમાન 20° સે. રહે છે. જાન્યુઆરી માસ દરમિયાન દિવસ અને રાત્રિનાં તાપમાન અનુક્રમે 23° સે. અને 7° સે. જેટલાં રહે છે. વરસાદનું પ્રમાણ અહીં ઘણું જ અનિયમિત છે. દુકાળનાં વરસો વધુ હોય છે. જુલાઈ માસમાં કચ્છમાં પડતા વરસાદના 50 % જેટલો વરસાદ અહીં પડે છે. 1987માં અહીં 403 મિમી. અને 1990માં 138 મિમી. વરસાદ પડેલો.

લખપત તાલુકામાં કાળી (45 કિમી.), ઘોડાવડ (42 કિમી.) અને નારા (30 કિમી.) નદીઓ આવેલી છે. મઢની ટેકરીઓમાંથી નીકળતી કાળી નદી પર સનાધ્રા પાસે બંધ છે. આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.

લખપત તાલુકામાં 60થી 66 હજાર હેક્ટર જમીનમાં બાવળ, ગાંડો બાવળ, થોર, ગૂગળી વગેરે કાંટાળાં વૃક્ષો જોવા મળે છે. અહીં કોલસા પાડવાનું કામ થોડા પ્રમાણમાં જોવા મળે છે.

લખપત તાલુકામાં પાલતુ પશુઓમાં થરી ઓલાદની ગાયો, બળદો, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ગધેડાં અને ઊંટનો તથા જંગલી પ્રાણીઓમાં શિયાળ, વરુનો સમાવેશ થાય છે.

સમગ્ર તાલુકામાં ઘઉં, જુવાર, બાજરી અને મગનું વાવેતર થાય છે. મગફળી, તલ અને એરંડા અહીંના અખાદ્ય રોકડિયા કૃષિપાકો છે. ઘાસ પણ ઊગી નીકળે છે. સિંધુ નદીનો એક ફાંટો પશ્ચિમ તરફ ફંટાઈ જવાથી તે ભાગ હવે વેરાન બની ગયેલો છે.

તાલુકાની કુલ વસ્તી 36,759 (1991) જેટલી છે, સ્ત્રીઓ અને પુરુષોનું સંખ્યાપ્રમાણ લગભગ સમાન છે. તાલુકામાં 100 જેટલાં ગામો છે, તે પૈકી 16 જેટલાં વસ્તીવિહીન છે. આ તાલુકાના લોકો ખેતી, પશુપાલન, ગૃહઉદ્યોગ, વેપાર, વાહન-વ્યવહાર, ખાણ-ઉદ્યોગ જેવા વ્યવસાયોમાં કામ કરે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉમરસર, પાનન્ધ્રો અને લેફરી ખાતે લિગ્નાઇટની ખાણો છે. રેતીખડકો, ચૂનાખડકો, રેતી અને માટી અન્ય ભૂસ્તરીય પેદાશો છે. પાનન્ધ્રો ખાતે લિગ્નાઇટ-આધારિત વીજમથક સ્થાપવામાં આવેલું છે. તાલુકામાં આશરે 60 જેટલી પ્રાથમિક શાળાઓ અને બે માધ્યમિક શાળાઓની સગવડ છે.

લખપત : લખપત ગામ લખપત તાલુકાનું મુખ્યમથક અને વાણિજ્ય-કેન્દ્ર છે. તે જિલ્લામથક ભુજથી 140 કિમી.ને અંતરે આવેલું છે. રાજ્ય પરિવહન બસ-સેવા દ્વારા તે ભુજ તેમજ કચ્છનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે. લખપતથી કંટાર ધોરી માર્ગ શરૂ થાય છે.

1819 અગાઉ તેની વસ્તી 15,000 જેટલી હતી. ભૂમિ અને જળમાર્ગે મારવાડ અને સિંધ સાથે તેનો ધીકતો વેપાર ચાલતો હતો. 1819ના ભૂકંપને કારણે સિંધુ નદીનો જે ફાંટો અહીં વહેતો હતો, તે પશ્ચિમ તરફ ફંટાઈ જતાં બંદર તરીકેનું તેનું મહત્વ ઘટી ગયું. 1826માં તેની વસ્તી ઘટીને 6,000 થઈ ગયેલી. 1851 સુધીમાં તેનું વેપારી મહત્વ પણ ઘટી ગયું. 1971માં તેની વસ્તી માત્ર 540 જેટલી જ હતી. પાનન્ધ્રો લિગ્નાઇટ મથક વિકસવાથી લખપત થોડા પ્રમાણમાં વિકસ્યું છે અને વસ્તી પણ થોડીક વધી છે. ભૂકંપને કારણે 2001ની વસ્તીગણતરી થઈ શકી નથી.

લખપતમાં બે પ્રાથમિક શાળાઓ અને એક પુસ્તકાલય છે. અહીં આવેલો લખપતનો ભવ્ય કિલ્લો ઊંચી ધિંગી દીવાલ અને બુરજો ધરાવે છે. અઢારમી સદીના અંતભાગ વખતે ફતેહમહમદ જમાદારે આ કિલ્લાની દીવાલ વધારી હતી. કિલ્લાની અંદરના ભાગમાં ત્રણ તળાવો છે. દૈવી શક્તિ ધરાવતા સૈયદ ઘોસમહમદની કબર અહીં આવેલી છે. કાળા પથ્થરની આ કબર અષ્ટકોણાકાર છે. તેની ચાર બાજુઓએ દરવાજા છે, દરવાજાઓ પર કમાનો છે અને તેની દીવાલો કોતરણીવાળી છે, વળી તેની ઉપર કુરાનની આયાતો ઉપરાંત પુષ્પો અને વેલનાં શિલ્પો પણ છે. અહીં શીખોનું ગુરુદ્વારા છે. તે લખપત-પંજાબનો વેપારી સંબંધ સૂચવે છે. શીખોના ગુરુ નાનકે લખપતની મુલાકાત લીધી હતી. અહીં હિંદુઓનાં દેવ-દેવીઓનાં મંદિરો, મસ્જિદ અને અન્ય ધાર્મિક સ્થળો પણ છે.

શિવપ્રસાદ રાજગોર