લખનવી, આરઝૂ (જ. 16 ફેબ્રુઆરી 1873;  અ. 16 એપ્રિલ 1951, કરાંચી) :  જાણીતા ઉર્દૂ કવિ. તેમણે ગઝલ તથા ગીત-રચનામાં નવી ભાત પાડી હતી. તેઓ ઉર્દૂના પ્રથમ કવિ હતા, જેમણે ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. તેમનું મૂળ નામ સૈયદ અનવારહુસેન હતું. તેમના પિતામહ સૈયદ જાન અલીખાન પોતાના પિતા મીર શિહામ અલીખાન સાથે, તે વખતના ઈરાનની સંસ્કારનગરી હિરાતથી સ્થળાંતર કરીને ઔરંગઝેબના શાસનકાળમાં ભારત આવ્યા હતા. તેમનું કુટુંબ પહેલાં અજમેરમાં અને પછી લખનૌમાં સ્થાયી થયું હતું. આરઝૂના પિતા ઝાકિરહુસેન યાસ પણ નીવડેલા કવિ હતા તેથી લખનૌના સાહિત્યિક વાતાવરણમાં સૈયદ અનવરહુસેને પણ નાનપણથી કવિસંમેલન-મુશાયરામાં ભાગ લઈ કવિતા લખવાની શરૂઆત કરી હતી. તેઓ લખનૌના પ્રખ્યાત કવિ જલાલ લખનવીના શાગિર્દ બન્યા હતા અને ઉસ્તાદ જલાલના અવસાન બાદ 1910માં તેમને કવિઓના ઉસ્તાદપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ઉર્દૂમાં દ્વિઅર્થી કાવ્ય-રચના(ઇહામ)નું વ્યાપક ચલણ હતું ત્યારે આરઝૂએ તેનો તથા અન્ય લખનવી પરંપરાઓનો ત્યાગ કરવાની પહેલ કરી હતી. તેમણે ઉર્દૂ કવિતાને સાચી ઊર્મિઓ અને સરળ અભિવ્યક્તિથી શણગારી હતી. તે વખતે લખનૌમાં ખુશમિજાજ અને જિંદાદિલ કવિઓ હતા અને તેમની કવિતામાં સમાજની સાચી પરિસ્થિતિનું પ્રતિબિંબ પડતું ન હતું. આરઝૂએ નિરાશા, હતાશા અને દુ:ખની સામાન્ય લાગણીઓને એવી સચોટ રીતે રજૂ કરી કે તેમની કેટલીક કાવ્યપંક્તિઓ અમર બની ગઈ છે.

તેમની કવિતા, લખનવી રંગથી જુદા પ્રકારની છે અને તેમાં મીર તકી મીર તથા મિર્ઝા ગાલિબની કવિતાનાં દર્દ, નિરાશા વગેરે જેવી લાગણીઓ જોવા મળે છે. આરઝૂ કવિ ઉપરાંત વિવેચક પણ હતા. પોતાના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનામાં તેમણે શબ્દ તથા સંગીત જેવા વિષયોની તલસ્પર્શી ચર્ચા કરી છે. તેઓ શબ્દના પ્રભાવને બદલે વિષયના પ્રભાવને અસરકારક હોવાનું સમજતા હતા. તેઓ શબ્દોમાંથી વહેતા સંગીતને બદલે વિવિધ શબ્દોમાંથી વહેતા સામૂહિક સૂરને પ્રાધાન્ય આપતા હતા. તેમના આ વિચારો ખુદ તેમનાં ગીતોમાં અને ઉર્દૂના આધુનિક કવિઓની રચનાઓમાં પણ વધુ સ્વીકૃત બન્યા હતા. આરઝૂએ છંદની જેમ કવિતામાં  પ્રાસની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. તેથી જ તેઓ ગીતની તુલનામાં પ્રાસમય ગઝલને વધુ મહત્ત્વ આપતા હતા. એક ગીતમાં તેમણે ગઝલનું મહત્ત્વ સમજાવ્યું છે.

ઉર્દૂ કવિ અને વિવેચક હાલીએ ગઝલ-પ્રકારની કવિતાની સખત શબ્દોમાં ટીકા કરી હતી, તેની ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું અને સ્વતંત્ર કવિતાનો પક્ષ લીધો હતો. ત્યારે એમ લાગતું હતું કે ગઝલનું અસ્તિત્વ નહિ રહે. એ વખતે આરઝૂએ ગઝલનો પક્ષ લીધો, ઉચ્ચ પ્રકારની કવિતા ગઝલ-પ્રકારમાં રચી અને ગઝલને ટકાવી રાખવામાં મહત્વનું પ્રદાન કર્યું. ઉર્દૂ ભાષા, તેના શબ્દ-ભંડોળ અને વ્યાકરણ સંબંધી આરઝૂનો અભિપ્રાય એવો હતો કે તે હિન્દી ભાષા ઉપર આધારિત છે. જોકે તેમના સમકાલીનોએ આનો વિરોધ પણ કર્યો હતો, છતાં આરઝૂએ ભાષા સંબંધી પોતાની માન્યતા અનુરૂપ કવિતા લખીને ‘સુરીલી બાંસરી’ નામે સંગ્રહમાં પ્રગટ કરી હતી.

આરઝૂ સીધાસાદા અને નેકદિલ ઇન્સાન હતા. દુન્યવી માયાજાળ અને અન્ય પ્રપંચોથી હમેશાં  દૂર રહેતા હતા. તેના કારણે તેમણે ઘણું વેઠવું પણ પડ્યું હતું. તેઓ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા કોલકાતા ગયા, જ્યાં ન્યૂ થિયેટર્સ કંપનીમાં ગીતો લખવાનું કામ કર્યું. પાછળથી તેઓ મુંબઈ જઈને પણ રહ્યા હતા. આરઝૂ કવિ ઉપરાંત સંગીતના પણ જાણકાર હતા. તેઓ પોતાની ગઝલોની કર્ણપ્રિય તરજ બનાવતા અને શ્રોતાઓને સંભળાવતા હતા. તેઓ 1951માં એક કવિસંમેલનમાં ભાગ લેવા કરાંચી ગયા હતા, ત્યારે હૃદયરોગના હુમલાનો ભોગ બની ત્યાં જ અવસાન પામ્યા હતા. તેમના કાવ્યસંગ્રહોમાં (1) ‘ફુગાને આરઝૂ’ (2) ‘જાને આરઝૂ’ અને (3) ‘સુરીલી બાંસરી’નો સમાવેશ થાય છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી