લક્ઝમ્બર્ગ (દેશ)

January, 2004

લક્ઝમ્બર્ગ (દેશ) : યુરોપનો જૂનામાં જૂનો ગણાતો અને ઓછો વિસ્તાર ધરાવતો નાનો દેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 49° 25´થી 50° 15´ ઉ. અ. અને 5° 45´થી 6° 30´ પૂ. રે. વચ્ચેનો 2,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 89 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 56 કિમી. છે. તે વાયવ્ય યુરોપમાં જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમની સરહદોની વચ્ચે આવેલો છે. દેશની દક્ષિણમાં મોસેલ નદી પર આવેલું લક્ઝમ્બર્ગ શહેર તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠ : લક્ઝમ્બર્ગને બે સ્પષ્ટ ભૂમિ-વિસ્તારોમાં વહેંચી શકાય છે : (i) આર્ડેન્સ અને (ii) બૉન પેઝ (= સારી ભૂમિ). આર્ડેન્સ એ પર્વત સંકુલનો એક ભાગ છે. તેના પર્વતો જર્મનીના રહાઇન પ્રદેશથી બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગમાં વિસ્તરેલા છે. ત્યાંની નદીખીણો નીચી ટેકરીઓને વીંધીને પસાર થાય છે. આર્ડેન્સમાં આવેલું લક્ઝમ્બર્ગનું સર્વોચ્ચ શિખર (559 મીટર) બર્ગપ્લૅટ્ઝ (Buurgplatz) છે. આર્ડેન્સ લક્ઝમ્બર્ગનો ઉત્તર તરફનો 2 ભાગ આવરી લે છે. બૉન પેઝ બાકીના B ભાગમાં પથરાયેલો છે. તેનો મોટો ભાગ ટેકરાળ છે, જ્યારે નદીઓના પટના અને નજીકના ભાગો સમતળ છે. કૃષિવિસ્તારો આ વિભાગમાં આવેલા છે. મોસેલ, સૂરે (Sure), ઍટરેટ અને આલ્ઝેટ નદીઓ આ વિસ્તારમાં થઈને વહે છે. અહીં ગીચ જંગલનો વિસ્તાર આર્ડેન્સના ઉત્તર ભાગમાં આવેલો છે.

લક્ઝમ્બર્ગની આબોહવા ઠંડી તેમજ ભેજવાળી રહે છે. લક્ઝમ્બર્ગ શહેરનું જાન્યુઆરી અને જુલાઈનું તાપમાન અનુક્રમે સરેરાશ 0° સે. અને 17° સે. જેટલું રહે છે. દેશના નૈર્ઋત્ય ભાગમાં સરેરાશ વાર્ષિક વરસાદ 1,000 મિમી. અને અગ્નિ ભાગમાં 300થી 410 મિમી. જેટલો પડે છે. હિમવર્ષા, માત્ર આર્ડેન્સના ઊંચા ભાગો પર જ થાય છે. પહાડો, નદીખીણો, નદીઓ વગેરે જેવાં ભૂપૃષ્ઠલક્ષણોએ લક્ઝમ્બર્ગને રમણીય દૃશ્યોથી ભરપૂર બનાવ્યો છે.

અર્થતંત્ર : લક્ઝમ્બર્ગ દુનિયામાં ઔદ્યોગિક દૃષ્ટિએ વધુમાં વધુ વિકસિત દેશો પૈકીનો એક છે. અહીંના મોટાભાગના ઉદ્યોગો દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલા છે. લોખંડની ખાણો અને પોલાદ-ઉત્પાદન – એ બે અહીંના મુખ્ય ઉદ્યોગો છે. લક્ઝમ્બર્ગ યુરોપના પોલાદ-ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અહીંની પોલાદ-કંપનીમાં દેશના ઘણા લોકો રોકાયેલા છે. લક્ઝમ્બર્ગની જરૂરિયાતનું લગભગ બધું જ પોલાદ આ કંપની પેદા કરે છે. જોકે બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછીથી અહીંની લોહઅયસ્કની ખાણોના જથ્થા ઘટી ગયા છે. યુદ્ધ પછીથી અને વિશેષે કરીને 1970ના દાયકા પછી પોલાદનું ઉત્પાદન પણ ઘટી ગયું છે. આથી અહીંની સરકારે અર્થતંત્રમાં ફેરફારો થાય અને સમતુલા જળવાઈ રહે તે માટે પ્રયાસો આદર્યા છે. તેથી ઉચ્ચ કક્ષાની તક્નીકી ધરાવતા ઘણા બીજા ઉદ્યોગો અહીં વિકસતા ગયા છે. તેમાં કમ્પ્યૂટર તેમજ અન્ય વીજાણુ-ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણી વિદેશી કંપનીઓએ પણ અહીં કારખાનાં ખોલ્યાં છે. અહીં ખાદ્યસામગ્રી, ધાતુસામગ્રી, યંત્રસામગ્રી, રસાયણો, રબર, પોલાદ અને તેનાં પતરાં, પ્લાસ્ટિક, ટાયરો, દારૂ, કાગળ અને મુદ્રણના ઉદ્યોગો વિકસ્યા છે. અહીં ઘણી વિદેશી બકોનાં કાર્યાલયો આવેલાં છે. લક્ઝમ્બર્ગ આંતરરાષ્ટ્રીય નાણામથક બની રહેલું છે. વળી પ્રવાસન-ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે.

લક્ઝમ્બર્ગ

બૉન પેઝ વિસ્તારમાં ખેડૂતો મકાઈ, જવ, ઓટ, બટાટા, ઘઉં, કંદમૂળ, દ્રાક્ષ, ડેરીની પેદાશો તથા પશુઆહાર માટેનું વાવેતર કરે છે. કેટલાક લોકો મોટી સંખ્યામાં ઢોર, ઘેટાં, ડુક્કર અને મરઘાં-બતકાંનો ઉછેર કરે છે. અહીંની 50 % ભૂમિ પર ખેતી થાય છે. લક્ઝમ્બર્ગના આશરે 6 % લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે.

લક્ઝમ્બર્ગ યુરોપિયન સમુદાય(કમ્યૂનિટી)નું સભ્ય છે, તેનો મોટાભાગનો વેપાર એ સમુદાયના સભ્યદેશો સાથે થાય છે. બેઝ-મેટલ્સ અને તેની પેદાશો, યાંત્રિક સાધનો અને વીજસાધનો, રબર અને સંબંધિત પેદાશો, પ્લાસ્ટિક, કાપડ અને પોશાકોની નિકાસ થાય છે. તેનું મુખ્ય બજાર જર્મની છે. દેશની નિકાસમાં તે આશરે 50 % ફાળો આપે છે. ખાદ્યસામગ્રી, પરિવહનનાં સાધનો, ખનિજ-પેદાશો, દેશમાં ઉત્પન્ન ન થતાં યંત્રો અને વીજળીનાં સાધનોની તે આયાત કરે છે. આ માટેનો મુખ્ય દેશ બેલ્જિયમ છે.

દેશમાં આશરે 5,100 કિમી. લંબાઈના રેલમાર્ગો અને 270 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. આ સડકમાર્ગોથી તે પૂર્વ ફ્રાન્સ અને બેલ્જિયમ સાથે જોડાયેલું છે. અહીં એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે.

વસ્તી–લોકો : 2000ની વસ્તીગણતરી મુજબ 4,42,000 વસ્તી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ 155 લોકોની છે. વસ્તીવૃદ્ધિદર 1990–95 દરમિયાન 1.37 %નો રહ્યો છે. પુરુષો અને સ્ત્રીઓનો આયુદર અનુક્રમે 72 વર્ષ અને 79 વર્ષનો છે. દેશમાં શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 84 % અને 16 %નું છે.

સાંસ્કૃતિક ર્દષ્ટિએ જોતાં, લક્ઝમ્બર્ગ દેશ પોતાની સ્વાયત્તતા જાળવીને ફ્રાન્સ, બેલ્જિયમ અને જર્મની સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલો રહ્યો છે. અહીંના મોટાભાગના લોકોનું જીવનધોરણ ઊંચું છે. તેઓ શુદ્ધ, સાત્ત્વિક અને પોષણયુક્ત આહાર અને પીણાંના આગ્રહી છે. તેમનાં શહેરી આવાસો અને કાર્યાલયો આધુનિક ઢબનાં છે, ગ્રામીણ વિસ્તારમાં ચૌદમી, અઢારમી અને વીસમી સદીનાં મકાનો જોડાજોડ બંધાયેલાં જોવા મળે છે. આ રીતે તેમની જૂની સ્થાપત્યશૈલી પણ જળવાઈ રહી છે. દેશનાં નગરો અને ગામડાં મધ્યયુગના કિલ્લાઓ કે ચર્ચની આજુબાજુ વિકસેલાં છે.

દેશમાં ત્રણ સત્તાવાર ભાષાઓ – ફ્રેન્ચ, જર્મન અને લેટ્ઝબર્ગેશ(Letzeburgesch)નો ઉપયોગ થાય છે. જર્મન ભાષામાંથી ઊતરી આવેલી સ્થાનિક ભાષા લેટ્ઝબર્ગેશ તેમના રોજબરોજના વ્યવહારમાં બહોળા પ્રમાણમાં બોલાય છે. પ્રાથમિક શાળાઓમાં જર્મન અને માધ્યમિક શાળાઓમાં ફ્રેંચ ભાષા માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. વર્તમાનપત્રો જર્મન ભાષામાં છપાય છે. કૉર્ટ અને સંસદમાં ફ્રેન્ચ ભાષા ઉપયોગમાં લેવાય છે. અહીંના 95 % લોકો રોમન કૅથલિક છે. 6થી 15 વર્ષનાં બાળકો માટે શાળાશિક્ષણ ફરજિયાત છે. લક્ઝમ્બર્ગમાં તુલનાત્મક વિજ્ઞાનની યુનિવર્સિટી તથા ઘણી ટૅકનિકલ અને વ્યાવસાયિક શાળાઓ આવેલી છે. દેશના લગભગ બધા જ પુખ્ત વયના લોકો લખી-વાંચી જાણે છે અર્થાત્ સાક્ષરતાનું પ્રમાણ 100 % જેટલું છે.

રાજકીય વહીવટ : લક્ઝમ્બર્ગ બંધારણીય રાજાશાહી અને ઉદારવાદી લોકશાહીનો સમન્વય ધરાવતો દેશ છે. હાઉસ ઑવ્ નસાઉના ડ્યૂક કે ડચેસ રાજા કે રાણી તરીકે તેમજ દેશના મુખ્ય વહીવટી સત્તાધીશ તરીકે ફરજ બજાવે છે. રાજાશાહી વારસાગત છે : રાજાના પાટવી કુંવર કે કુંવરીને રાજગાદી વારસામાં મળે છે. લોકો દ્વારા દર પાંચ વર્ષે ચૂંટાતી ‘ચેમ્બર ઑવ્ ડેપ્યૂટિઝ’ નામથી ઓળખાતી 64 સભ્યોથી બનેલી સંસદ દેશનાં ધારાધોરણો ઘડે છે. રાજા પોતે વડાપ્રધાનની તેમજ વહીવટી પ્રધાનમંડળ માટે બીજા દસ સભ્યોની નિમણૂક કરે છે. પ્રધાનમંડળને ટકી રહેવા બહુમતી અનિવાર્ય છે. આ ઉપરાંત રાજા આજીવન 21 સભ્યોથી બનેલી સ્ટેટ કાઉન્સિલની સલાહકાર સમિતિના રૂપે નિમણૂક કરે છે.

દેશને વહીવટી સરળતા માટે ત્રણ જિલ્લાઓ(વિભાગો)માં, દરેક વિભાગને બાર કૅન્ટૉન(પરગણાં)માં અને દરેક કૅન્ટૉનને જરૂરી ઉપઘટકોમાં વહેંચેલું છે. વિભાગનો વહીવટ સરકારનિયુક્ત કમિશનર, તથા કૅન્ટૉન અને ઘટકોનો વહીવટ ચૂંટાયેલા અધિકારીઓ દ્વારા થાય છે.

લક્ઝમ્બર્ગ નગરનો હાર્દભાગ

ઇતિહાસ : ઈ. પૂ. 57–50 દરમિયાન રોમનોના વિજય વખતે લક્ઝમ્બર્ગના પ્રદેશમાં ટ્રેવરી નામની બેલ્જિક જાતિના લોકો રહેતા હતા. ઈ. સ. 400 પછી જર્મન જાતિના લોકોએ ત્યાં આક્રમણ કર્યું. તે ઑસ્ટ્રેસિયાના ફ્રૅન્કિશ રાજ્યનો અને તે પછી શાર્લમૅનના સામ્રાજ્યનો ભાગ બન્યું. ઈ. સ. 963માં આર્ડેન્સના કાઉન્ટ સિગ્ફ્રીડની સત્તા હેઠળ તે અલગ સ્વતંત્ર પ્રદેશ બન્યો. તેના વંશજ કૉનરાડે ઈ. સ. 1060માં લક્ઝમ્બર્ગના કાઉન્ટ(અમીર)નો ખિતાબ ધારણ કર્યો. તેના વારસોએ પ્રદેશ-વિસ્તાર કર્યો. લક્ઝમ્બર્ગનો કાઉન્ટ હેન્રી ચોથો 1312માં, હેન્રી સાતમા તરીકે પવિત્ર રોમન સામ્રાજ્યનો સમ્રાટ બન્યો.

પંદરમી સદીની ચાલીસીમાં લક્ઝમ્બર્ગ હાઉસ ઑવ્ બર્ગન્ડીને સોંપી દેવામાં આવ્યું. સોળમી સદીની શરૂઆતમાં તે હેબ્સબર્ગ શાસકોનું સંસ્થાન બન્યું અને તે સદીના ઉત્તરાર્ધમાં સ્પૅનિશ નેધરલૅન્ડ્ઝનો ભાગ બન્યું. સ્પૅનિશ વારસા-વિગ્રહ (1701–14) પછી, લક્ઝમ્બર્ગ ઑસ્ટ્રિયાના હેબ્સબર્ગ શાસન હેઠળ ગયું.

1815માં મળેલી વિયેના કૉંગ્રેસે નેધરલૅન્ડ્ઝના રાજા વિલિયમ પહેલાના અંકુશ હેઠળ લક્ઝમ્બર્ગ મૂક્યું. 1830માં બેલ્જિયનોએ વિલિયમ પહેલાના શાસન વિરુદ્ધ બળવો કર્યો ત્યારે, લક્ઝમ્બર્ગના લોકો પણ તેમને અનુસર્યા. બળવા પછી, લક્ઝમ્બર્ગનું બેલ્જિયમ તથા નેધરલૅન્ડ્ઝ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું. નેધરલૅન્ડ્ઝને મળેલા પ્રદેશ ઉપર 1867 સુધી તેનું શાસન રહ્યું. ત્યારબાદ લક્ઝમ્બર્ગને સ્વતંત્રતા આપીને, તેને તટસ્થ રાખવાની યુરોપીય સત્તાઓએ ખાતરી આપી. 1890માં તે પ્રદેશ એડૉલ્ફસને મળ્યો.

જર્મનીએ 1914માં લક્ઝમ્બર્ગ કબજે કર્યું. 1919માં તે પ્રદેશ સ્વતંત્ર થયો. 1921માં લક્ઝમ્બર્ગે બેલ્જિયમ સાથે આર્થિક સહયોગ કર્યો અને રાષ્ટ્રસંઘમાં જોડાયું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ફરીવાર જર્મન લશ્કરે તે પ્રદેશ કબજે કર્યો અને રાજકુટુંબ ઇંગ્લૅન્ડ નાસી ગયું. 1944માં લક્ઝમ્બર્ગ જર્મનીથી સ્વતંત્ર થયું અને 1949માં નૉર્થ આટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનિઝેશનમાં જોડાયું અને યુરોપિયન ઈકોનૉમિક કમ્યૂનિટીમાં ભાગ લીધો. 1964માં શાર્લોટના પછી, તેનો પુત્ર ગ્રાન્ડ ડ્યૂક બન્યો. 1974માં ક્રિશ્ચિયન સોશિયલ પાર્ટી સરકારમાં જોડાઈ. 1995માં જિન ક્લૉડ જંકર ત્યાંના વડાપ્રધાન બન્યા.

લક્ઝમ્બર્ગ (શહેર) : લક્ઝમ્બર્ગ દેશનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 37´ ઉ. અ. અને 6° 6´ પૂ. રે. તે દેશના દક્ષિણ ભાગમાં ઉચ્ચપ્રદેશ પર વસેલું છે. અહીં વહેતી આલ્ઝેટ અને પેટ્રસી નદીઓએ કોતરો બનાવેલાં છે. ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ અને કોતરોને કારણે અહીં રમણીય કુદરતી દૃશ્યો જોવા મળે છે.

અહીંનાં મહત્વનાં ભૂમિચિહનોમાં સોળમી સદીનો ગ્રાન્ડ ડ્યૂકલ રાજમહેલ, સત્તરમી સદીના પૂર્વાર્ધમાં બંધાયેલું નૉત્રદામનું ગૉથિક કેથીડ્રલ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલું નગરગૃહ ઉલ્લેખનીય છે. ગ્રાન્ડ ડ્યૂકલ રાજમહેલ આ દેશના રાજવીનું નિવાસસ્થાન છે.

લક્ઝમ્બર્ગ એ યુરોપિયન કોલ ઍન્ડ સ્ટીલ કમ્યૂનિટી તથા યુરોપિયન કૉર્ટ ઑવ્ જસ્ટિસ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું મુખ્ય મથક છે. અહીં આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર પણ આવેલું છે. તે ઉપરાંત અહીં વિદેશી બૅંકોનાં કાર્યાલયો પણ છે.

આજે જ્યાં લક્ઝમ્બર્ગ વસેલું છે ત્યાં ચોથી સદીમાં રોમન સૈનિકોએ એક કિલ્લો બાંધવાનું શરૂ કરેલું. 963માં આર્ડેન્સના કાઉન્ટ સિગફ્રીડે ત્યાં કિલ્લો બાંધેલો. તે પછીથી આ કિલ્લાની આજુબાજુ કોટ-આરક્ષિત નગર વિકસતું ગયું. તે પછીનાં વર્ષોમાં, વિદેશી હુમલાઓ ખાળવા માટે કોટની દીવાલોને મજબૂત કરવામાં આવી. પરંતુ તે પછીથી કિલ્લાનો ઘણોખરો ભાગ નાશ પામ્યો છે. ઓગણીસમી સદીમાં કોટની દીવાલોને તોડી નાખવામાં આવી છે. તેની વસ્તી છે : 80,700 (2000).

ગિરીશભાઈ પંડ્યા

મોહન વ. મેઘાણી