લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump)

January, 2004

લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump) :  ખેલકૂદનો એક પ્રાચીન પ્રકાર. પ્રાચીન ગ્રીસમાં લંગડીફાળ કૂદકાની રીત જુદા પ્રકારની હતી. ઓગણીસમી સદી દરમિયાન લંગડીફાળ કૂદમાં બે લંગડી અને એક કૂદકો લેવામાં આવતો હતો. ક્રમશ: તેમાં વિકાસ થયો અને તે લંગડીફાળ કૂદ તરીકે પ્રચલિત બની. આધુનિક પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ 1896માં યોજવામાં આવ્યો ત્યારે લંગડીફાળ કૂદની સ્પર્ધા બે લંગડી અને એક કૂદકા સાથે કરવામાં આવી હતી. અમેરિકાના કૉનોલીએ એમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ લંગડીફાળ કૂદના નિયમ મુજબ પ્રથમ વિશ્વઆંક 1911માં આઇરિશ રમતવીર દાન આર્હિને 15.52 મીટરનો ત્રિકૂદકો કરીને આપ્યો હતો. ગુજરાતીમાં લંગડીફાળ કૂદકો ‘ત્રિકૂદકો’ અને અંગ્રેજીમાં ‘ટ્રિપલ જમ્પ’ના નામે પ્રચલિત છે.

લંગડીફાળ કૂદકા માટેનો ખાડો 9 મીટર લાંબો અને 2.75 મીટર પહોળાઈનો હોય છે. પગઠેક લેવા માટેનું પાટિયું ખાડાની નજીકની ધારથી 11થી 13 મીટરના અંતરે જમીનને સમતલ દાટવામાં આવે છે. ઠેકપાટિયું લાકડાની બનાવટનું 1.22 મીટર લાંબું, 20 સેમી. પહોળું અને 10 સેમી.ની જાડાઈનું સફેદ રંગનું હોય છે.

લંગડીફાળ કૂદની શૈલી(technique)માં પેશકદમી, પગઠેક, લંગડીફાળ કૂદકો અને ઉતરણનાં કૌશલ્યોનો ઉપયોગ થાય છે. લંગડીફાળ કૂદકાની શૈલી જટિલ છે. તેમાં ટૂંકી ઝડપી દોડ કરનાર અને લાંબો કૂદકો મારનાર અને વાંસ કૂદકો મારનારા રમતવીરોનાં આવશ્યક શારીરિક લક્ષણોનો સમન્વય થતો હોય છે. પૂર્ણ ઝડપે ઠેકપાટિયા ઉપર આવીને લાંબા કૂદકાની માફક ઠેક લેવાની હોય છે અને તે જ પગ પર ઉતરણ કરતાની સાથે જ તે જ પગે ફરીથી કૂદકો મારીને ફાળ લેવાની હોય છે, એટલે કે તે કૂદકાનું ઉતરણ વિરુદ્ધ પગ પર કરવાનું હોય છે અને છેલ્લે લાંબો કૂદકો લેવાનો હોય છે, જેનું ઉતરણ ખાડામાં થાય છે.

શરૂઆતમાં ત્રિકૂદકામાં કૂદનારાઓ લાંબી લંગડી, ટૂંકી ઝડપી ફાળ  અને હવામાં ઊંચાઈ મેળવીને પૂર્ણ રીતે લાંબો કૂદકો લઈને ખાડામાં ઉતરણ કરતા હતા. આધુનિક રીતિમાં લંગડી, ફાળ અને કૂદકાને અલગ અલગ રીતે ગણતરીમાં લેવામાં આવે છે. ત્રણેય કૂદકામાં વિકાસ થાય તે રીતે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ફાળના કૂદકાને મહત્વ આપવામાં આવતું ન હતું. હાલના તબક્કે ફાળને પણ લંગડી અને કૂદકાના જેટલું જ મહત્વ આપવામાં આવે છે.

લંગડીફાળ કૂદકામાં ઝડપ મહત્વનું પરિબળ છે. આ ઉપરાંત બંને પગના સ્નાયુઓની તાકાત, હવામાં શરીરનું સમતોલન અને સ્નાયુમજ્જાગતિમેળ એટલો જ જરૂરી છે. આથી વધુ ઊંચાઈવાળા, ઝડપવાળા, પગના સ્નાયુઓની તાકાતવાળા અને સ્નાયુગતિમેળવાળા રમતવીરો જ ત્રિકૂદકાની રમતમાં સફળતા પ્રાપ્ત કરતા હોય છે.

ત્રિકૂદકામાં ત્રણેય કૂદકાઓના અંતરનું પ્રમાણ કેવું હોવું જોઈએ તે અગત્યની બાબત ગણવામાં આવે છે. અત્યારની રીત અનુસાર ફાળ દરમિયાન જેટલું વધારે અંતર કુદાય તેટલું તે મહત્વનું અને નિર્ણાયક બને છે. આથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ત્રણેય કૂદકાઓનું પ્રમાણ કેવું હોવું જોઈએ ? સામાન્યત: ભૂતકાળમાં કૂદકાઓનું પ્રમાણ 4 : 3 : 5નું રહ્યું હતું એટલે કે 15 મીટરના કૂદકા માટે 5 મીટરની લંગડી, 3.75 મીટરની ફાળ અને 6.25 મીટરનો કૂદકો હોવો જોઈએ. હવે કૂદકાઓના પ્રમાણમાં બદલાવ આવ્યો છે. વ્યક્તિગત તફાવતો, રમતવીરનાં શારીરિક લક્ષણો ઉપરથી કૂદકાઓનું પ્રમાણ બદલાતું હોય છે. હાલમાં ત્રિકૂદકા માટેનું પ્રમાણ 10 : 8 : 9નું છે. એટલે કે 15 મીટરના કૂદકા માટે 5.55 મીટરની લંગડી, 4.45 મીટરની ફાળ અને 5 મીટરનો કૂદકો હોવો જોઈએ. આ પ્રમાણમાં ફાળનું મહત્વ વધારે આંકવામાં આવ્યું છે.

હર્ષદભાઈ પટેલ