લંકેશ, પી. (જ. 1935, જિ. શિમોગા, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા સર્જક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘કલ્લુ કારાગુવા સમયા’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મૈસૂર યુનિવર્સિટીમાંથી 1959માં અંગ્રેજી સાથે એમ.એ., 1959થી 1979 સુધી બૅંગ્લોર યુનિવર્સિટીની અનેક કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન. 1955માં લેખનકાર્યનો પ્રારંભ. 1962માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘રિયા નિરનુ કિરિજે ચેલ્લી’ (‘રિટર્ન ધ પૉન્ડ વૉટર ટુ ધ પૉન્ડ’, 1964) પ્રગટ કર્યો. 1980માં શરૂ કરેલા અઠવાડિક ‘લંકેશ પત્રિકા’ને ત્વરિત સફળતા મળતાં નોકરીમાંથી રાજીનામું અને પત્રકારત્વ તથા રચનાત્મક કાર્ય અને ફિલ્મ-દિગ્દર્શન તરફ વળ્યા. તેઓ સમકાલીન ભારતના સમર્થ બહુમુખી સર્જકો પૈકીના એક છે.

તેમણે 4 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ, 7 એકાંકીસંગ્રહો (1971), 1 નાટક અને 1 કાવ્યસંગ્રહ પ્રગટ કર્યાં છે. તેમની ‘બિરુકુ’ (‘બ્રીચ’) અને  ‘મુસ્સંજય કથાપ્રસંગ’ (‘ધી ઇન્સિડન્ટ ઇન ઍન ઈવનિંગ’, 1978) જેવી નવલકથાઓ; ‘નાનલ્લ’ (‘નૉટ મી’, 1970) અને ‘ઉમાપતીય સ્કૉલરશિપ યાત્રે’ (‘ઉમાપતિઝ ટ્રિપ ફૉર એ સ્કૉલરશિપ’, 1973) જેવા વાર્તાસંગ્રહો; બસવણ્ણાના જીવન પર આધારિત ‘સંક્રાંતિ’ (1973) નાટક તથા સૉફોક્લીઝનાં નાટકો અને બૉદલેરનાં કાવ્યોના અનુવાદ આધુનિક કન્નડ સાહિત્યમાં ઉલ્લેખનીય છે. તેમણે તેમની નવલકથા ‘બિરુકુ’ને 1973માં નાટ્યસ્વરૂપ આપ્યું. તેમનાં લખાણોમાં માનવીની નરદમ ક્રૂરતા, સંકુચિતતા અને નર્યો દંભ પ્રગટ થાય છે.

‘પલ્લવી’ નામની ફિલ્મના સર્વશ્રેષ્ઠ દિગ્દર્શન માટે 1977નો રાષ્ટ્રીય પુરસ્કાર, 1980માં રાજ્યની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ ‘અનુરૂપ’ની અને એ જ વર્ષે ‘એલ્લિનદલી બંદવરુ’ ફિલ્મની સર્વશ્રેષ્ઠ પટકથા અને તેના સંવાદ માટે પુરસ્કાર, 1987માં કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા 1988ના વર્ષનો સર્વશ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર તેમને મળ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કલ્લુ કારાગુવા સમયા’ (1990) તેમનો ચોથો વાર્તાસંગ્રહ છે. તેમાંનાં અસ્તિત્વપરક સમસ્યાઓ અને તેનો અસરકારક ઉકેલ, સજાગ ભાષાપ્રયોગ, સ્થાનિક બોલીના સુસંગત પ્રયોગો, માનવજીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ, નાટ્યતત્વની ઊંડી સૂઝ તથા રોચક પરિસ્થિતિના બુદ્ધિમત્તાપૂર્વકના અર્થઘટનને કારણે આ કૃતિ ભારતીય વાર્તાસાહિત્યમાં એક આકર્ષક પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા