લંગર (anchor) : નાના વહાણ કે જહાજને દરિયા/ખાડીમાં સ્થિર પરિસ્થિતિમાં રાખવા માટે વપરાતું સાધન. સામાન્ય રીતે લંગર બે કે ત્રણ અંકોડા(હૂક)ના સ્વરૂપમાં હોય છે. તે લોખંડના ભારે દોરડા કે સાંકળ વડે બંધાયેલ હોય છે અને ખૂબ ભારે વજનનું (લોખંડનું) હોઈ દરિયાના તળિયામાં ખૂંપી જાય છે અને તે રીતે વહાણ/જહાજને જકડી રાખે છે.

શરૂઆતમાં (ઘણા સમય પહેલાં) વપરાતા લંગરો ટોપલામાં (બાસ્કેટમાં) ભરાયેલ મોટા પથ્થર કે ભારે સીસાના ઢાળા રૂપે હતાં. અમુક સમયે ત્રણ-ચાર જાડી લાકડીઓ/થાંભલીઓ અરસપરસ કાટખૂણે રાખીને તેના છેડે લાકડાના હૂક લગાવીને લંગર તૈયાર થતાં. ત્યારબાદ U આકારનાં લોખંડનાં લંગર બનાવવામાં આવ્યાં, જેમાં હૂકનો ભાગ દાંડી (shank) સાથે લગાવવામાં આવે છે.

લંગર

આધુનિક મોટા જહાજનાં લંગરો દાંડી વગરનાં (shankless) લંગરો હોય છે, જેમાં મોટાં લોખંડનાં દોરડાં(cable)નો છેડો જ હૂકરૂપે વપરાય છે. હૂકના ઉપરના ભાગે હૂક એક પીનની આસપાસ ફરી શકે (pivotal joint) તેવી વ્યવસ્થા હોય છે. આ પ્રકારની ગોઠવણને લીધે કોઈ પણ સ્થિતિમાં લંગર સહેલાઈથી કાર્યરત થઈ શકે છે. મોટાં જહાજોમાં બંને છેડે એકથી વધુ લંગરો રાખવામાં આવે છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ