રોમન સામ્રાજ્ય : પ્રાચીન સમયમાં મધ્ય ઇટાલીમાંથી શરૂ કરીને યુરોપ, એશિયા તથા આફ્રિકાના કેટલાક પ્રદેશો સુધી વિસ્તરેલું સૌથી મોટાં સામ્રાજ્યોમાંનું એક. તેમાં અનેક ભાષાઓ બોલતા, જુદા જુદા ધર્મો અને રિવાજો પાળતા કરોડો લોકોની વસ્તી હતી. રોમન અનુશ્રુતિ અનુસાર ઈ. પૂ. 753માં રૉમ્યુલસ અને રેમસ નામના બે જોડિયા ભાઈઓએ ટાઇબર નદીને કાંઠે રોમ નગર વસાવ્યું હતું. પ્રાચીન રોમમાં પ્રથમ વસનાર લોકો આશરે ઈ. પૂ. 1000માં પેલેટાઇન હિલ પર રહેતા હતા. તેઓ પાસે આવેલા લેટિયમનાં નગરોમાં પણ રહેતા હતા. તેમના ઉપર અનેક રાજાઓ રાજ્ય કરી ગયા. રોમ તથા લેટિયમમાંનાં અન્ય નગરો ઈ. પૂ. 600માં લેટિયમની ઉત્તરે વસતા ઇટ્રસ્કનોના અંકુશમાં આવ્યાં. ઇટાલીમાં ઇટ્રસ્કનોની સંસ્કૃતિ સૌથી વધુ વિકસેલી હતી. તેમણે રોમમાં માર્ગો, મંદિરો તથા જાહેર મકાનો બંધાવ્યાં. તેમણે વેપારને પ્રોત્સાહન આપ્યું તથા નગરસભાનો વિચાર દાખલ કર્યો. ઇટ્રસ્કનોના શાસન હેઠળ રોમ ખેડૂતો અને ભરવાડોના ગામમાંથી સમૃદ્ધ શહેર તરીકે વિકાસ પામ્યું.
ઈ. પૂ 509માં રાજાશાહીને ઉથલાવીને રોમન પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી; પરંતુ પ્રજાસત્તાક સરકારની સંસ્થાઓનો ઉપલા વર્ગના પેટ્રિશિયનો તથા સામાન્ય વર્ગના પ્લેબિયનો વચ્ચે ઘણાં વર્ષો પર્યંત ચાલેલા સંઘર્ષ બાદ ક્રમશ: વિકાસ થયો. શરૂઆતમાં માત્ર પેટ્રિશિયનો સરકારી હોદ્દા ધરાવતા, ધર્માધિકારી બનતા અને રોમન કાયદાનું અર્થઘટન કરતા હતા. પ્લેબિયનોને ઘણા થોડા રાજકીય અધિકારો હતા અને ન્યાયાધીશો તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરતા હતા.
ઈ. પૂ. 400 અને ઈ. પૂ. 300 દરમિયાન પ્લેબિયનોએ રાજકીય અધિકારો વાસ્તે લડતો કરી. ઈ. પૂ. 287 સુધીમાં તેમને રાજકીય તથા ધાર્મિક હોદ્દા મેળવવાના તથા કાયદા હેઠળ સમાનતાના હકો મળ્યા. તેમ છતાં સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠામાં રહેલા મોટા તફાવતો પ્લેબિયનો તથા પેટ્રિશિયનોને અલગ પાડતા હતા.
આ દરમિયાન ઇટાલીના દ્વીપકલ્પના બાકીના પ્રદેશો ઉપર ધીમે ધીમે રોમ લશ્કરી અંકુશ મેળવતું હતું. ઈ. પૂ. 493માં રોમે લેટિયમનાં શહેરોનું એક સમવાયતંત્ર – લૅટિન લીગ નામનું જોડાણ કર્યું. ઈ. પૂ. 396 સુધીમાં લેટિયમમાં રોમ સૌથી મોટું શહેર હતું અને ત્યારબાદ તેના પાડોશીઓ સાથે લડાઈ કરવા માટે તેણે લીગનાં સાધનોનો ઉપયોગ કર્યો હતો. રોમે જીતેલાં રાજ્યોને રક્ષણ તથા રોમન નાગરિકત્વના કેટલાક વિશેષાધિકારો આપ્યા. તેના બદલામાં આ જીતેલાં નગરોએ રોમને વધુ પ્રદેશો જીતવા માટે સૈનિકો પૂરા પાડ્યા હતા.
ઈ. પૂ. ચોથી સદીમાં રોમે ઇટ્રસ્કનો પર વિજયો મેળવ્યા. ઉત્તરમાંથી ઇટાલી પર હુમલા કરતી તથા ઈ. પૂ. 390માં રોમને આગ લગાડનારી ગૉલ પ્રજાને પણ રોમે હરાવી. ઈ. પૂ. 338માં રોમે ઉપર્યુક્ત લૅટિન લીગને વિખેરી નાખી. ઈ. પૂ. 290માં રોમનોએ રોમની દક્ષિણે રહેતી પહાડી પ્રજા સેમ્નાઇટો પર વિજય મેળવ્યો. ઈ. પૂ. 275 સુધીમાં રોમની સત્તા મોટા ભાગના ઇટાલીના દ્વીપકલ્પ ઉપર ફેલાઈ હતી. રોમે ગ્રીક રાજા પાયરસને પરાજય આપીને, દક્ષિણ ઇટાલીમાં ટેરેન્ટમની ગ્રીક વસાહત કબજે કરી હતી.
ઈ. પૂ. 200થી ઈ. પૂ. 100 દરમિયાન રોમે દરિયાપારના પ્રદેશોમાં સામ્રાજ્ય-વિસ્તાર કર્યો. સૌપ્રથમ ઉત્તર આફ્રિકાના સમુદ્રકાંઠે આવેલ વેપારનું મથક તથા સમુદ્ર પર સત્તા ધરાવનાર કાર્થેજ સાથે રોમને સંઘર્ષ થયો. ભૂમધ્ય સમુદ્ર ઉપર પ્રભુત્વ મેળવવા વાસ્તે રોમ અને કાર્થેજ પ્યૂનિક યુદ્ધો નામથી ઓળખાતાં ત્રણ યુદ્ધો લડ્યાં. પ્રથમ પ્યૂનિક યુદ્ધમાં (ઈ. પૂ. 264–241) રોમે ઇટાલી પાસે આવેલો સિસિલી ટાપુ જીતી લીધો અને તેને રોમનો પ્રથમ પ્રાંત બનાવ્યો. રોમે સાર્ડિનિયા તથા કૉર્સિકા નામના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા બે ટાપુઓ પણ જીતી લીધા. બીજા પ્યૂનિક યુદ્ધ(ઈ. પૂ. 218–201)માં કાર્થેજના બાહોશ સેનાપતિ હૅનિબાલે આલ્પ્સ પર્વત ઓળંગીને ઇટાલી પર આક્રમણ કર્યું. હૅનિબાલ કેટલીક મહત્વની લડાઈઓમાં વિજયી થવા છતાં, તેને સિપીઓની આગેવાની હેઠળના રોમન લશ્કરે ઈ. પૂ. 202માં હરાવ્યો. ત્રીજા પ્યૂનિક વિગ્રહમાં (ઈ. પૂ. 149–146), રોમે કાર્થેજનો નાશ કર્યો. આ વિજયોને લીધે સ્પેન તથા આફ્રિકાના ભૂમધ્ય સમુદ્રના કિનારા રોમના અંકુશ હેઠળ આવ્યા.
દ્વિતીય પ્યૂનિક વિગ્રહ બાદ, રોમે પૂર્વ તરફનું વિસ્તરણ શરૂ કર્યું. શરૂમાં રોમે પોતાનાં સાથી રાજ્યોને ઇટાલીના પૂર્વ કાંઠે ચાંચિયાઓના હુમલા સામે રક્ષણ આપ્યું. તે પછી તુરત જ તેણે ગ્રીસ અને મૅસિડોનિયા વચ્ચેના સંઘર્ષોમાં ભાગ લીધો. ગ્રીસની ઉત્તરે આવેલ મૅસિડોનિયાએ ઈ. પૂ. 338માં ગ્રીક લોકોને હરાવ્યા હતા. ઈ. પૂ. 140માં રોમે ગ્રીસ તથા મૅસિડોનિયા કબજે કર્યાં. ઈ. પૂ. 133માં રોમના સાથી પર્ગેમમનો રાજા અત્તાલસ ત્રીજો મરણ પામ્યો અને તેનું રાજ્ય રોમની સત્તા હેઠળ આવ્યું. રોમે દરિયાપારના દેશોમાં નોંધપાત્ર વિસ્તાર કર્યો, તેમાં તેણે ઇટાલીનાં શહેરો સાથે કરેલ જોડાણ મહત્વનું હતું, કારણ કે ત્યાંથી તેને લશ્કરના સૈનિકો મોટી સંખ્યામાં મળ્યા.
રોમમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચેનું અંતર મોટા પ્રમાણમાં વધ્યું અને ગરીબોનો અસંતોષ ખૂબ વધ્યો. તેથી ઈ. પૂ. 133 અને ઈ. પૂ. 123માં બે રોમન ટ્રિબ્યૂન ટાયબેરિયસ ગ્રાકુસ તથા ગેયસ ગ્રાકુસે ગરીબોને મદદરૂપ થવા સરકારની માલિકીની જમીનો ગરીબોને વહેંચી આપવાનો કાર્યક્રમ ઘડ્યો; પરંતુ સેનેટના મોટા ભાગના સભ્યોએ તેમનો વિરોધ કર્યો અને બંને ભાઈઓની હત્યા થઈ. છેલ્લાં સો વરસમાં રોમન પ્રજાસત્તાકમાં, નેતાઓ વચ્ચેના સંઘર્ષોના કારણે ઊથલપાથલ થઈ. બળવા થવાથી પ્રજાસત્તાક નબળું પડ્યું. ઈ. પૂ. 82માં રોમન સેનાપતિ લુસિયસ સલ્લા સરમુખત્યાર બન્યો. સલ્લાએ સરકારને સ્થિર બનાવી અને સેનેટમાં નવા નેતાઓ લાવીને તેને મજબૂત બનાવી.
ઈ. પૂ. 60માં રોમે ફરીવાર દરિયાપાર વિસ્તરણ કર્યું. રોમન સેનાપતિ પૉમ્પીએ પૂર્વ તુર્કી, સીરિયા અને પૅલેસ્ટાઇન જીતી લીધાં. તે રોમમાં લોકપ્રિય નેતા તરીકે પ્રવેશ્યો; પરંતુ સેનેટે તેના વિજયો માન્ય રાખ્યા નહિ. તેથી પૉમ્પી અને બીજા બે રોમન આગેવાનો જૂલિયસ સીઝર તથા માર્કસ ક્રેસસે ઈ. પૂ. 60માં પ્રથમ ત્રિજન સંઘ(first trium virate)ની રચના કરીને રાજકીય જોડાણ કર્યું. ઈ. પૂ. 53માં ક્રેસસ યુદ્ધમાં મરણ પામ્યો. ઈ. પૂ. 58થી 51 દરમિયાન સીઝરે ગૉલનો પ્રદેશ જીતીને રહાઇન નદીની પશ્ચિમે આવેલો વિશાળ પ્રદેશ ઉમેર્યો. સેનેટના સભ્યો તથા પૉમ્પી સીઝરની સત્તા તથા મહત્વાકાંક્ષાથી ડરવા લાગ્યા; છતાં સીઝરે વિજયો ચાલુ રાખ્યા અને પૉમ્પી તથા તેના સાથીઓને આંતરવિગ્રહમાં હરાવ્યા. ઈ. પૂ. 45માં સીઝર રોમન સામ્રાજ્યનો એક જ શાસક રહ્યો. ઈ. પૂ. 44માં સીઝરનું ખૂન થયું. ઈ. પૂ. 43માં તેના દત્તક પુત્ર અને વારસદાર ઑક્ટેવિયને બે લશ્કરી અધિકારીઓ માર્ક ઍન્ટની અને માર્કસ લેપિડસ સાથે બીજા શાસક-જૂથની રચના કરી. સીઝરના દુશ્મનોને હરાવી, લેપિડસને દૂર કરવામાં આવ્યો. ઑક્ટેવિયન અને ઍન્ટની વચ્ચે રોમ પર અંકુશ મેળવવા લડાઈ થઈ. ઍન્ટનીને ઇજિપ્તની રાણી ક્લિયોપૅટ્રાનો ટેકો મળ્યો. ઈ. પૂ. 31માં ઑક્ટેવિયને ઍન્ટની અને ક્લિયોપૅટ્રાના લશ્કરને એક્ટિયમની લડાઈમાં હરાવ્યું. બીજે વર્ષે રોમનોએ ઇજિપ્ત જીતીને તેને રોમન પ્રાંત બનાવ્યો. ઍન્ટનીના પરાજય પછી, ઑક્ટેવિયન રોમન સામ્રાજ્યનો બિનહરીફ નેતા હતો. ઈ. પૂ. 27માં તે ઑગસ્ટસ નામ ધારણ કરીને પ્રથમ રોમન સમ્રાટ બન્યો; પરંતુ ‘સમ્રાટ’ શબ્દને બદલે તે પોતાને ‘પ્રિન્સેપ્સ’ (princeps) એટલે ‘પ્રથમ નાગરિક’ કહેવડાવતો. અગાઉ આશરે 20 વર્ષના આંતરવિગ્રહથી રોમન પ્રજાસત્તાકને ઘણું નુકસાન થયું હતું. ઑગસ્ટસે સ્થિર શાસનનો આરંભ કર્યો. તે Pax Romana – રોમન શાંતિ તરીકે ઓળખાય છે. રોમન શાંતિ આશરે 200 વર્ષ ટકી. ઑગસ્ટસે વ્યવસ્થિત સરકાર સ્થાપી અને કાયદાના શાસનનો અમલ કર્યો. અગાઉની જેમ સેનેટ, કૉન્સલો તથા ટ્રિબ્યૂનો કામ કરતાં હોવા છતાં, ઑગસ્ટસ સર્વોપરી સત્તા ભોગવતો હતો. તે લશ્કરનો વડો હતો, પ્રાંતોને તેના અંકુશમાં રાખતો અને સેનેટમાં પોતાના સમર્થકોને સ્થાન આપતો. તેણે કાર્યક્ષમ શાસનતંત્ર સ્થાપ્યું. શાસન કરવા કુશળ વહીવટદારો નીમ્યા. તેના સમયમાં વેપારનો વિકાસ થયો તથા તેના ઑગસ્ટન યુગમાં કલા અને સાહિત્યની પ્રગતિ તેની પરાકાષ્ઠાએ પહોંચી.
ઈ. સ. 14માં ઑગસ્ટસનું અવસાન થયા બાદ, ટાઇબેરિયસ તેનો વારસદાર બન્યો. ઑગસ્ટસના પરિવારે અને તે પછી ફ્લેવિયન પરિવારે ઈ. સ. 96 પર્યંત રોમન સામ્રાજ્ય પર શાસન કર્યું. ઈ. સ. 96થી 180 સુધી નર્વા, ટ્રાજન, હેડ્રિયન, ઍન્ટોનિનસ પાયસ અને માર્કસ ઑરેલિયસ નામના ઍન્ટોનાઇન શાસકો શાણા અને શક્તિશાળી હતા. તેમના શાસન દરમિયાન રોમન સામ્રાજ્ય તેની સત્તા અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું.
ઑગસ્ટસના શાસન બાદ, રોમન સામ્રાજ્યનો વિકાસ ઘણો ઓછો થયો હતો. ઈ. સ. 43માં સમ્રાટ ક્લૉડિયસે બ્રિટન પર આક્રમણ કર્યું. ટ્રાજને ઈ. સ. 106માં ડાસિયા (હાલમાં હંગેરી તથા રુમાનિયાના કેટલાક પ્રદેશો) કબજે કર્યું. રાજકીય અને લશ્કરી પરિસ્થિતિ સ્થિર હોવાથી, રોમનો જમીનોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થયા. લાંબા માર્ગોને કારણે વાહનવ્યવહાર શક્ય બન્યો. રોમન સમ્રાટોએ દૂરના પ્રદેશોમાં પણ નવાં નગરો તથા શહેરો વસાવવા માટે પ્રોત્સાહન આપ્યું. સામ્રાજ્યના વહીવટ માટે જાણકાર અધિકારીઓ મળવા લાગ્યા. પ્રાંતોના ગવર્નરો ઘણુંખરું લાંબી મુદત સુધી રહેતા હોવાથી પોતાના પ્રદેશથી સુપરિચિત થયા હતા.
રોમન સમ્રાટોની સત્તા ક્રમશ: વધારે મજબૂત બની. સમ્રાટનો હુકમ સેનેટના કાર્યની ઉપરવટ થઈ શકતો. સમ્રાટના અવસાન બાદ રોમનો તેને ભગવાનની જેમ પૂજતા હતા. સામ્રાજ્યનાં જુદાં જુદાં ધર્મો તથા પરંપરાઓમાં માનતા લોકો સમ્રાટની પૂજાની બાબતમાં એકસમાન વફાદારી દર્શાવતા હતા.
પૂર્વીય રોમન સામ્રાજ્યમાં જિસસ ક્રાઇસ્ટના ઉપદેશ પર આધારિત એક નવો ધર્મ વિકસવા લાગ્યો. આશરે ઈ. સ. 30માં રોમનોએ રાજદ્રોહ માટે જિસસને વધસ્તંભ પર ચડાવીને મારી નાંખ્યા, તેમ છતાં તેમના અનુયાયીઓએ સમગ્ર રોમન સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો. શરૂઆતના સમયમાં રોમન સરકારે ખ્રિસ્તી ધર્મના ફેલાવા તરફ ધ્યાન આપ્યું નહિ. વળી ખ્રિસ્તીઓ ઉપરનો જુલમ સ્થાનિક વિરોધમાંથી ઉદભવ્યો હતો.
ઈ. સ. 161માં માર્કસ ઑરેલિયસ સમ્રાટ બન્યો. તેણે પૂર્વમાં પાર્થિયનો તથા ઉત્તરમાં જર્મન જાતિઓના હુમલા સામે રોમન સામ્રાજ્યનું રક્ષણ કર્યું; પરંતુ તેનો પુત્ર સમ્રાટ કોમોડસ 192માં અવસાન પામ્યો, તે પછી સામ્રાજ્યમાં અવ્યવસ્થા ફેલાઈ. ઘણા સમ્રાટોએ બળપૂર્વક સત્તા કબજે કરી અને તેમના હરીફોએ સત્તા મેળવવા લડાઈઓ કરી. ઈ. સ. 235થી 284 સુધીમાં લશ્કરના સેનાપતિઓ હોય તેવા 60 જણાને સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા. ઘણા મોટા રોમન સામ્રાજ્યનું ઝડપથી વિઘટન થવા માંડ્યું. રોમમાંની મધ્યસ્થ સત્તા સમગ્ર સામ્રાજ્યને સાચવવામાં સફળ થઈ શકી નહિ. આ ઉપરાંત, રોમન સેનાપતિઓમાંના સત્તાસંઘર્ષે સામ્રાજ્યને નબળું બનાવ્યું. જર્મન જાતિના ગૉથ લોકોએ ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય પર વારંવાર હુમલા કર્યા તથા ઈરાનીઓએ મેસોપોટેમિયા તથા સીરિયા જીતી લીધાં.
રોમન સેનાપતિ ડાયોક્લેટિયનને ઈ. સ. 284માં તેના લશ્કરે સમ્રાટ જાહેર કર્યો. તેને એમ લાગ્યું કે આટલા વિશાળ સામ્રાજ્ય પર એક વ્યક્તિ શાસન કરી શકે નહિ. તેથી વ્યવસ્થા સ્થાપવા માટે તેણે પ્રાંતોનું નાના એકમોમાં વિભાજન કર્યું. તે દરેક એકમની અલગ સરકાર અને લશ્કર રાખવામાં આવ્યાં. તેણે સાથી સમ્રાટ (co-emperor) તરીકે મેક્સિમિયનને તથા તેના પછી હોદ્દો સંભાળવા બે નાયબ નીમ્યા. મેક્સિમિયને સામ્રાજ્યનો પશ્ચિમનો વિસ્તાર તથા ડાયોક્લેટિયને પૂર્વીય સામ્રાજ્ય પર શાસન કર્યું. ડાયોક્લેટિયનના આ વહીવટી સુધારાથી સામ્રાજ્ય હંગામી ધોરણે વિનાશમાંથી બચી ગયું; પરંતુ વિશાળ લશ્કર અને સરકારના ખર્ચા માટે ભારે કરવેરા નાખવા પડ્યા.
ઈસવી સનની ત્રીજી સદીમાં ખ્રિસ્તીઓએ સખત જુલમો સહન કરવા પડ્યા. પારંપરિક રોમન દેવોને દૂભવીને તત્કાલીન દુ:ખો તેમણે ઊભાં કર્યાં છે, એવા આક્ષેપો ઘણા રોમનો કરતા હતા. ઈ. સ. 303માં ડાયોક્લેટિયને ખ્રિસ્તી ધાર્મિક વિધિની મનાઈ ફરમાવી.
ઈ. સ. 306માં કૉન્સ્ટન્ટાઇન રોમના પાશ્ર્ચાત્ય પ્રાંતોનો પ્રથમ સમ્રાટ બન્યો, ત્યારે અનેક માણસો સમ્રાટપદ વાસ્તે સંઘર્ષ કરતા હોવાથી શાસન અને વારસાના વિભાજનની ડાયોક્લેટિયનની પદ્ધતિ નિષ્ફળ ગઈ. ઈ. સ. 313માં કૉન્સ્ટન્ટાઇન અને પૂર્વીય પ્રાન્તોના સમ્રાટ લિસિનિયસે ખ્રિસ્તીઓને ધાર્મિક સ્વતંત્રતા બક્ષી. કૉન્સ્ટન્ટાઇને તેના સાથી-સમ્રાટને યુદ્ધમાં ઈ. સ. 324માં હરાવ્યો ત્યાં સુધી કૉન્સ્ટન્ટાઇન અને લિસિનિયસે સંયુક્તપણે શાસન કર્યું. કૉન્સ્ટન્ટાઇન તેની રાજધાની ઈ. સ. 330માં બાયઝેન્ટિયમ લઈ ગયો અને તેનું નામ બદલીને કૉન્સ્ટન્ટિનોપલ રાખ્યું.
ઈ. સ. 337માં કૉન્સ્ટન્ટાઇન મરણ પામ્યો. તે પછી રોમન સામ્રાજ્ય પર અંકુશ મેળવવા માટે તેના ત્રણ પુત્રો અને બે ભત્રીજા વચ્ચે વારસાવિગ્રહ થયો. 361માં તેનો એક ભત્રીજો જૂલિયન સમ્રાટ થયો. તેણે ખ્રિસ્તી ધર્મનો પ્રસાર અટકાવવા અને પારંપરિક રોમન ધર્મનો પુનરુદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો; પરંતુ ચોથી સદીના છેલ્લા દાયકામાં ખ્રિસ્તી ધર્મ સામ્રાજ્યનો સ્વીકૃત ધર્મ બન્યો હતો તથા ઈ. સ. 395માં સમ્રાટ થિયોડોસિયસ પ્રથમનું અવસાન થયા બાદ સામ્રાજ્યનું પાશ્ર્ચાત્ય રોમન સામ્રાજ્ય તથા પૂર્વીય રોમન સામ્રાજ્યમાં કાયમ માટે વિભાજન થઈ ગયું હતું.
પાશ્ચાત્ય રોમન સામ્રાજ્ય ક્રમશ: નબળું બનતું ગયું. વેન્ડાલ, વિસીગૉથ અને બીજા જર્મન લોકોએ સ્પેન, ગૉલ અને ઉત્તર આફ્રિકા પર હુમલા કર્યા. ઈ. સ. 410માં વિસીગૉથ લોકોએ રોમમાં લૂંટ કરી. પાશ્ર્ચાત્ય રોમન સામ્રાજ્યના છેલ્લા શાસક રૉમ્યુલસ ઑગસ્ટ્યુલસને જર્મન ટોળીના નાયક ઑડોસરે 476માં ઉઠાડી મૂક્યો. તે વર્ષ રોમન સામ્રાજ્યના પતનનું ગણાય છે. પૂર્વીય રોમન સામ્રાજ્ય બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે તુર્કોએ કૉન્સ્ટન્ટિનોપલ કબજે કર્યું ત્યાં સુધી એટલે કે 1453 સુધી ટક્યું હતું.
રોમન સામ્રાજ્યની રાજકીય સત્તાનું પતન થયું; પરંતુ તેની સંસ્કૃતિ તથા સંસ્થાઓ ટકી રહી અને પાશ્ર્ચાત્ય સભ્યતા અને બાયઝેન્ટાઇનના દેશો પર તેનો પ્રભાવ પડ્યો. પશ્ચિમ યુરોપ અને લૅટિન અમેરિકાના ઘણા દેશોમાંની ન્યાયતંત્રની પદ્ધતિના મૂળમાં રોમન કાયદો રહેલો છે. વિદ્વાન યુરોપિયનોની ભાષા તરીકેનું મહત્વનું સ્થાન 1,000 વર્ષ સુધી લૅટિન ભાષાએ ભોગવ્યું. લૅટિનમાંથી ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પૅનિશ વગેરે ભાષાઓ વિકાસ પામી. રોમની સ્થાપત્યકલા આધુનિક સમયમાં પણ જાહેર ઇમારતો બાંધવા માટે નમૂનેદાર ગણાય છે.
જયકુમાર ર. શુક્લ