રોમન સ્થાપત્ય : રોમન સ્થાપત્યમાં રોમન સામ્રાજ્યના વૈભવ અને ઠાઠમાઠનાં ભવ્ય દર્શન થાય છે. વિશાળ મંદિરો, માર્ગો, સ્નાનાગાર, ઍમ્ફી થિયેટર, કબરો, વિજય-સ્તંભો (કીર્તિ-સ્તંભો) વગેરેનો સમાવેશ રોમન સ્થાપત્યમાં થાય છે. રોમન સ્થાપત્યનો ફેલાવો સમગ્ર યુરોપમાં થયો અને યુરોપના સ્થાપત્યનો તે મુખ્ય આધાર બન્યું. આઠમી સદીમાં અનેક મોટાં મંદિરો બંધાયાં. આ સમયની સ્થાપત્યશૈલીમાંથી  ‘રોમનેસ્ક’ નામે ઉત્તરકાલીન રોમન સ્થાપત્યશૈલીનું પુનરુત્થાન થયું.

રોમન સ્થાપત્ય સેપ્ટિમિયસ સેવેરુસની કમાન

ઈ. સ. 1075થી ઈ. સ. 1175 દરમિયાન રોમન સ્થાપત્ય તેની ચરમ સીમાએ પહોંચ્યું હતું. રિપબ્લિક યુગ દરમિયાન રોમના સામ્રાજ્યમાં બાંધકામની પ્રવૃત્તિ મંદ પડી ગઈ અને તેની પર ઇટ્રસ્કન અને ગ્રીસની સ્થાપત્યશૈલીની અસર પડી. ઑગસ્ટસનો સમય રોમન સ્થાપત્યનો સુવર્ણ કાળ ગણાય છે. ઑગસ્ટસ કહેતો, ‘મને વારસામાં ઈંટો વડે બાંધેલું રોમ મળ્યું છે પણ હું આરસમાં બાંધેલા રોમને મૂકતો જઈશ.’ સમગ્ર રોમન સામ્રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાપત્યનું નિર્માણ થયું તે રાજ્યમાં પ્રવર્તતી શાંતિ, સુરક્ષા, વેપાર-ધંધામાંથી વધતી જતી સંપત્તિ, નાગરિકોના કલ્યાણ માટે શાસકોની ચિંતા, શાસકોની સુવિધાઓ અને ભવ્યતા પ્રત્યેની તેમની અભિરુચિનું પરિણામ છે. બાંધકામની સામગ્રી માટે ઇટાલી ઘણું જ સમૃદ્ધ હતું. રોમની નજીક તિવોલી પાસેથી ટ્રૅવેર્ટિન નામનો સખત પથ્થર અને કરારામાંથી ચમકતો આરસ રોમમાં લાવવામાં આવતો. ઈંટો બનાવવા માટેની માટી પણ ત્યાં સારી જાતની હતી. કૉંક્રીટ માટે તેઓ પોઝોલની ચોખ્ખી રેતીદાર માટીનો અને જ્વાળામુખીય લાવાનો ઉપયોગ કરતા હતા. રોમનોએ બાંધકામમાં ત્રણ ગ્રીક ઑર્ડરડૉરિક, આયૉનિક અને કૉરિન્થિયનને સ્થાન આપ્યું હતું. મોટી સભાઓ ભરવાના હૉલ માટે વિશાળ અવકાશવાળી અને ટેકા વિનાની ઇમારતની જરૂરિયાત જણાઈ. આવી ઇમારતની છત(roof)ના બાંધકામમાં રોમનોએ નવી જ પદ્ધતિ અપનાવી. વૂસાર્સ (voussoirs) તરીકે ઓળખાતા ફાચરિયા ઘાટના (wedge shape) પથ્થરોને એકબીજાની નજીક ગોઠવીને થતી કમાનની વિશિષ્ટ પદ્ધતિ તેમણે અપનાવી હતી. વૂસાર્સ ગોઠવ્યા પછી છેલ્લે સૌથી ઉપર મુખ્ય પથ્થર (key-stone) મૂકવામાં આવતો, તેનાથી બધાં જ વૂસાર્સ એકબીજાની સાથે દબાણને લીધે જકડાઈને રહેતા. વૂસાર્સ બાજુમાંથી ખસી ન પડે તે માટે બટ્રેસિસ ઊભાં કર્યાં. કમાનદાર છત (voult) એ રોમન સ્થાપત્યની વિશેષતા છે. જાડી દીવાલોની ઉપર ક્રમબદ્ધ કમાનોની શ્રેણી ગોઠવીને આવી નળાકાર કમાનદાર છત બનાવવામાં આવતી. કમાનદાર છતવાળા સ્થાપત્યમાં બારી નીચેના ભાગે હોવાથી અંદરની બાજુએ પૂરતો પ્રકાશ આવી શકતો નહિ. આ ખામી દૂર કરવા ગ્રૉઇન (groin) કે ક્રૉસ વૉલ્ટ(એકબીજાને છેદતી કમાનદાર છત)નો ઉદભવ થયો. નળાકાર કમાનદાર બે છત એકબીજાને કાટખૂણે છેદીને આ પ્રકારની છત બનાવવામાં આવે છે. આ પ્રકારની છત ધરાવતી ઇમારત સુંદર લાગે છે.

રોમનોએ તેમની પરંપરા પ્રમાણેનાં મંદિરો બાંધ્યાં હતાં. ઇટ્રસ્કન લોકોની જેમ તેઓ કાટખૂણા આકારે (ભારતીય મંદિરસ્થાપત્ય પ્રમાણે ભદ્રાકાર) મંદિરો બાંધતા. મંદિરો ઊંચાં અધિષ્ઠાન (પ્લૅટફૉર્મ) પર બાંધવામાં આવતાં. આ મંદિરો સ્તંભરહિત બનાવાતાં. તેનાં ગર્ભગૃહો ત્રણ વિભાગમાં વિભાજિત હતાં. મંદિરના મુખભાગે પૉર્ટિકો (પ્રવેશ- મંડપ) બનાવવામાં આવતો. મંદિર સ્તંભરહિત બનાવાતું, પરંતુ પૉર્ટિકોના ભાગમાં સ્તંભ રાખવામાં આવતા. મંદિરોમાં પડાળી (colonna) હોતી નથી. રોમમાં આવેલું ફૉર્ચ્યુના વિરિલિસનું મંદિર આનું ઉત્તમ ઉદાહરણ છે. ફ્રાન્સમાં નીમેસનું મેઇસનકારેનું મંદિર પણ આ પ્રકારનું છે. સામાન્ય રીતે રોમમાં વર્તુળાકારે મંદિરો બંધાતાં. આવા વર્તુળાકાર મંદિરના ગર્ભગૃહને ફરતી સ્તંભોની હારમાળા હોય છે. રોમમાં વેસ્ટાનાનું મંદિર આ પ્રકારનું છે. વર્તુળાકાર મંદિરોમાં પૅન્થિયન ભવ્ય હોય છે. પ્રાચીન રોમની તે સૌથી વધુ સુરક્ષિત ઇમારત છે. ઈ. સ.ની પ્રથમ સદીની શરૂઆતમાં સમ્રાટ હેડ્રિયને તેનું બાંધકામ કરાવ્યું હતું. 433 મીટર ઘેરાવો ધરાવતો તેનો ભવ્ય ઘુમ્મટ ઊંચી દીવાલો પર ટેકવેલો છે. મંદિરની છત અને પેડિમેન્ટ્સના ભાગો અસલમાં તામ્રશિલ્પોથી અલંકૃત હતા. દીવાલમાંના ગવાક્ષો એકાંતરે ગોળ અને ચોરસ હોય છે. દરેક ગવાક્ષની સન્મુખે કૉરિન્થિયન શૈલીના સ્તંભોની જોડ હોય છે. ચાપાકાર ઘુમ્મટ થરો વડે અલંકૃત હતો. મૂળમાં તે ગુલાબાકાર તામ્રના અલંકરણથી શોભાયમાન હતો. ઓક્યુલુસ (= આંખ) તરીકે ઓળખાતા ઘુમ્મટની ટોચનો ખુલ્લો વર્તુળાકાર ભાગ મીટર વ્યાસ ધરાવે છે.

રોમનો વ્યાપારી, વાણિજ્યિક અને ન્યાયિક કાર્ય માટે બસિલિકા પ્રકારની મોટી ઇમારતો બાંધતા. આનો લંબચોરસ ખંડ સ્તંભોની હાર વડે વિભાજિત થતાં મધ્યમાં મંડપની રચના થતી. ટ્રિબ્યનલ નામના ચાપાકાર ભાગમાં મૅજિસ્ટ્રેટ બેસતા. શરૂઆતના બસિલિકામાં છત લાકડાની બનાવવામાં આવતી અને તે આગ અથવા તો સડાને લીધે નાશ પામી છે. હાલ અવશેષ રૂપે ઊભેલું જૂલિયાનું બસિલિકા આ પ્રકારના સ્થાપત્યનું સારું ઉદાહરણ છે. આગથી સુરક્ષિત રહે તેવી છત સૌપ્રથમ કૉન્સ્ટન્ટાઇનની બસિલિકામાં જોવા મળે છે. અવશેષ રૂપે ઊભેલી આ ઇમારતમાં તેનો મંડપ અને પાર્શ્વમાર્ગના ભાગો જળવાઈ રહ્યા છે.

રોમનો ભવ્ય થેરમા એટલે કે સ્નાનાગાર પણ બાંધતા. તેના બાંધકામમાં ગ્રીક પલાએસ્ટ્રા (શારીરિક કસરતનું સ્થળ) અને રોમન બૅલ્નિયા(સ્નાનખંડ)નું મિશ્રણ હતું. લોકો વિના મૂલ્યે તેનો છૂટથી ઉપયોગ કરતા. આ ઇમારત કમાનાકાર લાંબી દીર્ઘા(gallery)થી સંલગ્ન વૃત્તાકાર ખંડોની બનેલી હતી. તેમાં સ્નાનખંડો, ખુલ્લા સ્વિમિંગ પુલ, ગરમ પાણીના કુંડ, કસરત અને રમત માટેની જગ્યા, ચૉક, બગીચા, મનોરંજન માટેના ખંડો, ગ્રંથાલયો, ક્યારેક સ્ટેડિયમ વગેરે વિભાગોનો સમાવેશ થતો. રોમમાં કેરેકેલાનું થેરેમા (ઈ. સ. 211) અને ડાયોક્લેશિયનનું થેરેમા (ઈ. સ. 305) આ વર્ગના સ્થાપત્યના ઉલ્લેખનીય નમૂના છે.

રોમનોએ ગ્રીકોની જેમ થિયેટર અને ઍમ્ફી થિયેટર બાંધવાની કલા પણ હસ્તગત કરી હતી. રોમનોએ પર્વતાળ જગ્યામાં બનાવવાને બદલે ખુલ્લામાં કૉંક્રીટની ઊંચી દીવાલો અને પગથિયાં સહિતના થિયેટર બનાવ્યાં હતાં. ગ્રીક થિયેટરમાં ગ્રાઉન્ડ ફ્લૉર (ભોંયતળિયાવાળો ભાગ) કે ઑરકેસ્ટ્રાનો ભાગ કોરસ માટે વપરાતો હતો. રોમન થિયેટરમાં તે ઑડિટૉરિયમનો ભાગ બન્યો. કૉલોસિયમ અથવા ફ્લેવિયન ઍમ્ફી થિયેટર આ વર્ગના સ્થાપત્યનો આદર્શ દાખલો છે. ભગ્નાવસ્થામાં હોવા છતાં રોમનાં સ્મારકોમાં તે સીમાચિહન સમાન છે. રોમના સૌથી સખત અને શ્રેષ્ઠ એવા ટ્ર્રૅવર્ટાઇન પથ્થરો વડે બાંધેલી આ ઇમારત અંડાકાર ઘાટની છે. તેનો ઘેરાવો 537 મીટર છે. તેને ફરતી દીવાલ 46 મીટર ઊંચી છે. અંદરની બાજુએ બેઠકના થર સૌથી ઉપરની ગૅલરી સુધી ચઢતા જાય છે. મોર્ગાની રચનાને લીધે આ સોપાનશ્રેણીમાં જુદા જુદા ગાળા પડે છે. બહારની દીવાલ ચાર મજલાઓમાં વિભક્ત છે. મજલાઓમાં ડૉરિકટુસ્કન, આયૉનિક અને કૉરિન્થિયન જેવી વિવિધ બાંધકામની પદ્ધતિએ વપરાઈ છે.

રોમન સર્કસ એ રેસ કૉર્સ હતું. આવું જાણીતું સર્કસ મૅક્સિમસનું સર્કસ હતું. લંબ ગોળાકાર આ સર્કસ 550 મીટર લાંબું અને 183 મીટર પહોળું હતું.

વિજેતાઓની સ્મૃતિમાં ઑગસ્ટસે રોમમાં અને અન્ય પ્રાંતોમાં 17 વિજયી કમાનોનું બાંધકામ કરાવ્યું હતું. આ પ્રકારની કમાનો એ નગર-દ્વારો હતાં. તે એક અથવા ત્રણ કમાનાકાર પ્રવેશ ધરાવે છે. છતની ઉપરના ભાગે આવેલા ‘ઍટિક’(attic)માં વિજયની સ્મૃતિમાં શિલ્પસમૂહ કંડારેલો હોય છે. જેરૂસલેમમાં ટાઇટસની, સેપ્ટિમિયસ સેવેરુસની અને કૉલોસિયમ પાસેની કૉન્સ્ટન્ટાઇનની કમાનો જાણીતી છે. પ્રથમની કમાનમાં એક અને બીજી બે કમાનમાં ત્રણ પ્રવેશમાર્ગ આવેલા છે.

‘ટ્રેજનનો સ્તંભ’

યુદ્ધના વિજેતાઓને સન્માનવા માટે ઊભા કરેલા વિજયસ્તંભોમાં ટ્રેજન અને માર્કુસ ઑરેલિયસના વિજયસ્તંભો આજે પણ રોમમાં ઊભા છે. આવા સ્તંભોમાં યુદ્ધના વિવિધ પ્રસંગોનાં શિલ્પો વિવિધ થરોમાં કંડારેલાં છે. ઈ. સ. 114માં નિર્મિત ટ્રેજનના સ્તંભમાં શિલ્પના થરની કુલ લંબાઈ 224 મીટર છે અને તેમાંનાં 2,500 સૈનિકોનાં શિલ્પ ટ્રેજનના ડેસિયન પરના આક્રમણની યાદ કરાવે છે. રોમના મહેલોમાં નીસેનો મહેલ – ડૉમસ ઔરેઆ (= સુવર્ણ ગૃહ) ઉલ્લેખનીય છે.

અસ્થિપાત્ર અથવા શબને દફનાવવા માટે રોમનોએ કબરસ્થાપત્યને ક્ષેત્રે પણ પ્રગતિ કરી હતી. કબરો નગરની બહાર માર્ગની બાજુએ બનાવવામાં આવતી અને ચિત્રકામ વડે તેને અલંકૃત કરવામાં આવતી. રોમના ઓલ્ડ આપિઆન માર્ગે કબરો આવેલી છે. સેસિલિયા મેટેલ્લા, ઑગસ્ટસ અને હાર્ડિયનની કબરો જાણીતી છે.

રોમનોએ બાંધેલા પુલોમાં ફ્રાન્સના નીમેસમાં પૉન્ટ ડુ ગારનો પુલ મહત્વનો છે. કૅપિટોલ હિલની તળેટીમાં આવેલું ફોરમ રોમનું હાર્દ હતું. શરૂઆતમાં દુકાનોની શ્રેણી ધરાવતું આ સાદા બજારનું સ્થળ હતું. પાછળથી નાગરિક જીવનના કેન્દ્ર તરીકે તેનો વિકાસ થયો. તેને ફરતી મહત્વની જાહેર ઇમારતો હતી. વક્તાઓ માટેના મંચ પણ ત્યાં આવેલા હતા. રોમના સમ્રાટોએ તેની બાજુમાં શાહી ફોરમની સ્થાપના કરી હતી. તેમાં ટ્રોજનનું ફોરમ સૌથી મોટું હતું.

આમ રોમનોએ સ્થાપત્યના ક્ષેત્રે અભિનવ પ્રગતિ કરી હતી. તેમણે અનેક પ્રકારનાં સ્થાપત્યનો વિકાસ કર્યો હતો.

થૉમસ પરમાર