રૉ, ઍડવિન ઍલિયટ વર્ડોન (સર) (જ. 1877, ગ્રેટર માન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : અગ્રણી આંગ્લ વિમાન-ઉત્પાદક. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો એંજિનના કારખાનામાં કામ કરતાં. તે પછી 3 વર્ષ ઇજનેર તરીકે તેમણે દરિયાઈ સફરમાં ગાળ્યાં. તે પાછા ફર્યા ત્યારે તેમને ઉડ્ડયનમાં રસ જાગ્યો હતો; 1907માં તેમણે બ્રુકલૅન્ડ્ઝમાં એક બાઇપ્લેનનું નિર્માણ કર્યું. એ રીતે પોતાના જ વિમાનનું જાતે જ ડિઝાઇનકામ અને નિર્માણ કરી તેમાં ઉડ્ડયન કરનાર તેઓ પ્રથમ અંગ્રેજ બની રહ્યા.
પોતાના ભાઈ હમ્ફ્રી વર્ડોન રૉના સહયોગથી તેમને 1910માં એવી રૉ ઍન્ડ કંપનીની સ્થાપના કરી અને અતિજાણીતા બનેલા એવરૉ 504 બૉમ્બર/ટ્રેનર ટાઇપ વિમાનોનું નિર્માણ આરંભ્યું અને તેની ડિઝાઇન અનેક વર્ષો સુધી પ્રમાણભૂત બની રહી. 1928માં તેમણે આ કંપની આર્મસ્ટ્રૉંગ સિડલીને વેચી દીધી અને સૉન્ડર્સ રૉ નામની કંપની સ્થાપી ઉડ્ડયન-નૌકાઓ (flying boats) બનાવવાનું શરૂ કર્યું.
1929માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો.
મહેશ ચોકસી