રૉઇસ, જોસિયા (Royce, Josiah)

January, 2004

રૉઇસ, જોસિયા (Royce, Josiah) (જ. 20 નવેમ્બર 1855, ગ્રાસવેલીનગર, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 14 સપ્ટેમ્બર 1916, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકી તત્વચિંતક. આરંભમાં એ ઇજનેરી વિદ્યાના વિદ્યાર્થી હતા. પછીથી એ તત્વજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યા. પ્રથમ જર્મનીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ યુ.એસ.માં આવ્યા. તેમના અધ્યાપકોમાં વિલિયમ જેમ્સ અને ચાર્લ્સ પીઅર્સ હતા. એ.બી.ની ઉપાધિ કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયમાં 1875માં મેળવી. કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયમાં આરંભમાં ચાર વર્ષ તેઓ અંગ્રેજી વિષયના અધ્યાપક રહ્યા પછી બાકીનાં વર્ષો તેમણે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1877માં જર્મનીમાં લાઇપઝિગ અને ગટિંગ્ટનમાં તત્વજ્ઞાનનાં વ્યાખ્યાનોમાં હાજરી આપી. જ્યૉર્જ સાન્તાયાનના માર્ગદર્શન હેઠળ 1878માં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી.

તેમનાં મુખ્ય પુસ્તકોમાં 1885માં ‘રિલિજિયસ ઍસ્પેક્ટ્સ ઑવ્ ફિલૉસોફી’ એ ઉપરાંત 1892માં ‘સ્પિરિટ ઑવ્ મોડર્ન ફિલૉસોફી’, 1898માં ‘સ્ટડિઝ ઑવ્ ગુડ ઍન્ડ ઈવિલ’, 1900–01માં ‘વર્લ્ડ ઍન્ડ ધી ઇન્ડિવિડ્યુઅલ વૉ. 1 અને 2’ અને 1908માં ‘ફિલૉસોફી ઑવ્ લૉયલ્ટી’ પ્રગટ થયાં.

જોસિયા રૉઇસ

રૉઇસ નિરપેક્ષ વિજ્ઞાનવાદ(absolute idealism)નો ખ્યાલ રજૂ કરે છે. એ મુજબ બાહ્ય વિષયનું તેમજ જગતનું જ્ઞાન ચેતનતત્વ દ્વારા પ્રાપ્ત થાય છે. સત્ય એ નિરપેક્ષ તત્વ છે. કોઈ સંદેહવાદી તેનો નકાર કરી શકે તેમ નથી. તેનો નકાર કરવા જતાં તેનો પરોક્ષ રીતે સ્વીકાર કરવો પડે છે. પ્રમાણમીમાંસામાં ભૂલની પ્રક્રિયામાં એટલું ચોક્કસ કબૂલ કરવામાં આવે છે કે કોઈ ચોક્કસ યથાર્થ જ્ઞાન રહ્યું છે. આ યથાર્થ જ્ઞાન સ્વતત્વની નિત્યતા પર આધારિત છે. જ્ઞાન સાથે સંકલ્પનું તત્વ મહત્વનું છે એમ રૉઇસ માને છે. તેથી એ વ્યક્તિમત્તાને મૂલ્યવાન લેખે છે. વાસ્તવિક જગતમાં હેતુ અને મૂલ્ય રહ્યાં છે. તેથી વ્યક્તિ પોતાના સંકલ્પ દ્વારા જે આચરણ કરે છે, તે સતતત્વ(being)ને નિરપેક્ષ રીતે ઘડનારું છે. સતતત્વ સ્વયં વિચારોની સહેતુક વ્યવસ્થા છે. જ્ઞાન એ અનુભવ દ્વારા ઘડાય છે અને તે સ્વતત્વના એકમ સ્વરૂપ નિર્માણમાં ભાગ ભજવે છે. વ્યક્તિ પોતાનું જીવન નિશ્ચિત ધ્યેય, આયોજન અને હેતુને ધ્યાનમાં રાખીને ઘડે છે. વ્યક્તિ કાર્ય કરવામાં સ્વતંત્ર છે અને પોતાના સંકલ્પ દ્વારા જગત અને ઈશ્વરના સંકલ્પ પ્રતિ પોતાનું પ્રદાન કરે છે. રૉઇસ સાંસારિક જગતને અપૂર્ણ લેખે છે. કેવળ ઈશ્વર પૂર્ણતત્વ છે. મનુષ્ય પરિમિત છે. તેથી મનુષ્ય ઈશ્વરને સાકાર કરી શકે છે.

એબરડીન વિશ્વવિદ્યાલયમાં રૉઇસને 1899માં ‘ગિફર્ડ વ્યાખ્યાનો’ આપવા આમંત્રણ અપાયું હતું, રૉઇસે બે વર્ષ વ્યાખ્યાન આપ્યાં અને તે ‘જગત અને વ્યક્તિ’ શીર્ષકથી પ્રસિદ્ધ થયાં હતાં. પ્રથમ વ્યાખ્યાનનું શીર્ષક ‘સતતત્વની ચાર ઐતિહાસિક વિભાવનાઓ’ છે અને બીજા વ્યાખ્યાનનું શીર્ષક ‘પ્રકૃતિ, મનુષ્ય અને નૈતિક નિયમન’ છે. આ વ્યાખ્યાનમાં રૉઇસ જે ખ્યાલો રજૂ કરે છે તે આ અગાઉ આંશિક રીતે 1885માં ‘ધ રિલિજિયસ ઍસ્પેક્ટ્સ ઑવ્ ફિલૉસોફી’ અને 1898માં પ્રગટ થયેલા ‘સ્ટડિઝ ઇન ગુડ ઍન્ડ ઈવિલ’ ગ્રંથોમાં આલેખિત છે. પ્રથમ વ્યાખ્યાનમાં રૉઇસ પરિમિત અને પરિમિત તત્ત્વના સંયોજનને પસંદ કરે છે. જગતનું કાલબંધન અને શાશ્વત તત્વનું મહત્વ બંને વ્યક્તિ અને જગતના વિકાસ માટે મૂલ્યવાન છે. તેમાં એક અને અનેકની સમસ્યાનો ઉકેલ તેમજ મનુષ્ય અને ઈશ્વર વચ્ચેના સેતુની કડી પ્રાપ્ત થાય છે. તેથી મનુષ્યની મર્યાદા હોવા છતાં કદાચ તેને લીધે ઈશ્વરના સાન્નિધ્ય અને ઈશ્વરની સ્વતંત્રતા શક્ય બને છે. જેમ મર્યાદિત અને અમર્યાદિત સંબંધિત છે તેમ જ્ઞાનની પ્રક્રિયામાં ભૂલ અને સુધારેલું જ્ઞાન સંબંધિત છે. જેમ હેતુના આધારમાંથી તેનું મૂર્તિમંતપણું પરિણમે છે તેમ પ્રક્રિયામાં ભૂલના બનાવથી તેનું યોગ્ય અને યથાર્થ જ્ઞાન ઉદભવે છે. ભૂલ અને સત્ય, દોષ અને શુદ્ધ પ્રમાણ પરસ્પર સંબંધિત છે. આંશિક જ્ઞાનમાંથી પૂર્ણ જ્ઞાન સંભવે છે. વ્યક્તિના જ્ઞાનમાંથી સમૂહનું જ્ઞાન, પરિમિતમાંથી અપરિમિત જ્ઞાન શક્ય બને છે.

‘તત્વજ્ઞાનનું ધાર્મિક પાસું’ એ ગ્રંથમાં રૉઇસ એવી દલીલ કરે છે કે ભૂલની શક્યતામાંથી મનુષ્ય સભાન વિચારની અનંત એકતા તરફ પહોંચે છે. અપૂર્ણ વિચારના ખ્યાલમાં ભૂલ રહી છે. તેમાંથી વધુ યોગ્ય મૂર્ત પૂર્ણ વિચાર સ્ફુરે છે. વસ્તુઓનાં નામ અને અર્થ હોવાની ક્રિયામાં બાહ્ય અને આંતરિક અર્થ રહ્યા છે. મનુષ્યનો સંકલ્પ અર્થને ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે એ બાબતને ભારપૂર્વક રજૂ કરવામાં આવે છે. આ સંદર્ભમાં રૉઇસ વાસ્તવવાદ, રહસ્યવાદ અને આલોચનાત્મક બુદ્ધિવાદના સિદ્ધાંતો તપાસે છે. કોઈ હેતુપૂર્વક કાર્ય કરવાથી તેના વિચારને અંશત: તત્પૂરતો મૂર્તિમંત કરવામાં આવે છે. આંતરિક અર્થ એટલે જેને સભાનતાપૂર્વક વસ્તુના મૂળભૂત શબ્દદેહને સ્થાપિત કરવો. આ અંગે રૉઇસ સ્વતંત્રતાનો ઘટક, પૃથક્કરણમાં વિરોધ અને તર્કસંમત બનવાના ઘટકોને તપાસી એવા નિર્ણય પર પહોંચે છે કે પ્રત્યક્ષપણું અને વિચારની યથાર્થતા આવકારદાયક છે. રૉઇસ એમ માને છે કે માનવ-સંકલ્પ અને હેતુ સાથે આંતરિક અર્થને સંબંધ છે અને એ તેનું પરિણામ છે. જેમ વસ્તુનો સર્વગ્રાહી અર્થ અંતર્નિહિત થાય છે તેમ તે અર્થ આંતરિક સ્વરૂપ ધારણ કરે છે. ધીમે ધીમે મૂર્તિમંત થતો અર્થ તે આંતરિક અર્થ છે.

જે સતતત્વ મનુષ્યના સંકલ્પને પરિપૂર્ણ કરે છે તે સતતત્વ યથાર્થ છે. રૉઇસ વાસ્તવવાદીઓની ‘નક્કર હકીકત’ની ટીકા કરતાં કહે છે કે જે હકીકતો મનુષ્યના આંતરિક સંકલ્પ સાથે બંધબેસતી નથી તે હકીકતોને વાસ્તવમાં ત્યજી દેવામાં આવે છે. માનવ-સંકલ્પ દ્વારા જે હકીકતો સંપાદિત થાય છે તેને સ્વીકૃતિ મળે છે. હકીકત એ છે કે વ્યક્તિનો ‘સ્વ’ સભાનપણે આવકારે છે અને ‘મારે તેને માન્ય કરવી જોઈએ’ એવી પ્રતીતિ વ્યક્તિના સંકલ્પને થાય છે. જાણવું એટલે વિચારવું અને વિચારવું એ ‘જે વ્યક્તિના વૈચારિક હેતુના સંદર્ભમાં વિચારવું જોઈએ.’ આમ જ્ઞાન અને નૈતિક હેતુને રૉઇસ સંકલ્પના સેતુથી સાંકળે છે. શાશ્વત સતતત્વ હકીકતોને હેતુલક્ષી વાસ્તવિક દૃષ્ટિકોણથી સાંકળી લે છે.

સામાન્ય રીતે એમ કહેવાય છે કે કુદરત એ ભૌતિક અને જડતત્વ છે. પરંતુ રૉઇસ મન અને જડતત્વના કૃત્રિમ વિભાજનનો વિરોધ કરે છે. વિજ્ઞાન અમુક સામાજિક હેતુથી પ્રેરાઈને આવા વિભાજનને સમર્થન આપતું હોય છે. કુદરતમાં વૈવિધ્ય છે. મન અને જડતત્વ વચ્ચે ભારે તનાવ છે. તદ્દન અભાન, નિશ્ચેતન, નર્યું જડતત્વ એ સત્ છે તે રૉઇસને સ્વીકાર્ય નથી. કારણ કે ‘હોવું’, ‘સત્ હોવું’ તેનો અર્થ એ છે કે હેતુનું સભાન મૂર્તિમંત થવું તે છે. જો કુદરત યથાર્થ અને સત્ હોય તો તે હેતુનું સભાન સાકારપણું છે. જે પરિમિત વિચારો છે તેમાં હેતુ દ્વારા તેના આંતરિક અર્થનું બંધારણ રચાય છે. વિચારને વ્યક્તિલક્ષી સંકલ્પબળ અને ઉપાદાન સાથે સામંજસ્ય સાધવાનું છે. તે જ્યારે આ લક્ષ્યને હાંસલ કરે છે, ત્યારે તેનો આંતરિક અર્થ પ્રાપ્ત થાય છે. બાહ્ય અર્થનું શિરોબિંદુ ઈશ્વર સ્વયં છે. તેનું ઉપાદાન આંતરિક અર્થમાં ચેતન અને વ્યક્તિલક્ષી સંકલ્પ દ્વારા પ્રાપ્ત થાય છે. ઈશ્વર બાહ્ય અને આંતરિક અર્થની પરિપૂર્ણતા છે. તેની ઉપલબ્ધિ વ્યક્તિલક્ષી અભિવ્યક્તિમાં પ્રગટ થાય છે. આ સંદર્ભમાં સઘળી વ્યક્તિલક્ષી અભિવ્યક્તિની પૂર્ણતા ઈશ્વરની વિભાવનામાં સમાપ્ત થાય છે. જગત એ યથાર્થ વિચારના વિષય તરીકે રહે છે.

વ્યક્તિ એ જગત અને તેની અભિવ્યક્તિ પોતાની ફરજ પ્રત્યે વફાદાર રહે તેમાં હાર્દરૂપે રહે છે. જગત પ્રત્યેનો ઋણસ્વીકાર વફાદારીના સદગુણ દ્વારા પરિપૂર્ણ કરે છે. જો મનુષ્ય પોતાના બૌદ્ધિક સંકલ્પને ક્રિયાન્વિત કરે તો નિરુપાધિક આદેશને જ નહિ પરંતુ ‘અન્ય લોકો’ અને જગત પ્રત્યે જે ઋણ રહ્યું છે તેને મૂર્ત કરી શકે છે. રૉઇસ માને છે કે વફાદારીનો સદગુણ અને સિદ્ધાંત કેન્ટના નિરુપાધિક આદેશ અને જે. એસ. મિલના ઉપયોગિતાના માપદંડ કરતાં વધુ સંતોષકારક છે, કારણ કે તેમાં વ્યક્તિલક્ષી સંકલ્પ ઈશ્વરની પરિપૂર્ણતા, અનંતતા અને જગતના વિષયપણાને યોગ્ય ન્યાય આપવામાં આવે છે. તેમાં કેવળ ઇન્દ્રિયસુખ કે વધુમાં વધુ લોકોના સુખ પર આધાર રાખવાનો નથી. વફાદારી એ પરિમિત અને અપરિમિત તત્વ પ્રત્યે નિષ્ઠા અને બૌદ્ધિક અભિમુખતા છે. એ સ્વતંત્રપણે પસંદ કરાયેલા સદગુણ, કાર્ય અને લક્ષ્ય પ્રાપ્ત કરતી યજ્ઞભાવના છે.

વફાદારી અને નિષ્ઠા દ્વારા સામાજિક જીવન પણ સંવાદિત બને છે. સ્વતત્વને માટે આ મહત્વની સમસ્યા છે કે પોતાની માન્યતા અને નિશ્ચિત સંબંધો જાળવીને સમાજમાં શી રીતે સુમેળભર્યું વાતાવરણ પ્રસ્થાપિત કરવું. આ વફાદારીના સદગુણ દ્વારા મૂર્ત કરી શકાય છે. એક તરફ આત્મલક્ષી હેતુ છે જે સમાજમાં શુભતત્વને સાકાર કરવા પ્રયત્નશીલ છે. બીજી તરફ વસ્તુલક્ષી સતતત્વ વ્યક્તિના હેતુને વ્યવસ્થિત કર્તવ્ય અને સચ્ચાઈ તરફ વાળે છે. વફાદારીના કર્તવ્ય દ્વારા શુદ્ધ વ્યક્તિમત્તા પ્રગટ થઈ શકે છે. શુભ એ સ્વમૂર્તિમંતપણું છે. ‘સ્વ’ની પ્રતીતિ કરીને તેને સમાજમાં અભિવ્યક્ત કરી શકાય છે. એ શુભ અને નૈતિક આચરણનું લક્ષ્ય છે. આ સાથે સંકલ્પની સ્વાયત્તતા પણ જળવાઈ રહે છે.

ખ્રિસ્તી ધર્મના યથાર્થ અર્થઘટનના સંદર્ભમાં રૉઇસ આત્મતત્વના સિદ્ધાંતને ધ્યાનમાં લે છે. સ્વતત્વને એકત્રિત કરીને આવું પરાત્પર ‘આત્મતત્વ’ (હોલી ટ્રિનિટીનું તત્વ) જગતમાં એકતા સ્થાપવાનું કાર્ય કરે છે. આ સિદ્ધાંત પ્રેમ દ્વારા આધ્યાત્મિક એકત્વને રજૂ કરે છે.

હરસિદ્ધ જોશી