રૉક ક્રિસ્ટલ

January, 2004

રૉક ક્રિસ્ટલ : ક્વાર્ટ્ઝના સર્વસામાન્ય નામથી ઓળખાતા ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : SiO2. રૉક ક્રિસ્ટલ એ પૂર્ણ સ્ફટિકમય પારદર્શક ક્વાર્ટ્ઝ છે. તેને કાપીને સસ્તા ઝવેરાત (વલ્લમ હીરા) માટે; પ્યાલા, હાથા વગેરે જેવી સુશોભન-વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે. કાશ્મીર, કાલાબાગ, તાન્જોર વગેરે તેને માટેનાં પ્રાપ્તિસ્થાનો છે. ત્યાંથી યોગ્ય શુદ્ધતાવાળા અને પારદર્શકતાવાળા ક્વાર્ટ્ઝ મેળવવામાં આવે છે. ક્ષતિવિહીન, જળનિર્મળ, યુગ્મતાવિહીન (untwinned) જમણી અને ડાબી બાજુના ક્વાર્ટ્ઝ સ્ફટિકોની તેમના દાબ-વિદ્યુત ગુણધર્મને કારણે રેડિયો અને ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગમાં માંગ રહે છે.

ઍમિથિસ્ટ અને ગુલાબી ક્વાર્ટ્ઝ એ રૉક ક્રિસ્ટલની જાંબલી અને ગુલાબી રંગની જાતો છે, જેને સુશોભન-પથ્થરો અને રત્નો બનાવવા માટે કાપવામાં આવે છે. ડેક્કન ટ્રૅપનાં કેટલાંક સ્ફટિકયુક્ત પોલાણોમાં, જબલપુર પાસેના લાવા-કોટરોની પૂરણીમાં અને પંજાબના બશહર પ્રદેશમાં ઍમિથિસ્ટ મળે છે. મધ્યપ્રદેશમાં છીંદવાડા અને આંધ્રપ્રદેશમાં વારંગલમાં ગુલાબી ક્વાર્ટ્ઝ મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા