રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ અને રાષ્ટ્રસેવક હતા. 16 વર્ષની ઉંમરે દિલીપકુમાર ગણિતશાસ્ત્ર અને સંગીતશાસ્ત્રના અભ્યાસમાં લીન હતા. 1918માં તેઓ વિજ્ઞાન સાથે કોલકાતા યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ મેળવી બી.એ. થયા. જોકે તેમની વિશેષ અભિરુચિ સંગીત અને સાહિત્યમાં હતી. આમ તો છેક 1910થી રામકૃષ્ણ પરમહંસના અધ્યયન બાદ આધ્યાત્મિક માર્ગે જવાનો અને બ્રહ્મચારી રહેવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. રામાયણ, મહાભારત, ઉપરાંત પુરાણો તથા વીરકથાઓ અને સંતકથાઓનું અધ્યયન કર્યું. 1919માં વધુ અભ્યાસાર્થે લંડન ગયા. તે અરસામાં તેમણે આત્મસાધનાનો પ્રારંભ પણ કર્યો.
કોલકાતામાં તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના સહાધ્યાયી હતા. મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, રોમાં રોલાં, બર્ટ્રાન્ડ રસેલ, રમણ મહર્ષિ, આનંદાશ્રમવાળા સ્વામી રામદાસ, જન્મે અંગ્રેજ અને ભારતીય સંન્યાસી શ્રીકૃષ્ણપ્રેમ, પંડિત જવાહરલાલ નહેરુ, પં. મદનમોહન માલવીય અને મૌલાના અબુલ કલામ આઝાદ વગેરેના તેઓ નિકટના સ્નેહી હતા. મહાયોગી શ્રી અરવિંદ તેમના ગુરુ હતા.
યુરોપની જ્ઞાનયાત્રા દરમિયાન ફ્રાન્સના મહાન ચિંતક રોમાં રોલાંની નવલકથા ‘ઝાં ક્રિસ્તોફ’ વાંચી, મુગ્ધ બની સ્વિટ્ઝર્લૅન્ડ ગયા અને આ મહાન નવલકથાકાર સાથે ચર્ચા કર્યા બાદ સંગીતની સાધના તરફ વળ્યા. લંડનમાં આઇ.સી.એસ.ની પરીક્ષા આપવાને બદલે સંગીતની ખાસ પરીક્ષા પાસ કરી. પછી જર્મની ગયા. ત્યાં વાયોલિન- વાદનની અને ગીતો ગાવાની તાલીમ લીધી. ભારતીય સંગીતમાં જર્મન અને ઇટાલિયન સંગીતનો જુસ્સો ઉમેરી શકાય તે માટે યુરોપીય સંગીતનો અભ્યાસ કર્યો. ત્યાં વ્યાખ્યાનો દ્વારા પશ્ચિમી પ્રજાને ભારતીય સંગીતમાં રસ લેતી કરી. સંગીત વિશેનાં તેમનાં પુસ્તકોમાં ‘ગીતશ્રી’, ‘સાંગીતિકી’ અને ‘સુરાંજલિ’ મુખ્ય છે, જે સંગીતમય સ્વરલિપિથી ભરપૂર છે. રોમાં રોલાં અને બર્ટ્રાન્ડ રસેલ જેવા લેખકોના ગાઢ સંપર્કમાં આવતાં ‘તીર્થંકર’ (Among the Great) નામક તેમનાં સંસ્મરણો બંગાળી તથા અંગ્રેજીમાં લખ્યાં.
તેમણે સંખ્યાબંધ નવલકથાઓ લખી, તેમાં તેમની પ્રખ્યાત અંગ્રેજી નવલકથાઓ પૈકી એક છે ‘ધી અપવર્ડ સ્પાયરલ’. તેમની મોટાભાગની નવલકથાઓ આધ્યાત્મિક અને તત્વજ્ઞાનપ્રેરિત છે. ‘આઈઝ ઑવ્ લાઇટ’ નામનું એક તત્વજ્ઞાનવિષયક દીર્ઘકાવ્ય પણ તેમણે લખ્યું છે (1960), જે ભાગવતમાંની પ્રહલાદની કથા પર આધારિત છે. તેમનાં કાવ્યોમાં શ્રી અરવિંદની સીધી પ્રેરણાને કારણે યોગવિષયક સૂક્ષ્મ દૃષ્ટિ પ્રકટ થાય છે.
યુરોપની 3 વર્ષની યાત્રા બાદ તેઓ ભારત આવ્યા. ભારતમાં બંગાળી, હિંદી, સંસ્કૃત, જર્મન, ફ્રેન્ચ તથા ઇટાલિયન સંગીત દ્વારા તેમણે શ્રોતાઓને મુગ્ધ કર્યા. ભારત અને પશ્ચિમની સૂરાવલીઓના સંયોજન પરત્વે તેમણે કાર્ય કર્યું; અને આખરે ભક્તિસંગીત તરફ વળ્યા. ભક્તિગીતોના ભાવવાહી ગાયક તરીકે ભારતભરમાં તેમણે ખ્યાતિ મેળવી. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરના આમંત્રણથી તેમણે શાંતિનિકેતનમાં સંગીત વિશે અધ્યાપનકાર્ય પણ સંભાળ્યું હતું.
1924ના અરસામાં તેઓ લખનઉ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રૉનાલ્ડ નિક્સનના સંપર્કમાં આવ્યા. તેઓ શ્રીકૃષ્ણપ્રેમ નામથી ઓળખાતા હતા. તેમની પાસેથી સૌપ્રથમ શ્રી અરવિંદ અને તેમના ‘ગીતા-પ્રબંધ’ વિશે સાંભળીને ભરયુવાન વયે સર્વસ્વ છોડી દઈને તેઓ પૉંડિચેરી પહોંચી ગયા. 1928થી તેમના આશ્રમમાં તેઓ સાધક બનીને વર્ષો સુધી રહ્યા અને પોતાની સાધના વડે ઉચ્ચ આધ્યાત્મિક પ્રગતિ સાધી.
1953માં ભારત સરકારની સૂચનાથી તેમણે શાસ્ત્રીય નૃત્ય-કલાકાર અને તેમનાં શિષ્યા ઇંદિરાદેવી સાથે વિશ્વપર્યટન દરમિયાન જાપાન, મિસર, જર્મની, ઇંગ્લૅન્ડ અને અમેરિકાની પ્રજાને સંસ્કૃતિ, કલા અને આધ્યાત્મિકતાનો સંદેશ સંભળાવ્યો. ત્યાંથી પાછા ફરીને પુણેમાં હરિમંદિર આશ્રમ સ્થાપ્યો અને શિષ્યો સાથે ત્યાં નિવાસ કર્યો.
સંત, સાધક, સંગીતકાર અને સાહિત્યકાર તરીકે દિલીપકુમારે બંગાળી અને અંગ્રેજીમાં 70થી વધુ ગ્રંથો લખ્યા છે. શરદબાબુની બે વાર્તાઓ ‘બિદુર છેલે’ અને ‘રામેર સુમતિ’ તથા દ્વિજેન્દ્રલાલ રૉયના પ્રખ્યાત નાટક ‘મેવાડપતન’નો અંગ્રેજી અનુવાદ તેમણે કર્યો છે. તેમણે ‘આપદ’, ‘ત્રિઅંકિક’ અને ‘જલટંકા’ (1934) નામનાં ત્રણ એકાંકી નાટકો પણ રચ્યાં છે. ‘સાદા કાલો’ નામનું ધાર્મિક નાટક 1940માં રચ્યું અને 1950માં ‘મીરા’ અને ‘ચૈતન્ય’ નામનાં બીજાં બે નાટકોની રચના કરી.
તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘દુ ધારા’ (1927); ‘અઘટન આજો ઘટે’ (1956); ‘અઘટનેર પૂર્વરાગ’ (1966) અને ‘અઘટનેર શોભાયાત્રા’(1967)નો સમાવેશ થાય છે. તેમની અન્ય કૃતિઓમાં સંસ્મરણો, ગીતો, પ્રવાસકથા અને વિવેચનાત્મક લખાણો જેવાં કે ‘અનામી’ (1933); ‘એદેશે ઓદેશે’ (1941); ‘પ્રતિદિનેર તીરે’ (1942); ‘અરવિંદ પ્રસંગે’ (1942); ‘આબાર બ્રહ્મમાણ’ (1944); ‘ઉદાસી દ્વિજેન્દ્રલાલ’ (1945); ‘છાયાર આલોય’ (1947); ‘ભગવતી ગીતિ’ (1949); ‘ભૂસ્વર્ગ ચંચલ’ (1949); ‘ભિખારિણી રાજકન્યા’ (1952); ‘મહાનુભાવ દ્વિજેન્દ્રલાલ’ (1966); ‘યુગશ્રી શ્રી અરવિંદ’ (1967); ‘મધુર મુરલી’ (1968); ‘ધર્મ, વિજ્ઞાન ઓ શ્રી અરવિંદ’ (1970) અને ‘ગંગાતીરે ગીતાલિ’ (1976) નોંધપાત્ર છે. તેમણે બંગાળી છંદોરચનાશાસ્ત્ર અને સંલગ્ન બાબતો પર ‘છાંદોસિકી’ નામક પ્રબંધની રચના કરી હતી (1940).
તેઓ ઇન્ડિયન સ્ટેટ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સના સભ્ય ચૂંટાયા હતા. કોલકાતાની સંસ્કૃત અકાદમીએ તેમનું ‘સોર્સ ઑવ્ ધ નેક્ટર ઑવ્ મેલડી’ (સૂરસુધાકર) તરીકે સન્માન કર્યું હતું. તેમનાં ગીતોની 50થી વધુ રેકૉર્ડ ઉતારવામાં આવેલી છે, જેમાંની ઘણી હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV), ઇન્ડિયા તરફથી ફરી તૈયાર કરાઈ છે. હિંદી ચિત્રપટ ‘મીરાબાઈ’નાં તમામ ગીતોની સંગીતરચના દિલીપકુમાર રૉયે કરી હતી (1940). તેમણે દુનિયાના કેટલાક મહાનુભાવોની લીધેલી મુલાકાતોના બંગાળી સંચય ‘તીર્થંકર’નો નગીનદાસ પારેખે ‘તીર્થ સલિલ’ નામે ગુજરાતી અનુવાદ કરેલો છે. ‘યોગમાર્ગી શ્રીકૃષ્ણ પ્રેમ’, ‘અનંતના યાત્રીઓ’ અને ‘ચમત્કારો આજે પણ બને છે’ એ તેમની જાણીતી કૃતિઓ છે. ‘પ્રિલગ્રિમ્સ ઑવ્ સ્ટાર્સ’ તેમની આત્મકથા છે.
બળદેવભાઈ કનીજિયા