રૉય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863; અ. 1913) : બંગાળના ખૂબ પ્રખ્યાત નાટ્યકાર અને કવિ. એમનું સૌથી વધુ વિખ્યાત નાટક ‘સીતા’ એમણે 1908માં રચેલું. 1923માં શિશિરકુમાર ભાદુડીએ શ્રીરામના ધીરગંભીર અવાજ સાથે તેની પ્રભાવક રજૂઆત કરી હતી. ચંદ્રવદન મહેતાને આ નાટક એટલું આકર્ષી ગયું હતું કે એમણે તે ગુજરાતીમાં ઉતાર્યું હતું, એની રજૂઆત જશવંત ઠાકરે 1946માં કરી હતી. દ્વિજેન્દ્રલાલે મુખ્યત્વે પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર નાટકો લખ્યાં  ‘તારાબાઈ’ (1903), ‘રાણા પ્રતાપ’ (1905), ‘દુર્ગાદાસ’ (1906), ‘નૂરજહાં’ (1908), ‘શાહજહાં’ (1909) વગેરે. ‘રાણા પ્રતાપ’ (1923) અને ‘શાહજહાં’ (1927) નાટકોના ગુજરાતી અનુવાદ સ્વ. ઝવેરચંદ મેઘાણીએ કર્યા. દ્વિજેન્દ્રલાલ રૉય પૌરાણિક કરતાં ઐતિહાસિક નાટકોમાં ખૂબ ખીલતા, એવું ઇતિહાસકારોએ નોંધ્યું છે, એ સાચું છે, કારણ કે એમણે રચેલાં શાહજહાં, ઔરંગઝેબ, દિલદાર વગેરે પાત્રો ભારતીય નાટ્યસાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે. એમનાં નાટકોમાં હાસ્યરસિક ગીતો ખૂબ આવતાં, પરંતુ ફારસ નાટકોમાં દ્વિજેન્દ્રલાલ એટલા સફળ નહોતા થયા. દ્વિજેન્દ્રલાલ પોતાના સમકાલીનોમાં ખાસ કરીને ગિરીશચંદ્રનાં નાટકો કરતાં ખૂબ જુદા પડી આવતા. એમનાં નાટકોમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમની ઝલક પ્રેક્ષકોને ખૂબ આકર્ષતી. આ માટે ઐતિહાસિક કથાવસ્તુનું એ ઊંડાણથી સંશોધન કરતા અને કલ્પનાના રંગે પોતાનાં પાત્રોને વિકસાવતા. એમના ‘ચંદ્રગુપ્ત’ નાટક(1911)માં વૈરાગ્નિમાં જલતા ચાણક્ય અને પ્રેમને ઝંખતા ચંદ્રગુપ્તનાં પાત્રો બંગાળના સાહિત્યમાં હજી આજ સુધી અદ્વિતીય રહ્યાં છે. વસ્તુગૂંથણી, પાત્રાલેખન અને નાટ્યાત્મક ભાષામાં દ્વિજેન્દ્રલાલે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. આજે પણ એમનાં ‘શાહજહાં’ અને ‘ચંદ્રગુપ્ત’ નાટકો બંગાળમાં ભજવાય છે.

હસમુખ બારાડી