રૉયલ નાટક મંડળી (1919થી 1929) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા. મહાશંકર વેણીશંકરે ભટ્ટે 1919માં મુંબઈના એડ્વર્ડ થિયેટરમાં તે શરૂ કરી હતી. કવિ મૂળશંકર હરિનંદ મૂલાણી-રચિત નાટકો ‘ભાગ્યોદય’ (1919), ‘એક જ ભૂલ’ (1920), ‘કોકિલા’ (1926) તથા કવિ જામન-લિખિત ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’ (1922), ‘એમાં શું ?’, ‘રાજરમત’ (1923), ‘એ કોનો વાંક ?’ (1924) અને કવિ જી. એ. વૈરાટી-રચિત ‘વીર નવઘણ’ (1926) તથા મુનશી અઝીઝ-રચિત ‘તસવીરે બલા’ (હિંદી) (1926), મુનશી અબ્દુલ લતીફ ‘શાદ’નું ‘શાહેજહાં’ (ઉર્દૂ) (1927), તેમજ ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા-રચિત ‘કુલાંગાર કપૂત’ (1929) વગેરે નાટકો ખૂબ માવજતપૂર્વક ભજવ્યાં. સંસ્થાના દિગ્દર્શક સોરાબજી મહેરવાનજી કાત્રક હતા. સંગીતકાર રતિલાલ નાયક (વડનગર) અને ઉગરચંદ માસ્તર હતા. નૃત્યશિક્ષક હતા ભોગીલાલ નાયક તથા જગજીવન માળી. સંનિવેશની જવાબદારી પેન્ટર બી. રેડાર્ટ, રઘુવીર દાદા તથા પેન્ટર અમૃતલાલ નાયક સંભાળતા હતા. પુરુષ-પાત્ર ભજવનારા મુખ્ય અભિનેતાઓમાં સોરાબજી કાત્રક, દલપતરામ, રતિલાલ નાયક, વનમાળી નાયક, બાલુભાઈ પટેલ, નૂરમહંમદ, સુખલાલ, રાઘવજી જોશી, અલીદાદન, ભોગીલાલ, લાલજી નંદાનો અને સ્ત્રી-પાત્ર ભજવનારા મુખ્ય અભિનેતાઓમાં પરસોતમ નાયક (વડનગર), પ્રભાશંકર નાયક, પન્નાલાલ નાયક, અલારખા મીર, આણંદજી પંડ્યા, રણછોડ નાયક, જેઠાલાલ નાયક અને અમૃત જાનીનો સમાવેશ થતો હતો. સંસ્થાએ મુંબઈ, અમદાવાદ, સૂરત, કરાંચી, હૈદરાબાદ, વડોદરા, રાજકોટ અને જામનગર જેવાં શહેરોમાં નાટકો ભજવ્યાં હતાં.
બીજી નાટ્યસંસ્થાઓ કરતાં આ સંસ્થાની નાટ્યરજૂઆત વિશિષ્ટ પ્રકારની હતી. દિગ્દર્શક સોરાબજી કાત્રકે નાટકોનું સુંદર દિગ્દર્શન કર્યું હતું. ‘એક જ ભૂલ’, ‘ભૂલનો ભોગ’, ‘સોનેરી જાળ’, ‘એમાં શું ?’, ‘વીર નવઘણ’ વગેરે નાટકો લોકાદર પામ્યાં હતાં.
1920માં ‘એક જ ભૂલ’ નાટકમાં પ્રભાશંકર નાયકે ‘રમણી’ની ભૂમિકા ઉત્તમ રીતે ભજવવાથી તેઓ પ્રભાશંકર ‘રમણી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
ધીરેન્દ્ર સોમાણી
હસમુખ બારાડી