રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS)

January, 2004

રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS) : 1830માં બ્રિટિશ ભૂગોળવેત્તાઓના જૂથે લંડન ખાતે સ્થાપેલું ભૂગોળ મંડળ. તેનો વૈચારિક અને વાસ્તવિક ઉદભવ 1827માં રૅલે (Raleigh) ટ્રાવેલર્સ ક્લબમાં થયેલો. 1859માં તેને ‘રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી’ નામ અપાયેલું. તેની સ્થાપના પછી તુરત જ 1888માં સ્થપાયેલ આફ્રિકન એસોસિયેશનને તેમાં ભેળવી દેવામાં આવેલું.

ઓગણીસમી સદીમાં આ સોસાયટીએ ગિયાના(જૂનું બ્રિટિશ ગિયાના)માં અભિયાનો આદરવાની વાતનું સમર્થન કરીને સર રૉબર્ટ શૉમ્બૂર્કની દોરવણી હેઠળ શરૂઆત કરી. તે પછી આ સોસાયટીના ઉપક્રમે આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં ડૅવિડ લિવિંગ્સ્ટન, સર રિચાર્ડ બર્ટન, જૉન એચ. સ્પેક, જેમ્સ એ. ગ્રાન્ટ અને જોસેફ ટૉમ્સન દ્વારા તથા આર્ક્ટિકમાં સર જૉન ફ્રૅન્કલિન અને સર જ્યૉર્જ નૉરિસ દ્વારા અભિયાનો થયેલાં. વીસમી સદી દરમિયાન આ સોસાયટીના નેજા હેઠળ રૉબર્ટ એફ. સ્કૉટનું પ્રથમ ઍન્ટાર્ક્ટિક અભિયાન, સર અર્નેસ્ટ શૅકલટનનું ઇમ્પીરિયલ ટ્રાન્સ-ઍન્ટાર્ક્ટિક અભિયાન, એક પછી એક થયેલાં માઉન્ટ એવરેસ્ટનાં અભિયાનો (તે પૈકીનું 1953નું સર એડમંડ હિલૅરીનું સફળ અભિયાન પણ તેમાં સમાવિષ્ટ થાય છે), નૉર્વેજિયન–બ્રિટિશ–સ્વીડિશ ઍન્ટાર્ક્ટિક અભિયાન (1949–52), સર વિવિયન ફૂક્સ બ્રિટિશ કૉમનવેલ્થ ટ્રાન્સ-ઍન્ટાર્ક્ટિક અભિયાન (1955–58), મધ્ય બ્રાઝિલ માટો ગ્રોસો વિસ્તારનું અભિયાન (1967), કેન્યાના દક્ષિણ તુર્કાના વિસ્તારનું અભિયાન (1968–70), ઓમાનનું મુસૅનડમ દ્વીપકલ્પનું અભિયાન તથા મલેશિયાના ઉત્તર સારાવાક વિસ્તાર(1975)નું અભિયાન – જેવાં અનેક અભિયાનો થયાં છે.

1954માં આ સોસાયટીએ એવરેસ્ટ-આરોહણો માટેની ભાગીદાર આલ્પાઇન ક્લબ સાથે મળીને પર્વતશિખરોનાં આરોહણો માટે નાણાકીય સહાયથી માઉન્ટ એવરેસ્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ઉપરાંત સોસાયટીએ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં ભૂગોળના અભ્યાસને પ્રોત્સાહન આપ્યું. ભૂગોળના જ્ઞાનનો વિકાસ કરવો, વ્યાખ્યાન-શ્રેણીઓ ગોઠવવી, પુસ્તકો પ્રકાશિત કરવાં એ તેનું લક્ષ્ય રહ્યું છે. પુસ્તકાલયો મારફતે ‘ધ જ્યોગ્રાફિકલ જર્નલ’, ‘જ્યોગ્રાફિક મૅગેઝીન’ શરૂ કર્યાં છે. આ સોસાયટી હસ્તક પોતાનો જાહેર નકશા-કક્ષ પણ છે. આ સોસાયટી સર્વેક્ષણનું કાર્ય પણ કરે છે અને ભૌગોલિક સંશોધનો અને અભિયાનોમાં મદદરૂપ બને છે. પેરૂ અને બોલિવિયા(1911થી 1913)ની સરહદી તકરારોમાં લવાદીનું કામ પણ તેણે કરેલું. કાઉન્સિલની ભલામણોને આધારે બ્રિટિશ સત્તા દર વર્ષે અભિયાનો માટે બે સુવર્ણ ચંદ્રકોનું પ્રદાન કરે છે.

ગિરીશભાઈ પંડ્યા