રૉયલ્ટી : અદૃશ્ય મિલકતો અને કેટલીક શ્ય મિલકતોનો ઉપભોગ કરવા માટે ઇતર વ્યક્તિ દ્વારા માલિકને મળવાપાત્ર રકમ. મિલકતો મુખ્યત્વે બે પ્રકારની હોય છે : દૃશ્ય અને અદૃશ્ય. વારસો, બચતો વગેરે  કારણે વ્યક્તિઓને વધતી-ઓછી દૃશ્ય મિલકતો પ્રાપ્ત થાય છે. બુદ્ધિ, સંશોધનશક્તિ, કલા અને સર્જનશક્તિથી કેટલીક વ્યક્તિઓ કેટલીક કૃતિઓ રચી શકે છે. આ કૃતિઓને તે કૉપીરાઇટ અને પેટન્ટના કાયદા હેઠળ પોતાની અદૃશ્ય મિલકત બનાવી શકે છે. દૃશ્ય મિલકતોના કબજાનો હક્ક અન્યોને આપી માલિક ‘ભાડું’ નામની ઊપજ પેદા કરી શકે છે. દૃશ્ય મિલકતો પૈકી ખનિજો ધરાવતી ખાણ, ખનિજતેલના કૂવા જેવી મિલકતોનો કબજો અને તે મિલકતોમાંથી નીકળતી સામગ્રીનો ઉપભોગ કરવાનો હક્ક માલિકો અન્ય વ્યક્તિ/સંસ્થાને આપે તેનો જે બદલો તે મેળવે તેને રૉયલ્ટી કહેવાય છે. કૉપીરાઇટ અને પેટન્ટ હેઠળની અદૃશ્ય મિલકતોમાંથી દેખીતી રીતે ભૌતિક સામગ્રી-સંપત્તિ નીકળતી નથી; પરંતુ તેના ઉપયોગથી સંપત્તિ અને કમાણીનું સર્જન કરી શકાય છે. અદૃશ્ય મિલકતના માલિક અન્યોને તેનો ઉપભોગ કરવાનો હક્ક આપે અને તેના બદલામાં તે જે મેળવે તે પણ રૉયલ્ટી કહેવાય છે.

રાજ્યની વ્યવસ્થા માટે ઓગણીસમી સદીથી લોકશાહી અને તેના જેવી અન્ય રાજ્યવ્યવસ્થાઓ સ્વીકારાઈ તે પૂર્વે રાજાઓ ઈશ્વરનો અંશ ગણાતા હતા. તેઓ વારસા અને યુદ્ધોથી મુખ્યત્વે જમીન અને મહેલાતોના માલિક બનતા. જમીનમાંથી ખનિજો વગેરે કાઢવાનો હક્ક રાજાઓએ અન્યોને આપી તેનો બદલો મેળવ્યો. રાજાઓનો પ્રભાવ ઓછો થતાં જમીનદારો, સામંતો, ધંધાદારીઓએ દૃશ્ય મિલકતોની માલિકી પ્રાપ્ત કરી. એમણે પણ ખનિજો વગેરે કાઢવા માટે અન્યોને જમીન આપી અને તેનો બદલો મેળવ્યો. રાજાશાહીને કારણે એનું નામ રૉયલ્ટી રાખવામાં આવ્યું તે ચાલુ રહ્યું અને પછી તો આજદિન સુધી એ જ નામ સ્વીકાર્ય બન્યું છે.

દૃશ્ય મિલકતોમાંથી ભાડા અને વ્યાજ જેવી ઊપજની જેમ જ રૉયલ્ટી પણ વગર મહેનતની (unearned) કમાણી તરીકે ઓળખાય છે. આથી તે ચર્ચાસ્પદ બની છે. મધ્ય એશિયાના બાદશાહો અને અમીરો ખનિજતેલના કૂવામાંથી રૉયલ્ટીના નામે અઢળક સંપત્તિના ધણી બન્યા છે. અદૃશ્ય મિલકતના પેદા કરનારા જે રૉયલ્ટી મેળવે છે તે સંશોધન, બૌદ્ધિકતા, કલા અને સર્જનશક્તિનું વળતર છે તેથી તે આવકાર્ય બની છે; પરંતુ તેને દૃશ્ય મિલકતોની જેમ વારસા તરીકે તબદીલ કરવામાં આવે છે, ત્યારે એમાંથી ચૂકવવામાં આવતી રૉયલ્ટી ચર્ચાસ્પદ બને છે. આથી આ બાબતમાં કેટલાક દેશોએ સમયમર્યાદા આંકી છે. આંકેલી સમયમર્યાદા બાદ એવી અદૃશ્ય મિલકતની માલિક કોઈ વ્યક્તિ/સંસ્થા રહેતી નથી. આથી તેના ઉપયોગના બદલા તરીકે રૉયલ્ટી ચૂકવવાની રહેતી નથી. એ મિલકત હવા, પાણીની જેમ સામાજિક મિલકત બની જાય છે.

સૂર્યકાન્ત શાહ