રૉબિનહૂડ : ઇંગ્લૅન્ડના શેરવૂડ કે બાર્ન્સડેલના જંગલમાં વસતો, દંતકથારૂપ બનેલો, મધ્યકાલીન યુગનો, ગરીબોનો બેલી અને ધનિકોનો દુશ્મન, પરંતુ રાજસત્તા સામે બહારવટે ચડેલો વીરપુરુષ. પોતાની આજ્ઞાનો ભંગ કરનાર, પછી ભલે તે રાજસત્તા હોય કે સામાન્ય પ્રજાજન, કોઈની શેહશરમ વગર, તેને રહેંસી નાંખતાં તેને કોઈ રોકી શકતું ન હતું. તે સ્ત્રીદાક્ષિણ્યથી ભરપૂર દયાળુ પણ હતો. જંગલમાં શિકાર કરવાની આડે આવતાં રાજસત્તાના કાયદાકાનૂનની તે કદાપિ પરવા કરતો ન હતો. સામાન્ય માણસ માટે તો તે આદર્શરૂપ હતો. તેના નામે લોકકાવ્યો રચાયાં હતાં. કાવ્ય, નાટક, ઑપેરા, નવલકથા, ચલચિત્ર, દૂરદર્શનકથા અને યુવાજગત માટે તે એક પ્રિય વિષય બની ગયેલો છે. 1939માં જે. હેરિસ ગેબલે તેના જીવનચરિત્રમાં તેનાં સેંકડો સાહસો વિશે સંદર્ભ આપ્યો છે. આબાલવૃદ્ધ સૌ માટે તેનું જીવન સાહસકથાના પર્યાયરૂપ બની ગયેલું છે. ટેનિસનના ‘ધ ફૉરેસ્ટર્સ’ અને આલ્ફ્રેડ નૉઇઝના ‘રૉબિનહૂડ ઍન્ડ ધ થ્રી કિંગ્ઝ’ જેવાં કથનાત્મક કાવ્યોમાં, હાવર્ડ પાઇલનાં રેખાંકનો, રેજિનાલ્ડ ડી કૉવેનના ઑપેરા ‘રૉબિનહૂડ’માં કે ડગલાસ ફૅરબૅન્ક્સનાં ચલચિત્રો દ્વારા રૉબિનહૂડ ઘેર ઘેર જાણીતો થઈ ગયો છે. રૉબિનહૂડ ખરેખર કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતો કે પછી તેના નામે રચાયેલી દંતકથાઓનો નાયક તે સંશોધકો માટે ચર્ચાસ્પદ બાબત રહી છે.

વિલિયમ લૅંગલૅન્ડના ‘પિયર્સ પ્લાઉમૅન’ મહાકાવ્યમાં એક પાદરી કહે છે કે તે રૉબિનહૂડને લગતાં લોકકાવ્યો જાણે છે. સ્કૉટલૅન્ડના ઇતિહાસકાર જૉન ફૉડર્નના મત મુજબ રૉબિનહૂડનું જીવનચરિત્ર વાચકો માટે રસપ્રદ છે. ઇતિહાસકાર વૉલ્ટર બાવર રૉબિનહૂડની દયાવૃત્તિનાં વખાણ કરે છે. સર ફિલિપ સિડની, શેક્સપિયર, બેન જૉન્સન વગેરેએ તેના નામની નોંધ લીધી છે. રૉબિનની કબર કર્કલીસ પ્રાયોરી નામના સ્થળે આવેલી છે – તેમ મનાય છે. રાજા રિચર્ડ પહેલા (બારમી સદી) અને એડવર્ડ બીજા (ચૌદમી સદી) દરમિયાન રૉબિનહૂડ થઈ ગયો હશે તેવું અનુમાન થયું છે. 1795માં જોસેફ રિટ્સને રૉબિનહૂડ વિશે મળતી સમગ્ર માહિતી સંકલિત કરી છે. સર વૉલ્ટર સ્કૉટ અને ટૉમસ લવ પીકૉક જેવા નવલકથાકારોએ અનુક્રમે ‘આઇવેનહો’ (1820) અને ‘મેઇડ મારિયન’ (1822) દ્વારા રૉબિનહૂડની વાર્તાને રોમાંચક રીતે રજૂ કરી છે. ફ્રેન્ચ અભ્યાસીઓએ રૉબિનને સેક્સન દેશપ્રેમી તરીકે નૉર્મન્સની સામે યુદ્ધ કરતો બતાવ્યો છે. લોકસાહિત્યના મર્મજ્ઞ પ્રો. એફ. જે. ચાઇલ્ડ તેમના ‘ઇંગ્લિશ ઍન્ડ સ્કૉટિશ પૉપ્યુલર બૅલડ્ઝ’માં દૃઢતાપૂર્વક ઐતિહાસિક રૉબિનહૂડને રદબાતલ કરી, તે માત્ર કથાકાવ્યનું કાલ્પનિક પાત્ર છે તેમ કહે છે. જોકે હન્ટર ‘ધી એવિડન્સ ફૉર અ હિસ્ટૉરિકલ રૉબિનહૂડ’માં એમ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે 1320 પછી રૉબિનહૂડ યૉર્કશાયરના દરબારમાં જાણીતો બહારવટિયો હતો અને તે એડવર્ડ બીજાના સૈન્ય સામે 1322ના યુદ્ધમાં લડેલો. તે વખતે તેની માલમિલકત જપ્ત થયેલી. જે. ડબ્લ્યૂ. વૉકર ‘રૉબિનહૂડ આઇડેન્ટિફાઇડ’(1944)માં અને પી. વેલેન્ટાઇન હેરિકા ‘ધ ટ્રૂથ એબાઉટ રૉબિનહૂડ’(1952)માં હંટરના મત સાથે સહમત થતા નથી.

અનેક કથાકાવ્યોમાં રૉબિનહૂડ વારંવાર દેખા દે છે. લોકજીવનમાં ઓતપ્રોત થઈ ગયેલાં તેને વિશેનાં લોકકાવ્યોએ સૈકાઓ સુધી કામણ કર્યાં છે. આ કાવ્યોના જૂના ઢાળ-સંગીતને જાળવવા માટેના પ્રયત્નો થયા છે.

રૉબિનહૂડની કથા વખતોવખત બૅલડ્ઝ, મે ગેમ્સ, રૉબિનહૂડ પ્લેઝ અને મૉરિસ ડાન્સ દ્વારા રજૂ થતી રહી છે. તેની કથાઓને નાટ્યસ્વરૂપ પણ બક્ષવામાં આવ્યું છે. આ ભજવાતાં નાટકોની પૂર્ણાહુતિ વખતે ‘રૉબિનહૂડ ડે’ ઊજવાતો. ‘મેઇડ મારિયન ડાન્સ’માં અનેક પાત્રોની વચ્ચે રૉબિનહૂડ પણ દેખા દે છે. દંતકથાનો રૉબિનહૂડ અને ઐતિહાસિક રૉબિનહૂડ એકમેક વિલીન થઈ જાય છે.

આધુનિક સમયમાં બાલસાહિત્ય, ઑપેરા, નાટક, ચલચિત્ર અને દૂરદર્શન સિરિયલમાં રૉબિનહૂડને રોમૅન્ટિક શૈલીમાં આલેખવામાં આવ્યો છે.

રૉબિનહૂડના નજીકના સાથીઓમાં જાડોતગડો, હસમુખો પાદરી ફ્રાયર ટક, છ ફૂટથી વિશેષ ઊંચાઈ ધરાવનાર, ધનુષ્યધારી અને નિશાનબાજ લિટલ જૉન અને તેની પ્રેયસી મેઇડ મારિયનનાં નામોનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે.

વિ. પ્ર. ત્રિવેદી