રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન

January, 2004

રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન (જ. 22 ડિસેમ્બર 1869, હેડટાઇડ, મેઇન, યુ.એસ.; અ. 6 એપ્રિલ 1935, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન કવિ અને પત્રકાર. ગાર્ડિનર શહેરમાં ઉછેર. તેમની કવિતામાં દૃષ્ટિગોચર થતું ‘ટિલબેરી ટાઉન’ તે જ ગાર્ડિનર. શિક્ષણ હાર્વર્ડમાં (1891–93). ન્યૂયૉર્ક સિટીમાં નોકરી. ‘ધ ટૉરન્ટ ઍન્ડ ધ નાઇટ બિફોર’ (1896) તેમનો અંગત રીતે છપાયેલો પ્રથમ કાવ્યસંગ્રહ. અંગ્રેજ કવિ ટૉમસ હાર્ડીની અસર આ કાવ્યોમાં સ્પષ્ટ છે. કાર્લ સૅન્ડબર્ગની ‘શિકાગો પોએમ્સ’ની જેમ એક (કલ્પિત) શહેર ‘ટિલબેરી ટાઉન’ નામધારી કાવ્યસંગ્રહ(1953)નાં 63 કાવ્યો લૉરેન્સ ટૉમ્સને પ્રસિદ્ધ કરેલાં. કોઈ સમીક્ષકે જ્યારે કહ્યું કે તેમનાં કાવ્યોમાં રજૂ થતી દુનિયા સુંદર નહિ, પણ તુરંગ જેવી છે, ત્યારે તેમણે પાછળથી જણાવેલું કે દુનિયા ખરેખર તો બાળમંદિર જેવી છે, જ્યાં મૂંઝાયેલાં બાળકો ખોટા મૂળાક્ષરોનાં બીબાંથી GODની જોડણી લખવા પ્રયત્ન કરે છે. ‘ધ ચિલ્ડ્રન ઑવ્ ધ નાઇટ’(1897)માં ઉપર્યુક્ત કાવ્યોમાંથી કેટલાંક ફરીવાર મુકાયાં છે. બ્રાઉનિંગના ડ્રામૅટિક મૉનોલૉગની જેમ આ કાવ્યોમાં રિચર્ડ કોરી (જે જીવનનો કોઈ હકારાત્મક અર્થ નહિ હોવાથી આપઘાત કરે છે), ક્લિફ ક્લિંજેનહેગન, આરૉન સ્ટાર્ક જેવાં પાત્રોની વીતકકથાઓ છે. પ્રેસિડન્ટ થિયોડૉર રૂઝવેલ્ટને તે અને ‘કૅપ્ટન ક્રેગ’(1902)નાં કાવ્યો એટલાં ગમેલાં કે તેમણે રૉબિન્સનને ન્યૂયૉર્કના કસ્ટમ હાઉસની નોકરીને બદલે માત્ર કવિતા લખવા માટે આર્થિક સગવડ કરી આપેલી. ‘ધ ટાઉન ડાઉન ધ રિવર’ (1910)માં મિનિવર ચીવી અને અન્ય લોકોનાં ચરિત્રચિત્રણો છે. ન્યૂ હૅમ્પશાયરના નિવાસસ્થાનમાં પ્રત્યેક ઉનાળે જઈને તેમણે કાવ્યો રચ્યાં હતાં. ‘ધ મૅન અગેન્સ્ટ ધ સ્કાય’ (1916) નોંધપાત્ર કાવ્યસંગ્રહ છે. તેમાં ‘બેન જૉન્સન એન્ટરટેન્સ અ મૅન ફ્રૉમ સ્ટ્રૅટફર્ડ’ જેવાં પ્રસિદ્ધ કાવ્યો છે. ‘લૅન્સલૉટ’ (1920) રાજા આર્થર વિષયક કાવ્યસંગ્રહ છે. આ જ વસ્તુ પર લખાયેલાં ‘ટ્રિસ્ટ્રેમ’(1927)ને પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયું હતું. ‘ધ થ્રી ટૅવર્ન્સ’ (1920) અને ‘ક્લેક્ટેડ પોએમ્સ’ (1921) માટે બીજી વાર અને ‘ધ મૅન હૂ ડાઇડ ટ્વાઇસ’ (1924) માટે ત્રીજી વાર પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયેલાં.

એડ્વિન આર્લિંગ્ટન રૉબિન્સન

‘રૉમન બાર્થોલો’ (1923), ‘ડાયૉનિસસ ઇન ડાઉટ’ (1925), ‘કૅવેન્ડર્સ હાઉસ’ (1929), ‘ધ ગ્લૉરી ઑવ્ ધ નાઇટિંગેલ્સ’ (1930), ‘મૅથિયસ ઍટ ધ ડૉર’ (1931), ‘નિકૉડૅમસ’ (1932), ‘ટૅલિફર’ (1933), ‘ઍમરન્થ’ (1934) અને ‘કિંગ જૅસ્પર’ (1935) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘કિંગ જૅસ્પર’માં આ સાવ અસ્તવ્યસ્ત દુનિયામાં માનવજીવનની કરુણાંતિકા અને છતાંય માનવની બુદ્ધિથી પર એવાં સત્યોના આધ્યાત્મિક આકલનમાં શ્રદ્ધા વ્યક્ત થઈ છે. ‘સૉનેટ્સ’(1928)માં 1889થી 1927 સુધી લખાયેલાં સૉનેટકાવ્યો છે. 1940માં તેમના પત્રો પણ પ્રસિદ્ધ થયેલા. વ્યક્તિના પક્ષપાતી એવા રૉબિન્સને માણસમાત્રના આંતરિક સત્યને સલામ કરી છે. લોકોની રોજબરોજની ભાષામાં લાગણીઓ વ્યક્ત કરતા આ કવિમાં અમેરિકાના ન્યૂ ઇંગ્લૅન્ડની અસ્મિતા અભિવ્યક્ત થઈ છે. તેમની કવિતામાં પરંપરા, નવનિર્મિતિ અને વાસ્તવ સાથે ‘રોમાન્સ’નો સુભગ સમન્વય થયો છે.

વિ. પ્ર. ત્રિવેદી