રૉડિક, અનીતા (લૂસિયા)

January, 2004

રૉડિક, અનીતા (લૂસિયા) (જ. 1943, બ્રાઇટન, ઇંગ્લૅન્ડ) : પ્રાકૃતિક સૌંદર્ય-પ્રસાધનોનાં પુરસ્કર્તા. પ્રારંભમાં તેમણે પોતાનાં ઇટાલિયન માબાપના આઇસક્રીમ-પાર્લરમાં કામગીરી બજાવી હતી. તેમણે નાટ્યશિક્ષક તરીકેની તાલીમ પણ લીધેલી.

શાકભાજી જેમ છૂટક વેચાય છે તેમ સૌંદર્ય-પ્રસાધનોનું છૂટક (retail) વેચાણ થઈ શકે કે કેમ એ બાબતે તેમને કુતૂહલ થયું. 1976માં તેમણે બ્રાઇટનની એક પાછલી શેરીમાં કુદરતી પેદાશોમાંથી બનાવેલાં સૌંદર્ય-પ્રસાધનોના વેચાણ માટેની નાની દુકાન શરૂ કરી. કૃત્રિમ રીતે બનાવાતાં પ્રસાધનોની જેમ આ પ્રસાધનોનો પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો ન હતો. વળી ફરી-ફરી ભરી શકાય એવાં પાત્રો(containers)માં તેમનું વેચાણ કરાતું હતું. પરિસ્થિતિ-વિજ્ઞાન (ecology) પ્રત્યે વધતી જતી તેમની પ્રતિબદ્ધતાના પરિણામે તથા ત્રીજા વિશ્વમાં મળેલા આવકારને પરિણામે આ ‘બૉડી શૉપ’ની શ્રેણીબંધ શાખાઓ નીકળી. 1980ના દશકામાં તે શાખાઓને કુલ 60 લાખ પાઉન્ડનો નફો થયો. સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમમાં આ કંપનીના 100 ઉપરાંત સ્ટોર છે અને પરદેશોમાં પણ આથી બમણી સંખ્યામાં તે સ્ટોર ધરાવે છે. તેમને સંખ્યાબંધ ઍવૉર્ડ મળ્યા છે; તેમાં બકસિયા એન્વાયરમેન્ટલ ઍવૉર્ડ (1993) તથા બૉટવિનિક પ્રાઇઝ ઇન બિઝનેસ એથિક્સ (1994) મુખ્ય છે.

મહેશ ચોકસી