રૉઇટર, પૉલ જૂલિયસ

January, 2004

રૉઇટર, પૉલ જૂલિયસ (જ. 21 જુલાઈ 1816, કૅસલ, જર્મની; અ. 25 ફેબ્રુઆરી 1899, નીસ, ફ્રાન્સ) : સૌથી પહેલી સમાચાર એજન્સીના સ્થાપક. આ સમાચાર-સેવા હજુ પણ તેમના નામથી ઓળખાય છે. તેઓ યહૂદી માતા-પિતાનું સંતાન હતા. મૂળ નામ ઇઝરાયલ બિયર જોસેફટ હતું, પણ 1844માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ‘રૉઇટર’નું નવું નામ અપનાવ્યું.

ગટિંગ્ટનમાં બૅન્ક-કારકુનની નોકરી દરમિયાન તેઓ જાણીતા ગણિતજ્ઞ તથા પદાર્થવિજ્ઞાની કાર્લ ફ્રેડરિક ગાઉસના પરિચયમાં આવ્યા. તે વખતે તે વિજ્ઞાની ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ અંગે પ્રયોગો કરી રહ્યા હતા. સમાચાર-પ્રસારણમાં આ વસ્તુ મહત્વની નીવડવાની હતી.

1840ના દાયકામાં તેઓ બર્લિનમાંના નાના પ્રકાશનગૃહમાં જોડાયા. તેમણે પ્રગટ કરેલાં સંખ્યાબંધ રાજકારણ-વિષયક ચોપાનિયાં સત્તાવાળાઓના રોષનો ભોગ બન્યા. 1848માં તેઓ પૅરિસ ચાલ્યા ગયા. તેમણે વિવિધ લેખો તથા વાણિજ્ય-વિષયક સમાચારોના સાર-ભાગનું ભાષાંતર કરી જર્મનીનાં અખબારોને મોકલવાનો પ્રારંભ કર્યો. જર્મન તથા ફ્રેન્ચ-બેલ્જિયન ટેલિગ્રાફ લાઈનનાં બે અંતિમ સ્થળ સમાં આકન તથા બ્રસેલ્સ વચ્ચે તેમણે 1850માં વાહક કબૂતર સેવા(carrier pigeon service)નો આરંભ કર્યો.

પૉલ જૂલિયર રૉઇટર

1851માં તેમણે લંડન જઈ ટેલિગ્રાફિક ઑફિસ ખોલી. શરૂઆતમાં  વેપારી ટેલિગ્રામ પૂરતી તેમની સેવા સીમિત હતી, પરંતુ દૈનિક અખબારોની સંખ્યા વધતી જવાથી, તેમણે અનેક પ્રકાશકોને પોતાની સેવાનો લાભ લેવા લવાજમ ભરવા સમજાવ્યા. 1858માં તેમનું પ્રથમ ગ્રાહક બનનાર અખબાર તે લંડનનું ‘મૉર્નિંગ એડ્વર્ટાઇઝર’. પછી તો દૈનિકોની ગ્રાહકસંખ્યા અનેકગણી વધી ગઈ. 1859માં તેમને પ્રથમ જ્વલંત વિજય મળ્યો, ઇટાલીમાં આવી પડનારા ઑસ્ટ્રો-ફ્રેન્ચ પીડમૉન્ટ્સ યુદ્ધની આગાહી કરતા નેપોલિયન(ત્રીજા)ના પ્રવચનને તે લંડનમાં મોકલાવી શક્યા.

1871માં તેમને બૅરનનું સન્માન-પદક અપાયું અને પાછળથી એ જ પદકના વિશેષાધિકારો તેમને ઇંગ્લૅન્ડમાં પ્રાપ્ત થયા. 1878માં તેઓ ‘રૉઇટર્સ’ના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા.

રૉઇટર વૃત્ત સંસ્થા : વિવિધ વૃત્ત માધ્યમોને છેલ્લામાં છેલ્લા સમાચારો તથા ફીચરો પૂરાં પાડતી વિશ્વની પ્રમુખ સંસ્થા. ન્યૂયૉર્કમાં  વર્તમાનપત્રોએ યુરોપથી સમાચારો મેળવવા 1820માં એક મંડળ રચ્યું. 1844માં સૅમ્યુઅલ મૉર્સે તારયંત્રની શોધ કરી. આ ઉપરથી સમાચારો એકત્ર કરી તારયંત્ર વડે ઝડપથી દૂર દૂર વર્તમાનપત્રોને પહોંચાડવાનો વિચાર રૉઇટરને આવ્યો. એ વેળા લંડન વિશ્વનું સંચારકેન્દ્ર હતું. રૉઇટર 1851માં લંડન ગયા. તેમણે બ્રિટિશ નાગરિકતા મેળવી લંડનમાં કાર્યાલય ખોલ્યું. એ જ વર્ષે 1851માં લંડનમાં રૉઇટર ટેલિગ્રામ કંપની સ્થાપી તેની સમાચાર-સંસ્થાનું લવાજમ ભરવા તેમણે બ્રિટિશ વૃત્તપત્રોને સમજાવ્યાં. 1858માં કેટલાક ગ્રાહકોએ તેને બળ પૂરું પાડ્યું. 1865માં રૉઇટર એજન્સીને તેમણે લિમિટેડ કંપનીમાં ફેરવી. 1878 સુધી તેઓ તેના મુખ્ય પ્રબંધક રહ્યા. ટૂંક સમયમાં છાપાંમાં સમાચારને છેડે ‘રૉઇટર’ વાંચવા મળતું થયું. વિશ્વમાં તેમની સંસ્થા રૉઇટર નામે જાણીતી થઈ. 1866માં ઍટલૅંટિક મહાસાગરમાં યુરોપ-અમેરિકાને જોડતો કેબલ નંખાયો. રૉઇટરની ઝડપી પ્રગતિ જોઈ યુરોપ અને અમેરિકામાં નવી નવી સમાચાર-સંસ્થાઓ સ્થપાવા લાગી. અમેરિકી સંસ્થાઓમાં નાની સંસ્થાઓ જોડાઈ જતાં બે મુખ્ય સંસ્થાઓ એસોસિયેટેડ પ્રેસ (એપી) અને યુનાઇટેડ પ્રેસ (યુપી) રહી. યુરોપમાં પૅરિસમાં તથા બર્લિનમાં આંતરરાષ્ટ્રીય વૃત્તસંસ્થાઓ સ્થપાઈ. રૉઇટરને ભારે સ્પર્ધાની સ્થિતિમાં મુકાવું પડ્યું. નાની સંસ્થાઓ જેટલી ઝડપથી ફૂટી નીકળી તેટલી ઝડપથી વિલાઈ ગઈ. એપી અને યુપીએ સમાચાર-વિનિમયની સમજૂતી કરી. બહારની સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની અમેરિકી સંસ્થાઓની વૃત્તિને ત્યાંના સર્વોચ્ચ ન્યાયાલયે 1915માં અવૈધ ઠરાવી. આ બાજુ વિશ્વફલક ઉપર દિનપ્રતિદિન બનતી અવનવી ઘટનાઓએ લોકોમાં સમાચારની આતુરતા વધારી. 1914માં પ્રથમ મહાયુદ્ધ યુરોપમાં લડાયું. તેનાથી રૉઇટરનું મહત્વ સમાચારપત્રોને સમજાયું. રૉઇટરે આનો લાભ લઈ તેની સેવાઓ વિસ્તારી અને અદ્યતન બનાવી. બીજા મહાયુદ્ધ પછી બીજી કેટલીક સંસ્થાઓની જેમ રૉઇટર તેનાં ગ્રાહક સમાચારપત્રો તથા સંસ્થાઓની માલિકીની સહકારી સંસ્થા બની. અત્યારે બ્રિટન ઉપરાંત ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને ભારત (પીટીઆઈ) તેમાં હિત ધરાવે છે. અત્યારે રૉઇટર નિષ્પક્ષ, ચોકસાઈવાળી અને સૌથી વધારે વ્યાપવાળી ગણીગાંઠી આંતરરાષ્ટ્રીય સમાચાર-સંસ્થાઓમાં અગ્રસ્થાન ધરાવે છે.

મહેશ ચોકસી

બંસીધર શુક્લ