રૈવતક : પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રમાં આવેલો પર્વત. ‘મહાભારત’ના  આદિપર્વમાં એને પ્રભાસ તથા દ્વારકા પાસે આવેલો જણાવ્યો છે. ‘હરિવંશ’માં રૈવતકને દ્વારકાની પૂર્વ દિશામાં જણાવ્યો છે. આ રૈવતક જૂનાગઢથી ઘણો દૂર આવેલો હોવાનું સ્પષ્ટ છે. જૂનાગઢ પાસે આવેલા ગિરનારને અગાઉ ઊર્જયત્  ઉજ્જયંત કહેતા. જૈન અનુશ્રુતિ પણ તીર્થંકર નેમિનાથના સંદર્ભમાં ઉજ્જયંત અને રૈવતકને ભિન્ન જણાવે છે. ક્ષત્રપકાલ દરમિયાન બીજી સદીમાં ગિરનારને ‘ઊર્જયત્’ કહેતા; પરંતુ ગુપ્તકાલ દરમિયાન પાંચમી સદીમાં ઊર્જયત્ અને રૈવતકને અભિન્ન જણાવ્યા છે. આ પરથી માલૂમ પડે છે કે મૂળ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ ત્યારે એની સમીપ આવેલો મૂળ રૈવતક ગિરિ પણ ત્યાંથી લુપ્ત થઈ ગયો હશે. કેટલાક શતકો બાદ ‘રૈવતક’ નામ ઊર્જયત્(ગિરનાર)ને લાગુ પડ્યું. હાલ જૂનાગઢના દામોદર કુંડ પાસે રેવતી કુંડ આવેલો છે, તે પરથી એની પાછળનો મુચકંદ ગુફાવાળો ડુંગર એ સમયનો રૈવતક હોય એવું લાગે છે. સ્કન્દપુરાણના પ્રભાસખંડમાંના વસ્ત્રાપથક્ષેત્ર માહાત્મ્યમાં ઉજ્જયંત ગિરિ અને રૈવતક ગિરિને પાસે પાસે આવેલા જણાવ્યા છે. આમ રૈવતક મૂળમાં સૌરાષ્ટ્રમાં દ્વારિકાની પાસે આવેલો પ્રાચીન ગિરિ હતો, જે સમય જતાં લુપ્ત થતાં તેનું ‘રૈવતક’ નામ હાલના ગિરનાર કે એની પાસે આવેલા ડુંગરને લાગુ પાડવામાં આવ્યું.

શાર્યાત કાલના અંતે યાદવો મથુરા તજી સૌરાષ્ટ્રમાં આવી વસ્યા, ત્યારે રૈવતક ગિરિ કુશસ્થલી દ્વારિકાની સમીપ આવેલો હતો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી