રૈયતવારી પદ્ધતિ

January, 2004

રૈયતવારી પદ્ધતિ : સામાન્ય ખેડૂત પાસેથી જમીનના પ્રકાર તથા પાક(ઉત્પાદન)ને ધ્યાનમાં રાખીને સરકારને આપવાનું મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં ખેડૂત ખેતર કે ખેતરોનો માલિક ગણાતો અને માલિકીહક તેને વારસાગત પ્રાપ્ત થતો હતો. આ રીતે મુંબઈ અને મદ્રાસ ઇલાકામાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમનાં ખેતરોના માલિકો હતા. તેમણે સરકારને નક્કી કર્યા મુજબનું મહેસૂલ ભરવું પડતું હતું. તેઓ પોતાનાં ખેતરો વેચી શકતા અને નિશ્ચિત મહેસૂલ ભરે તો ખેતરો કદી ગુમાવતા નહિ. બ્રિટિશ વહીવટદારોએ મુંબઈ અને મદ્રાસ ઇલાકામાં રૈયતવારી પદ્ધતિ અપનાવી હતી. તેની આકારણીનાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે હતાં : (1) દરેક ખેડૂતની અલગ આકારણી કરવી, (2) ખેતરોની માપણી કરવી તથા પાકનો અંદાજ મૂકવો, અને (3) ઉત્પાદનના 55 ટકા લેખે સરકારની મહેસૂલની માગ કરવી.

જૂના રિવાજ મુજબ રૈયત (ખેડૂત) અને રાજ્ય એટલે કે સરકાર પાક અથવા તેની કિંમત મુજબ રોકડનો સમાન હિસ્સો લેતાં. બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપનીના વહીવટ હેઠળ આકારણી હંમેશાં નાણાંમાં કરવામાં આવતી હતી; પરંતુ જમીનના પ્રકાર તથા ઉત્પાદન મુજબ આકારણી થતી હતી. કંપનીના વહીવટ હેઠળ આકારણી ઘણી ઊંચી કરવામાં આવતી હતી : ‘ધ બૉમ્બે એડમિનિસ્ટ્રેશન રિપૉર્ટ, 1872–73’માં જણાવ્યા પ્રમાણે કંગાળ ખેડૂતોનું સૌથી વધુ શોષણ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હતા. માગ મુજબનું મહેસૂલ તેઓ ન ભરી શકે તો તેમને અસહ્ય યાતના આપવામાં આવતી, અમલદારો તેમના પ્રત્યે ઘાતકી થતા. તેથી ખેડૂતો નાછૂટકે બળવાખોર થઈ જતા. ઘણા ખેડૂતો પોતાનાં ઘર અને ગામ છોડીને નજીકના દેશી રાજ્યમાં નાસી જતા. તેના પરિણામે વિશાળ જમીનો ખેડ્યા વગરની પડી રહેતી હતી.

જયકુમાર ર. શુક્લ